બીજો શમુએલ
૫ સમય જતાં, ઇઝરાયેલનાં સર્વ કુળો હેબ્રોનમાં દાઉદ પાસે આવ્યાં+ અને કહ્યું: “જુઓ, અમે તમારાં જ સગાં છીએ.*+ ૨ અગાઉ શાઉલ અમારા રાજા હતા ત્યારે પણ, લડાઈઓમાં ઇઝરાયેલની આગેવાની લેનાર તમે જ હતા.+ યહોવાએ તમને કહ્યું હતું: ‘તું ઘેટાંપાળકની જેમ મારા ઇઝરાયેલી લોકોની સંભાળ રાખીશ અને ઇઝરાયેલનો આગેવાન બનીશ.’”+ ૩ આમ ઇઝરાયેલના સર્વ વડીલો હેબ્રોનમાં દાઉદ રાજા પાસે આવ્યા. દાઉદે ત્યાં યહોવા આગળ તેઓ સાથે કરાર કર્યો.+ તેઓએ આખા ઇઝરાયેલ પર રાજા તરીકે દાઉદનો અભિષેક કર્યો.+
૪ દાઉદ ૩૦ વર્ષની ઉંમરે રાજા બન્યો અને તેણે ૪૦ વર્ષ રાજ કર્યું.+ ૫ દાઉદે હેબ્રોનમાંથી યહૂદા પર સાડા સાત વર્ષ રાજ કર્યું. તેણે યરૂશાલેમમાંથી+ આખા ઇઝરાયેલ અને યહૂદા પર ૩૩ વર્ષ રાજ કર્યું. ૬ દાઉદ રાજા અને તેના માણસો યરૂશાલેમમાં રહેતા યબૂસીઓ વિરુદ્ધ લડાઈ કરવા ગયા.+ યબૂસીઓએ દાઉદની મશ્કરી કરતા કહ્યું: “તું અમારા વિસ્તારમાં પગ પણ નહિ મૂકી શકે! તને ભગાડવા માટે અમારા આંધળા અને લંગડા માણસો જ પૂરતા છે.” યબૂસીઓ વિચારતા કે ‘દાઉદ ક્યારેય અહીં આવી નહિ શકે.’+ ૭ તોપણ દાઉદે સિયોનનો કિલ્લો કબજે કરી લીધો, જે આજે દાઉદનગર કહેવાય છે.+ ૮ એ દિવસે દાઉદે કહ્યું: “જેઓ યબૂસીઓ પર હુમલો કરે, તેઓ પાણીના નાળામાં થઈને જાય. તેઓ ‘આંધળા તથા લંગડાઓને’ મારી નાખે, જેઓને દાઉદ ધિક્કારે છે.” એટલે આ કહેવત પડી, “આંધળા અને લંગડા આ જગ્યાએ ક્યારેય આવી નહિ શકે.” ૯ પછી દાઉદ કિલ્લામાં રહેવા લાગ્યો અને એ જગ્યાનું નામ દાઉદનગર પડ્યું.* દાઉદે ગઢ*+ પર અને શહેરમાં દીવાલો અને બીજી ઇમારતો બાંધવાનું શરૂ કર્યું.+ ૧૦ દાઉદ વધારે ને વધારે બળવાન થતો ગયો+ અને સૈન્યોના ઈશ્વર યહોવા* તેની સાથે હતા.+
૧૧ તૂરના રાજા હીરામે+ દાઉદ પાસે સંદેશવાહકો મોકલ્યા. તેણે દાઉદ માટે મહેલ બાંધવા દેવદારનાં લાકડાં,+ સુથારો અને કડિયા પણ મોકલ્યા. તેઓએ મહેલ બાંધવાનું શરૂ કર્યું.+ ૧૨ દાઉદને ખાતરી થઈ કે યહોવાએ તેને ઇઝરાયેલ પર રાજા બનાવ્યો છે+ અને તેમણે પોતાના ઇઝરાયેલી લોકો માટે+ તેનું રાજ્ય દૃઢ કર્યું છે.+
૧૩ હેબ્રોનથી પાછા આવ્યા પછી દાઉદે યરૂશાલેમમાં બીજી ઉપપત્નીઓ+ અને પત્નીઓ કરી. તેને બીજાં દીકરા-દીકરીઓ પણ થયાં.+ ૧૪ યરૂશાલેમમાં દાઉદને જે દીકરાઓ થયા, તેઓનાં નામ આ છે: શામ્મૂઆ, શોબાબ, નાથાન,+ સુલેમાન,+ ૧૫ યિબ્હાર, અલીશૂઆ, નેફેગ, યાફીઆ, ૧૬ અલિશામા, એલ્યાદા અને અલીફેલેટ.
૧૭ પલિસ્તીઓને ખબર પડી કે ઇઝરાયેલના રાજા તરીકે દાઉદનો અભિષેક થયો છે.+ એટલે તેઓ બધા તેને શોધવા આવ્યા.+ દાઉદને એની જાણ થતાં જ તે સલામત જગ્યાએ છુપાઈ ગયો.+ ૧૮ પછી પલિસ્તીઓ આવીને રફાઈમની ખીણમાં*+ ફેલાઈ ગયા. ૧૯ દાઉદે યહોવાને પૂછ્યું:+ “શું હું પલિસ્તીઓ સામે લડવા જાઉં? શું તમે તેઓને મારા હાથમાં સોંપી દેશો?” યહોવાએ દાઉદને કહ્યું: “જા, હું પલિસ્તીઓને ચોક્કસ તારા હાથમાં સોંપી દઈશ.”+ ૨૦ એટલે દાઉદ બઆલ-પરાસીમ ગયો અને પલિસ્તીઓને હરાવી દીધા. દાઉદે કહ્યું: “જેમ પૂરનું પાણી ધસી આવે, તેમ યહોવાએ મારી આગળ જઈને મારા દુશ્મનોનો નાશ કર્યો.”+ તેથી દાઉદે એ જગ્યાનું નામ બઆલ-પરાસીમ* પાડ્યું.+ ૨૧ પલિસ્તીઓ પોતાની મૂર્તિઓ ત્યાં જ મૂકી ગયા. દાઉદ અને તેના માણસો એ લઈ ગયા.*
૨૨ પછી પલિસ્તીઓ ફરીથી આવ્યા અને રફાઈમની ખીણમાં+ ફેલાઈ ગયા. ૨૩ દાઉદે યહોવાની સલાહ માંગી. તેમણે કહ્યું: “તું સીધેસીધો હુમલો ન કરતો. પણ ફરીને તેઓની પાછળ જજે અને બાકા ઝાડીઓની આગળ તેઓ પર હુમલો કરજે. ૨૪ જ્યારે બાકા ઝાડીઓમાં કૂચ કરવાનો અવાજ સંભળાય ત્યારે તરત હુમલો કરજે, કેમ કે પલિસ્તીઓના સૈન્યનો સંહાર કરવા યહોવા તારી આગળ નીકળી ગયા હશે.” ૨૫ દાઉદે યહોવાની આજ્ઞા પ્રમાણે જ કર્યું. તેણે ગેબાથી+ લઈને ગેઝેર+ સુધી પલિસ્તીઓનો સંહાર કર્યો.+