યશાયા
૫૮ તેમણે મને કહ્યું: “મોટેથી ઘાંટો પાડ, અચકાઈશ નહિ!
રણશિંગડાની જેમ મોટેથી પોકાર!
મારા લોકોને તેઓના બંડ વિશે જણાવ,+
યાકૂબના વંશજોને તેઓનાં પાપ જાહેર કર.
૨ તેઓ જાણે સાચા માર્ગે ચાલનારી પ્રજા હોય
અને ઈશ્વરના નિયમો કદી તોડતા ન હોય,+
એમ દરરોજ મને શોધે છે
અને મારા માર્ગો જાણવાની તમન્ના બતાવે છે.
તેઓ જાણે ઈશ્વરની પાસે આવવા માંગતા હોય,+
એમ મારી પાસે સાચો ન્યાય માંગે છે.
૩ તેઓ કહે છે: ‘અમે ઉપવાસ કરીએ ત્યારે તમે કેમ જોતા નથી?+
અમે દુઃખી થઈએ ત્યારે તમે કેમ ધ્યાનમાં લેતા નથી?’+
મેં જવાબ આપ્યો કે તમે ઉપવાસ કરો છો એ દિવસે તમે પોતાનો લાભ શોધો છો,
તમે પોતાના મજૂરો પર જુલમ ગુજારો છો.+
૪ તમારા ઉપવાસના દિવસે તકરાર અને ઝઘડા થાય છે,
તમે મારામારી કરો છો.
આ રીતે ઉપવાસ કરશો તો સ્વર્ગમાં તમારું સાંભળવામાં નહિ આવે.
૫ શું મને એવા ઉપવાસ ગમે છે,
જ્યારે કોઈ પોતાને દુઃખી કરે,
પોતાનું માથું લાંબા ઘાસની જેમ નમાવે,
કંતાન અને રાખમાં પોતાની પથારી કરે?
શું તમે આને ઉપવાસ કહો છો, યહોવાને ખુશ કરવાનો દિવસ કહો છો?
૬ ના, મને તો આવો ઉપવાસ ગમે:
તમે દુષ્ટતાની બેડીઓ કાઢી નાખો,
ઝૂંસરીનાં બંધનો ખોલી નાખો,+
જુલમ સહેનારાઓને આઝાદ કરો+
અને દરેક ઝૂંસરી ભાંગીને બે ટુકડા કરો.
૭ તમારી રોટલી ભૂખ્યા સાથે વહેંચો,+
ગરીબ અને નિરાધારને તમારા ઘરમાં આશરો આપો,
કપડાં વગરનાને કપડાં આપો+
અને સગાં-વહાલાંને પીઠ ન બતાવો.
૮ પછી તમારો પ્રકાશ વહેલી સવાર જેવો થશે.+
તમે જલદી સાજા થઈ જશો.
તમારી સચ્ચાઈ તમારી આગળ જશે
અને યહોવાનું ગૌરવ તમારી રક્ષા કરવા પાછળ આવશે.+
૯ તમે વિનંતી કરશો અને યહોવા જવાબ આપશે.
તમે મદદનો પોકાર કરશો અને તે કહેશે, ‘હું આ રહ્યો!’
જો તમે જુલમ કરવાનું છોડી દો,*
આંગળી ચીંધવાનું બંધ કરો અને ખરાબ વાતો કરવાનું છોડી દો,+
૧૦ તમે પોતે જે ચાહો છો એ ભૂખ્યાને આપો+
અને દીન-દુખિયાની સંભાળ રાખો,
તો તમારો પ્રકાશ અંધારામાં પણ ઝળહળી ઊઠશે,
તમારું તેજ બપોરના પ્રકાશ જેવું થશે.+
૧૧ યહોવા તમને કાયમ માર્ગદર્શન આપશે,
સૂકી ભૂમિમાં પણ કશાની ખોટ પડવા નહિ દે.+
તે તમારાં હાડકાંમાં નવું જોમ ભરશે.
તમે સારી રીતે પાણી પાયેલા બગીચા જેવા,+
સતત વહેતા પાણીના ઝરા જેવા બનશો.
૧૨ તમે* તમારા માટે જૂના જમાનાનાં ખંડેરોને ઊભાં કરશો.+
ઘણી પેઢીઓથી ખંડેર પડી રહેલા પાયાનું તમે સમારકામ કરશો.+