યર્મિયા
૭ યહોવાનો આ સંદેશો યર્મિયાને મળ્યો: ૨ “યહોવાના મંદિરના દરવાજે ઊભો રહે અને આ સંદેશો જાહેર કર, ‘યહોવાની ભક્તિ કરવા આ દરવાજામાંથી અંદર જનાર યહૂદાના સર્વ લોકો, તમે યહોવાનો સંદેશો સાંભળો. ૩ ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “જો તમે તમારાં વર્તનમાં અને કામોમાં સુધારો કરશો, તો હું તમને આ જગ્યાએ રહેવા દઈશ.+ ૪ તમે છેતરામણી વાતો પર ભરોસો ન કરો. તમે એવું ન કહો, ‘આ* યહોવાનું મંદિર છે, યહોવાનું મંદિર છે, યહોવાનું મંદિર છે!’+ ૫ જો તમે સાચે જ તમારાં વર્તનમાં અને કામોમાં સુધારો કરો, જો માણસ અને તેના પડોશી વચ્ચે સાચો ન્યાય કરો,+ ૬ જો પરદેશીઓ, અનાથો* અને વિધવાઓ પર જુલમ નહિ કરો,+ જો આ જગ્યાએ નિર્દોષ માણસનું લોહી નહિ વહેવડાવો અને જો બીજા દેવો પાછળ નહિ જાઓ, જેનાથી તમને નુકસાન થાય છે,+ ૭ તો હું આ જગ્યાએ તમને રહેવા દઈશ. એ દેશમાં રહેવા દઈશ જે મેં તમારા બાપદાદાઓને હંમેશ માટે* આપ્યો છે.”’”
૮ “પણ તમે છેતરામણી વાતો પર ભરોસો મૂકો છો,+ એનાથી તમને જરાય ફાયદો નહિ થાય. ૯ તમે ચોરી કરો છો,+ ખૂન કરો છો, વ્યભિચાર કરો છો, જૂઠા સમ ખાઓ છો,+ બઆલને બલિદાનો ચઢાવો છો+ અને પારકા દેવોની પૂજા કરો છો. તમને શું લાગે છે, ૧૦ આવાં કામો કર્યા છતાં તમે મારા નામથી ઓળખાતા મંદિરમાં આવી શકો? મારી આગળ ઊભા રહી શકો? શું આવાં કામો કરીને કહી શકો, ‘અમને બચાવી લેવામાં આવશે’? ૧૧ મારા નામથી ઓળખાતા મંદિરને શું તમે લુટારાઓનો અડ્ડો સમજો છો?+ મેં પોતે તમને એવાં કામો કરતા જોયા છે,” એવું યહોવા કહે છે.
૧૨ “‘હવે શીલોહમાં+ મેં મારા નામનો મહિમા કરવા જે જગ્યા પ્રથમ પસંદ કરી હતી,+ એ પવિત્ર જગ્યાએ* જાઓ. ત્યાં જઈને જુઓ કે મારા ઇઝરાયેલી લોકોનાં દુષ્ટ કામોને લીધે મેં એ જગ્યાના કેવા હાલ કર્યા છે.+ ૧૩ પણ તમે એવાં કામો કરવાનું છોડ્યું નહિ,’ એવું યહોવા કહે છે. ‘મેં તમારી સાથે વારંવાર* વાત કરી, પણ તમે મારું સાંભળ્યું નહિ.+ મેં તમને અનેક વાર બોલાવ્યા, પણ તમે જવાબ આપ્યો નહિ.+ ૧૪ મારા નામથી ઓળખાતા મંદિરના,+ જેના પર તમે ભરોસો રાખો છો+ અને જે જગ્યા મેં તમને અને તમારા બાપદાદાઓને આપી હતી એના હાલ હું શીલોહ જેવા જ કરીશ.+ ૧૫ જેમ મેં તમારા બધા ભાઈઓને, એફ્રાઈમના બધા વંશજોને મારી નજરથી દૂર કર્યા હતા, તેમ તમને પણ દૂર કરી દઈશ.’+
૧૬ “હે યર્મિયા, તું આ લોકો વતી મને પ્રાર્થના ન કર. તું તેઓ માટે વિલાપ કે વિનંતી ન કર. તું તેઓ માટે મને કાલાવાલા ન કર,+ કેમ કે હું એ સાંભળીશ નહિ.+ ૧૭ યહૂદાનાં શહેરોમાં અને યરૂશાલેમની ગલીઓમાં તેઓ જે કરે છે, એ શું તારી નજરે પડતું નથી? ૧૮ દીકરાઓ લાકડાં ભેગાં કરે છે, પિતાઓ આગ ચાંપે છે અને પત્નીઓ લોટ બાંધે છે, જેથી બલિદાનની રોટલી બનાવે અને સ્વર્ગની રાણીને* એ ચઢાવી શકે.+ મને દુઃખી કરવા તેઓ પારકા દેવોને દ્રાક્ષદારૂ-અર્પણ* ચઢાવે છે.+ ૧૯ ‘પણ એવું કરીને શું તેઓ મને દુઃખી* કરે છે? ના, તેઓ પોતાને જ દુઃખી કરે છે, પોતાનું જ અપમાન કરે છે,’ એવું યહોવા કહે છે.+ ૨૦ વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું મારો ગુસ્સો અને ક્રોધ આ જગ્યા પર રેડી દઈશ.+ માણસો પર અને જાનવરો પર, બધાં વૃક્ષો પર અને જમીનની ઊપજ પર હું એ રેડી દઈશ. મારા ગુસ્સાની આગ બળ્યા કરશે, એ કદી હોલવાશે નહિ.’+
૨૧ “ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: ‘જાઓ, બીજાં અર્પણો સાથે તમારાં અગ્નિ-અર્પણો ઉમેરી દો અને તમે જ એનું માંસ ખાઓ.+ ૨૨ કેમ કે હું તમારા બાપદાદાઓને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો એ દિવસે, મેં અગ્નિ-અર્પણો અને બીજાં બલિદાનો વિશે કોઈ વાત કરી ન હતી કે કોઈ આજ્ઞા આપી ન હતી.+ ૨૩ મેં તેઓને ફક્ત આ આજ્ઞા આપી હતી: “તમે મારું સાંભળો અને હું તમારો ઈશ્વર બનીશ ને તમે મારા લોકો બનશો.+ હું તમને જે આજ્ઞાઓ આપું છું એ પ્રમાણે ચાલો, જેથી તમારું ભલું થાય.”’+ ૨૪ પણ તેઓએ મારું સાંભળ્યું નહિ, મારી વાત કાને ધરી નહિ.+ તેઓ પોતાની મરજી* પ્રમાણે ચાલ્યા. અડિયલ બનીને તેઓએ પોતાનાં દુષ્ટ હૃદય પ્રમાણે કર્યું.+ આગળ વધવાને બદલે તેઓ પાછળ ગયા. ૨૫ ઇજિપ્તમાંથી બહાર આવ્યા ત્યારથી લઈને આજ સુધી તમારા બાપદાદાઓએ એવું જ કર્યું છે.+ મેં તેઓ પાસે મારા સેવકો, મારા પ્રબોધકોને મોકલ્યા, દરરોજ મોકલ્યા, વારંવાર* મોકલ્યા.+ ૨૬ છતાં તેઓએ મારું સાંભળ્યું નહિ, મારી વાત કાને ધરી નહિ.+ તેઓ હઠીલા હતા,* તેઓએ તો પોતાના બાપદાદાઓ કરતાં પણ વધારે ખરાબ કામો કર્યાં!
૨૭ “તું તેઓને આ વાતો કહીશ,+ પણ તેઓ તારું સાંભળશે નહિ. તું તેઓને બોલાવીશ, પણ તેઓ જવાબ આપશે નહિ. ૨૮ તું તેઓને કહીશ, ‘આ પ્રજાએ પોતાના ઈશ્વર યહોવાની આજ્ઞા પાળી નથી, તેઓએ તેમની શિસ્ત* સ્વીકારી નથી. તેઓની વફાદારી મરી પરવારી છે. તેઓ વફાદાર બનવા વિશે વાત પણ કરતા નથી.’+
૨૯ “તમારા વાળ* કાપીને ફેંકી દો, ડુંગરો પર જઈને વિલાપગીત* ગાઓ. આ પેઢીએ યહોવાને ગુસ્સે કર્યા છે, એટલે તેમણે એનો નકાર કર્યો છે. તે એને છોડી દેશે. ૩૦ યહોવા કહે છે, ‘યહૂદાના લોકોએ મારી નજરમાં જે ખરાબ છે એ જ કર્યું છે. મારા નામથી ઓળખાતા મંદિરમાં તેઓએ એવી મૂર્તિઓ મૂકી છે, જેને હું ખૂબ ધિક્કારું છું. એવું કરીને તેઓએ મારા મંદિરને અશુદ્ધ કર્યું છે.+ ૩૧ હિન્નોમની ખીણમાં*+ આવેલા તોફેથમાં* તેઓએ ભક્તિ-સ્થળો* બાંધ્યાં છે, જેથી પોતાનાં દીકરા-દીકરીઓને આગમાં હોમી શકે.+ મેં તેઓને એવું કરવાની આજ્ઞા આપી ન હતી, મારા દિલમાં એવો વિચાર પણ આવ્યો ન હતો.’+
૩૨ “યહોવા કહે છે, ‘જો! એવા દિવસો આવી રહ્યા છે, જ્યારે આ જગ્યાને તોફેથ કે હિન્નોમની ખીણ નહિ, પણ કતલની ખીણ કહેવામાં આવશે. તેઓ તોફેથમાં એટલાં બધાં મડદાં દાટશે કે જગ્યા ખૂટી પડશે.+ ૩૩ તેઓનાં મડદાં આકાશનાં પક્ષીઓનો અને પૃથ્વીનાં પ્રાણીઓનો ખોરાક બનશે અને તેઓને ડરાવીને ભગાડી મૂકનાર કોઈ નહિ હોય.+ ૩૪ યહૂદાનાં શહેરો અને યરૂશાલેમની ગલીઓમાંથી હું આનંદ-ઉલ્લાસનો પોકાર બંધ કરી દઈશ. ત્યાંથી વરરાજા અને કન્યાનો અવાજ સંભળાશે નહિ,+ કેમ કે દેશ ખંડેર થઈ જશે.’”+