બીજો કાળવૃત્તાંત
૨૬ પછી યહૂદાના બધા લોકોએ ૧૬ વર્ષના ઉઝ્ઝિયાને*+ તેના પિતા અમાઝ્યાની જગ્યાએ રાજા બનાવ્યો.+ ૨ તેણે રાજા અમાઝ્યાના મરણ પછી+ યહૂદા માટે એલોથ ફરી જીતી લીધું અને એ શહેર ફરીથી બાંધ્યું.+ ૩ ઉઝ્ઝિયા+ રાજા બન્યો ત્યારે ૧૬ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૫૨ વર્ષ રાજ કર્યું. તેની માનું નામ યખોલ્યા હતું અને તે યરૂશાલેમની હતી.+ ૪ ઉઝ્ઝિયા પોતાના પિતા અમાઝ્યાની જેમ, યહોવાની નજરમાં જે ખરું હતું એ કરતો રહ્યો.+ ૫ ઝખાર્યા તેને ઈશ્વરનો ડર રાખતા શીખવતો. એટલે ઉઝ્ઝિયા એ સમયમાં ઈશ્વરની ભક્તિ કરતો રહ્યો. તેણે સાચા ઈશ્વર યહોવાની ભક્તિ કરી ત્યાં સુધી તેમણે તેને ઘણા આશીર્વાદ આપ્યા.+
૬ તેણે જઈને પલિસ્તીઓ સામે લડાઈ કરી.+ તેણે ગાથની+ દીવાલ, યાબ્નેહની+ દીવાલ અને આશ્દોદની+ દીવાલમાં બાકોરાં પાડ્યાં અને એ શહેરો જીતી લીધાં. પછી તેણે આશ્દોદના અને પલિસ્તીઓના વિસ્તારોમાં શહેરો બાંધ્યાં. ૭ પલિસ્તીઓ સામે, ગૂર-બઆલમાં રહેતા અરબી લોકો+ સામે અને મેઉનીમ સામે સાચા ઈશ્વર તેને મદદ કરતા રહ્યા. ૮ આમ્મોનીઓ+ ઉઝ્ઝિયાને વેરો આપવા લાગ્યા. તેની નામના છેક ઇજિપ્ત સુધી ફેલાઈ ગઈ, કેમ કે તે ખૂબ બળવાન બની ગયો હતો. ૯ તેણે યરૂશાલેમમાં ખૂણાના દરવાજા+ પાસે, ખીણના દરવાજા+ પાસે અને કોટને ટેકો આપતા સ્તંભ પાસે મિનારા બાંધ્યા+ અને એને મજબૂત કર્યા. ૧૦ તેણે વેરાન પ્રદેશમાં પણ મિનારા બાંધ્યા+ અને ઘણા ટાંકા ખોદાવ્યા* (તેની પાસે ઘણાં ઢોરઢાંક હતાં). તેણે શેફેલાહમાં અને મેદાનોમાં* પણ એમ કર્યું. તેને ખેતીવાડીનો શોખ હતો. એટલે તેણે પહાડો પર અને કાર્મેલમાં ખેડૂતો રાખ્યા હતા તથા દ્રાક્ષાવાડી માટે માળીઓ પણ રાખ્યા હતા.
૧૧ ઉઝ્ઝિયા પાસે એવું સૈન્ય પણ હતું, જે યુદ્ધ માટે હંમેશાં તૈયાર રહેતું. તેઓ સમૂહોમાં ગોઠવાઈને લડાઈ કરવા જતા. મંત્રી યેઈએલ+ અને અધિકારી માઅસેયા તેઓની ગણતરી કરીને નોંધ રાખતા.+ એ બંને માણસો રાજાના આગેવાનોમાંથી હનાન્યાના હાથ નીચે કામ કરતા. ૧૨ પિતાનાં કુટુંબોના ૨,૬૦૦ વડાઓ એ શૂરવીર યોદ્ધાઓના ઉપરીઓ હતા. ૧૩ તેઓની આગેવાની નીચે યુદ્ધ માટે તૈયાર ૩,૦૭,૫૦૦ હથિયારબંધ સૈનિકો હતા. દુશ્મનો સામે લડતું રાજાનું આ લશ્કર ખૂબ શક્તિશાળી હતું.+ ૧૪ ઉઝ્ઝિયાએ આખા લશ્કરને ઢાલ, ભાલા,+ ટોપ, બખ્તર,+ ધનુષ્ય અને ગોફણના પથ્થરો+ આપીને તૈયાર રાખ્યું હતું. ૧૫ યરૂશાલેમમાં તેણે હોશિયાર કારીગરો પાસે યુદ્ધનાં સાધનો તૈયાર કરાવ્યાં હતાં. તેણે મિનારાઓ પર અને દીવાલોના ખૂણાઓ પર એવાં સાધનો પણ ગોઠવ્યાં હતાં,+ જેનાથી તીર અને મોટા પથ્થરો મારી શકાય. ઈશ્વરે તેને મદદ કરી હોવાથી તે બળવાન થયો. તેની નામના ચારે બાજુ ફેલાઈ ગઈ.
૧૬ પણ તે બળવાન થયો કે તરત ઘમંડથી ફુલાઈ ગયો અને તેની પડતી થઈ. તે યહોવાના મંદિરમાં ધૂપવેદી પર ધૂપ બાળવા ગયો અને તેણે પોતાના ઈશ્વર યહોવા સામે પાપ કર્યું.+ ૧૭ તરત જ અઝાર્યા યાજક અને યહોવાના બીજા ૮૦ યાજકો હિંમતથી તેની પાછળ ગયા. ૧૮ તેઓએ ઉઝ્ઝિયાનો વિરોધ કરીને કહ્યું: “ઓ ઉઝ્ઝિયા રાજા, યહોવા આગળ ધૂપ બાળવાનું કામ તમારું નથી!+ ફક્ત યાજકો જ ધૂપ બાળી શકે છે, કેમ કે તેઓ હારુનના વંશજો છે.+ ઈશ્વરે તેઓને પવિત્ર કર્યા છે. મંદિરમાંથી નીકળી જાઓ! તમે પાપ કર્યું છે. આના માટે તમને યહોવા ઈશ્વર તરફથી જરાય માન મળશે નહિ.”
૧૯ પણ હાથમાં ધૂપદાની લઈને જતાં ઉઝ્ઝિયાને યાજકો પર ખૂબ ક્રોધ ચઢ્યો.+ તે યાજકો પર ગુસ્સે ભરાઈને બોલતો હતો, એવામાં યાજકોની સામે જ તેના કપાળ પર રક્તપિત્ત*+ થયો. એ સમયે તે યહોવાના મંદિરમાં ધૂપવેદી પાસે હતો. ૨૦ મુખ્ય યાજક અઝાર્યાએ અને બીજા યાજકોએ તેની તરફ જોયું તો જુઓ, તેના કપાળ પર રક્તપિત્ત થયો હતો! તેઓએ તેને બહાર હડસેલી મૂક્યો. તે પોતે બહાર દોડી ગયો, કેમ કે યહોવાએ તેને સજા કરી હતી.
૨૧ ઉઝ્ઝિયા રાજાને રક્તપિત્ત થયો હતો અને મરતાં સુધી તે રોગી રહ્યો.+ તે અલગ ઘરમાં રહેતો હતો. તેને યહોવાના મંદિરમાં જવાની મનાઈ હતી. તેનો દીકરો યોથામ રાજમહેલના વહીવટની દેખરેખ રાખતો હતો અને દેશના લોકોનો ન્યાય કરતો હતો.+
૨૨ શરૂઆતથી લઈને અંત સુધીનો ઉઝ્ઝિયાનો બાકીનો ઇતિહાસ આમોઝના દીકરા યશાયા પ્રબોધકે+ નોંધ્યો હતો. ૨૩ પછી ઉઝ્ઝિયા ગુજરી ગયો અને લોકોએ કહ્યું: “આ તો રક્તપિત્તિયો છે.” તેને તેના બાપદાદાઓની જેમ દફનાવવામાં આવ્યો, પણ રાજાઓના ખેતરોમાં. તેનો દીકરો યોથામ+ તેની જગ્યાએ રાજા બન્યો.