પહેલો રાજાઓ
૧૪ એ સમયે યરોબઆમનો દીકરો અબિયા બીમાર પડ્યો. ૨ યરોબઆમે પોતાની પત્નીને કહ્યું: “તું વેશ બદલીને શીલોહ જા, જેથી લોકોને ખબર ન પડે કે તું યરોબઆમની પત્ની છે. શીલોહમાં પ્રબોધક અહિયા છે, જેણે કહ્યું હતું કે હું આ લોકો પર રાજ કરીશ.+ ૩ તારી સાથે દસ રોટલી, ચકતાં અને બરણીમાં મધ લે અને તેમની પાસે જા. આપણા દીકરાનું શું થશે એ વિશે તે જણાવશે.”
૪ યરોબઆમના કહેવા પ્રમાણે તેની પત્નીએ કર્યું. તે શીલોહ+ ગઈ અને અહિયાના ઘરે આવી. ઘડપણને લીધે અહિયાની આંખે ઝાંખપ આવી ગઈ હતી અને તેને દેખાતું ન હતું.
૫ યહોવાએ અહિયાને કહ્યું હતું: “યરોબઆમનો દીકરો બીમાર છે. યરોબઆમની પત્ની પોતાના દીકરા વિશે પૂછવા તારી પાસે આવી રહી છે. હું તને જણાવીશ કે તેને શું કહેવું.* તે પોતાની ઓળખ છુપાવીને આવે છે.”
૬ દરવાજામાં યરોબઆમની પત્નીનાં પગલાંનો અવાજ સાંભળીને અહિયાએ તરત કહ્યું: “યરોબઆમની પત્ની, અંદર આવ. તું કેમ પોતાની ઓળખ છુપાવે છે? તને ખરાબ સમાચાર આપવાનું કામ મને સોંપવામાં આવ્યું છે. ૭ જા, યરોબઆમને જણાવ કે, ‘ઇઝરાયેલના ઈશ્વર યહોવા આમ કહે છે: “મેં તને તારા લોકોમાંથી પસંદ કર્યો, જેથી તું મારા ઇઝરાયેલી લોકોનો આગેવાન બને.+ ૮ મેં દાઉદના વંશજો પાસેથી રાજ્ય છીનવી લીધું અને તને આપ્યું.+ પણ તું મારા સેવક દાઉદ જેવો બન્યો નહિ. તેણે મારી નજરમાં જે ખરું છે+ એ કરીને મારી આજ્ઞાઓ પાળી હતી. તે પૂરા દિલથી મારા માર્ગે ચાલ્યો હતો. ૯ પણ તારી અગાઉના બધા રાજાઓ કરતાં તેં વધારે ખરાબ કામો કર્યાં છે. તેં બીજા દેવો બનાવ્યા, ધાતુની મૂર્તિઓ* બનાવી અને મને કોપાયમાન કર્યો છે.+ તેં મારો ત્યાગ કર્યો છે.+ ૧૦ એ કારણને લીધે, ઓ યરોબઆમ, હું તારા વંશજો પર આફત લાવીશ અને તારા કુટુંબના દરેક પુરુષને* મારી નાખીશ. ઇઝરાયેલના લાચાર અને કમજોર માણસનો પણ નાશ કરીશ. જેમ કોઈ છાણ સાફ કરીને બહાર નાખી દે, તેમ હું તારા કુટુંબનો સફાયો કરી નાખીશ.+ ૧૧ તારા કુટુંબમાંથી જે કોઈ શહેરની અંદર મરશે, તેને કૂતરાઓ ખાશે; જે કોઈ શહેરની બહાર મરશે તેને આકાશનાં પક્ષીઓ ખાશે, કેમ કે યહોવા એવું બોલ્યા છે.”’
૧૨ “હવે તું તારા ઘરે જા. તું શહેરમાં પગ મૂકીશ કે તરત તારા દીકરાનું મરણ થશે. ૧૩ બધા ઇઝરાયેલીઓ તેના માટે શોક પાળશે અને તેને દફનાવશે. ઇઝરાયેલના ઈશ્વર યહોવાએ યરોબઆમના કુટુંબમાંથી ફક્ત તેના દીકરામાં કંઈક સારું જોયું છે. યરોબઆમના કુટુંબમાંથી ફક્ત તેને જ કબરમાં દફનાવવામાં આવશે. ૧૪ યહોવા પોતાના માટે ઇઝરાયેલ પર એક રાજા ઊભો કરશે. એ રાજા સમય આવે ત્યારે યરોબઆમના કુટુંબનો નાશ કરશે.+ અરે, ઈશ્વર ચાહે તો હમણાં પણ એવું કરી શકે છે! ૧૫ યહોવા ઇઝરાયેલીઓને એવા મારશે કે તેઓ પાણીમાં ડોલતા બરુ* જેવા થઈ જશે. તેઓના બાપદાદાઓને આપેલા ઉત્તમ દેશમાંથી+ તે ઇઝરાયેલીઓને જડમૂળથી ઉખેડી નાખશે. તે તેઓને યુફ્રેટિસ નદીની પેલે પાર સુધી વિખેરી નાખશે,+ કેમ કે તેઓએ ભક્તિ-થાંભલાઓ*+ બનાવીને યહોવાને કોપાયમાન કર્યા છે. ૧૬ યરોબઆમે પાપ કર્યું છે. અરે, તેણે ઇઝરાયેલીઓ પાસે પાપ કરાવ્યું છે.+ એટલે ઈશ્વર ઇઝરાયેલીઓનો ત્યાગ કરશે.”
૧૭ યરોબઆમની પત્ની ત્યાંથી પોતાના માર્ગે નીકળી પડી અને તિર્સાહ આવી. તેણે ઘરના ઉંબરે પગ મૂક્યો અને તેનો દીકરો મરણ પામ્યો. ૧૮ લોકોએ તેને દફનાવ્યો અને આખા ઇઝરાયેલે તેના માટે શોક પાળ્યો. યહોવાએ પોતાના સેવક અહિયા પ્રબોધક દ્વારા જે કહ્યું હતું એવું જ થયું.
૧૯ યરોબઆમનો બાકીનો ઇતિહાસ ઇઝરાયેલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલો છે. તેણે લડેલાં યુદ્ધો+ અને તેના રાજ વિશે એમાં જણાવ્યું છે. ૨૦ યરોબઆમે ૨૨ વર્ષ રાજ કર્યું અને તેનું મરણ થયું.+ તેનો દીકરો નાદાબ તેની જગ્યાએ રાજા બન્યો.+
૨૧ યહૂદા પર સુલેમાનનો દીકરો રહાબઆમ રાજ કરતો હતો. રહાબઆમ રાજા બન્યો ત્યારે ૪૧ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૧૭ વર્ષ રાજ કર્યું. એ શહેર તો યહોવાએ પોતાના નામને મહિમા આપવા+ ઇઝરાયેલનાં બધાં કુળોમાંથી પસંદ કર્યું હતું.+ રહાબઆમની માનું નામ નાઅમાહ હતું અને તે આમ્મોનની હતી.+ ૨૨ યહોવાની નજરમાં જે ખરાબ હતું, એ યહૂદાના લોકો કરતા હતા.+ તેઓએ પાપ કરીને ઈશ્વરને ભારે રોષ ચઢાવ્યો. અરે, એટલો તો તેઓના બાપદાદાઓએ પણ ચઢાવ્યો ન હતો.+ ૨૩ તેઓએ દરેક ઊંચી ટેકરી ઉપર+ અને દરેક ઘટાદાર વૃક્ષ નીચે+ પોતાના માટે ભક્તિ-સ્થળો બાંધ્યાં. ભક્તિ-સ્તંભો* અને ભક્તિ-થાંભલાઓ+ પણ ઊભા કર્યા. ૨૪ ત્યાંનાં મંદિરોમાં એવા પુરુષો રાખવામાં આવતા, જેઓ બીજા પુરુષો સાથે જાતીય સંબંધ બાંધતા હતા.+ યહોવાએ જે પ્રજાઓને ઇઝરાયેલીઓ આગળથી હાંકી કાઢી હતી, તેઓનાં જેવાં નીચ કામો યહૂદાના લોકોએ કર્યાં.
૨૫ રાજા રહાબઆમના શાસનના પાંચમા વર્ષે ઇજિપ્તના રાજા શીશાકે+ યરૂશાલેમ પર ચઢાઈ કરી.+ ૨૬ તેણે યહોવાના મંદિરનો ખજાનો અને રાજમહેલનો ખજાનો લૂંટી લીધો.+ તેણે બધું જ લૂંટી લીધું. અરે, સુલેમાને બનાવેલી સોનાની બધી ઢાલો પણ તે લઈ ગયો.+ ૨૭ રાજા રહાબઆમે એના બદલે તાંબાની ઢાલો બનાવી. એની સંભાળ રાખવાની જવાબદારી તેણે મહેલના દરવાજે ચોકી કરતા રક્ષકોના ઉપરીઓને સોંપી. ૨૮ રાજા જ્યારે જ્યારે યહોવાના મંદિરમાં આવતો, ત્યારે ત્યારે રક્ષકો એ ઢાલો લેતા. પછી તેઓ એને રક્ષકોની ઓરડીમાં પાછી મૂકી દેતા.
૨૯ રહાબઆમનો બાકીનો ઇતિહાસ અને તેણે જે કંઈ કર્યું, એ બધું યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલું છે.+ ૩૦ રહાબઆમ અને યરોબઆમ વચ્ચે સતત લડાઈ ચાલતી રહી.+ ૩૧ રહાબઆમનું મરણ થયું અને તેને પોતાના બાપદાદાઓની જેમ દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો.+ તેની માનું નામ નાઅમાહ હતું અને તે આમ્મોનની હતી.+ તેનો દીકરો અબીયામ*+ તેની જગ્યાએ રાજા બન્યો.