હઝકિયેલ
૩૯ “હે માણસના દીકરા, તું ગોગ વિરુદ્ધ ભવિષ્યવાણી કરીને જણાવ,+ ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “ઓ ગોગ! મેશેખ અને તુબાલના+ મુખ્ય આગેવાન, હું તારી વિરુદ્ધ છું. ૨ હું તને પાછો ફેરવીશ અને ઇઝરાયેલના પર્વતો પર ચઢાઈ કરવા લઈ આવીશ. તું ઉત્તરના દૂર દૂરના ભાગોમાંથી આવીશ.+ ૩ હું તારા ડાબા હાથમાંનું ધનુષ્ય તોડી નાખીશ. તારા જમણા હાથમાંનાં તીર પાડી નાખીશ. ૪ તું ઇઝરાયેલના પર્વતો પર માર્યો જઈશ.+ તારાં બધાં લશ્કરો અને તારી સાથે આવેલા લોકો પણ માર્યાં જશે. હું તમને શિકારી પક્ષીઓ અને જંગલી જાનવરોનો ખોરાક બનાવી દઈશ.”’+
૫ “‘તું ખુલ્લા મેદાનમાં માર્યો જઈશ,+ કેમ કે હું પોતે એમ બોલ્યો છું,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.
૬ “‘હું માગોગ પર અને ટાપુઓમાં સલામત રહેનારાઓ પર આગ વરસાવીશ.+ એ વખતે તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું. ૭ હું મારા ઇઝરાયેલી લોકોમાં મારું પવિત્ર નામ જાહેર કરીશ. હવેથી હું મારા પવિત્ર નામને બદનામ થવા નહિ દઉં. બીજી પ્રજાઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું,+ હું ઇઝરાયેલમાં પવિત્ર ઈશ્વર છું.’+
૮ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હા, એ ભવિષ્યવાણી પ્રમાણે જ થશે. આ દિવસ વિશે હું જે બોલ્યો છું, એ ચોક્કસ પૂરું થશે. ૯ ઇઝરાયેલના લોકો શહેરોમાંથી બહાર નીકળશે અને હથિયારો સળગાવશે. નાની ઢાલો* અને મોટી ઢાલો, ધનુષ્યો અને તીર, બરછી અને ભાલાથી તેઓ સાત વર્ષો સુધી આગ સળગાવશે.+ ૧૦ તેઓએ ખેતરમાંથી લાકડાં વીણવા નહિ પડે કે જંગલમાંથી લાકડાં ભેગા કરવા નહિ પડે. તેઓ હથિયારોથી આગ સળગાવશે.’
“‘તેઓને લૂંટી લેનારાઓને તેઓ લૂંટી લેશે અને તેઓનું પડાવી લેનારાઓનું તેઓ પડાવી લેશે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.
૧૧ “‘એ દિવસે હું ગોગને+ માટે ઇઝરાયેલમાં દાટવાની જગ્યા આપીશ. સમુદ્રની* પૂર્વ તરફ જનારાઓ જ્યાંથી પસાર થાય છે એ ખીણ આપીશ. પછી તેઓનો આવવા-જવાનો રસ્તો બંધ થઈ જશે. ત્યાં તેઓ ગોગ અને તેનાં ટોળાઓને દાટશે. તેઓ એને હામોન-ગોગની ખીણ* કહેશે.+ ૧૨ તેઓને દફનાવવા અને દેશને શુદ્ધ કરવા+ ઇઝરાયેલના લોકોને સાત મહિના લાગશે. ૧૩ દેશના બધા લોકો તેઓને દફનાવશે. હું પોતાને મોટો મનાવીશ+ ત્યારે એ લોકોનું સન્માન કરવામાં આવશે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.
૧૪ “‘દેશને શુદ્ધ કરવા માણસોને દેશમાં ફરતા રહેવાનું અને પડી રહેલી લાશો દાટવાનું કામ સોંપવામાં આવશે. તેઓ સાત મહિના સુધી લાશો શોધતા રહેશે. ૧૫ જ્યારે શોધ કરનારાને માણસનું હાડકું મળશે, ત્યારે એની બાજુમાં નિશાન મૂકશે. પછી જેઓ દફનાવવાનું કામ કરતા હશે, તેઓ એ હાડકું હામોન-ગોગની ખીણમાં દાટશે.+ ૧૬ ત્યાં હેમોનાહ* નામનું શહેર પણ હશે. તેઓ આખા દેશને શુદ્ધ કરશે.’+
૧૭ “હે માણસના દીકરા, વિશ્વના માલિક યહોવા કહે છે: ‘બધાં પ્રકારનાં પક્ષીઓ અને જંગલી જાનવરોને કહે, “આવો, તમે બધાં ભેગાં થઈને આવો. મેં તમારાં માટે બલિદાન તૈયાર કર્યું છે, એની આસપાસ ભેગાં થાઓ. મેં ઇઝરાયેલના પર્વતો પર મોટી મિજબાની તૈયાર કરી છે.+ તમે માંસ ખાશો અને લોહી પીશો.+ ૧૮ તમે બાશાનનાં બધાં તાજાં-માજાં જાનવરોની, એટલે કે નર ઘેટા, ઘેટાનાં બચ્ચાં, બકરા અને આખલાની મિજબાની કરશો. હા, તમે પૃથ્વીના શૂરવીર માણસોનું માંસ ખાશો અને મુખીઓનું લોહી પીશો. ૧૯ મેં તમારાં માટે જે બલિદાન તૈયાર કર્યું છે, એની ચરબી તમે ધરાઈ ધરાઈને ખાશો અને લોહી પીને ચકચૂર થઈ જશો.”’
૨૦ “‘તમે મારી મેજ પરથી ઘોડાઓ, ઘોડેસવારો, શૂરવીરો અને બધા પ્રકારના લડવૈયાઓનું માંસ પેટ ભરીને ખાશો,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.
૨૧ “‘હું બીજી પ્રજાઓમાં મારું ગૌરવ દેખાડીશ. બધી પ્રજાઓ જોશે કે મેં ન્યાયચુકાદો ફટકારીને કેવી સજા કરી છે, તેઓમાં મારી તાકાતનો* કેવો પરચો બતાવ્યો છે!+ ૨૨ એ દિવસથી ઇઝરાયેલના લોકોએ સ્વીકારવું પડશે કે હું તેઓનો ઈશ્વર યહોવા છું. ૨૩ બીજી પ્રજાઓએ સ્વીકારવું પડશે કે ઇઝરાયેલી લોકો પોતાના ગુનાને લીધે અને મને બેવફા બન્યા એના લીધે ગુલામીમાં ગયા.+ એટલે મેં તેઓથી મોં ફેરવી લીધું,+ તેઓને દુશ્મનોના હાથમાં સોંપી દીધા+ અને તેઓ બધાનો તલવારથી સંહાર થયો. ૨૪ તેઓનાં અશુદ્ધ કામો અને ગુનાઓ પ્રમાણે મેં તેઓને સજા કરી. મેં તેઓથી મોં ફેરવી લીધું.’
૨૫ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘ગુલામીમાં ગયેલા યાકૂબના લોકોને હું તેઓના વતનમાં પાછા લાવીશ.+ હું ઇઝરાયેલના બધા લોકો પર દયા બતાવીશ.+ મારા પવિત્ર નામ માટે હું પૂરી તાકાતથી લડીશ.+ ૨૬ તેઓ મને બેવફા બન્યા હોવાથી તેઓએ અપમાન સહેવું પડશે.+ ત્યાર પછી તેઓ પોતાના વતનમાં સલામત રહેશે અને તેઓને કોઈ ડરાવશે નહિ.+ ૨૭ હું તેઓને દુશ્મનોના દેશોમાંથી પાછા ભેગા કરીશ. હું તેઓને બીજી પ્રજાઓમાંથી પાછા લઈ આવીશ.+ હું તેઓ માટે જે કરીશ, એનાથી ઘણી પ્રજાઓ જોશે કે હું પવિત્ર ઈશ્વર છું.’+
૨૮ “‘હું તેઓને બીજી પ્રજાઓ વચ્ચે ગુલામીમાં મોકલીશ અને પછી તેઓને પોતાના વતનમાં પાછા લાવીશ. તેઓમાંનો એકેય ત્યાં રહી જશે નહિ.+ તેઓએ સ્વીકારવું પડશે કે હું તેઓનો ઈશ્વર યહોવા છું. ૨૯ હું તેઓથી ફરી ક્યારેય મોં ફેરવી લઈશ નહિ.+ ઇઝરાયેલના લોકો પર હું મારી શક્તિ રેડી દઈશ,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”