ગણના
૨૫ ઇઝરાયેલીઓ શિટ્ટીમમાં+ રહેતા હતા ત્યારે, તેઓ મોઆબની દીકરીઓ જોડે વ્યભિચાર* કરવા લાગ્યા.+ ૨ એ સ્ત્રીઓ પોતાના દેવોને બલિદાનો ચઢાવવા જતી+ ત્યારે, ઇઝરાયેલીઓને પોતાની સાથે જોડાવા આમંત્રણ આપતી. લોકો એ બલિદાનો ખાવા લાગ્યા અને તેઓના દેવો આગળ નમવા લાગ્યા.+ ૩ આમ, ઇઝરાયેલીઓ પેઓરના બઆલની*+ ભક્તિ કરવા લાગ્યા. એનાથી યહોવાનો કોપ ઇઝરાયેલ પર સળગી ઊઠ્યો. ૪ યહોવાએ મૂસાને કહ્યું: “એ પાપ માટે જવાબદાર આગેવાનોને તું ધોળે દિવસે* મારી નાખ અને યહોવા આગળ લટકાવી દે, જેથી ઇઝરાયેલ વિરુદ્ધ યહોવાનો કોપ શાંત થાય.” ૫ તેથી મૂસાએ ઇઝરાયેલના ન્યાયાધીશોને* કહ્યું:+ “તમે દરેક જણ તમારા અધિકાર નીચેના એ પુરુષોને મારી નાખો, જેઓએ પેઓરના બઆલની ભક્તિ કરી છે.”+
૬ બધા ઇઝરાયેલીઓ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ વિલાપ કરતા હતા ત્યારે, એક ઇઝરાયેલી માણસ મૂસા અને સર્વ ઇઝરાયેલીઓના દેખતાં એક મિદ્યાની સ્ત્રીને+ છાવણીમાં લાવ્યો. ૭ હારુન યાજકના પૌત્ર, એટલે કે એલઆઝારના દીકરા ફીનહાસે+ એ જોયું ત્યારે, તે તરત જ લોકો વચ્ચેથી ઊભો થયો અને તેણે પોતાના હાથમાં ભાલો લીધો. ૮ પછી તે ઇઝરાયેલી માણસની પાછળ તેના તંબુમાં ગયો. તેણે તે પુરુષ અને સ્ત્રીના પેટમાં* ભાલો આરપાર ભોંકી દીધો. તરત જ, ઇઝરાયેલમાંથી રોગચાળો બંધ થયો.+ ૯ જેઓ રોગચાળાથી માર્યા ગયા, તેઓની સંખ્યા ૨૪,૦૦૦ હતી.+
૧૦ પછી યહોવાએ મૂસાને કહ્યું: ૧૧ “હારુન યાજકના પૌત્ર, એટલે કે એલઆઝારના દીકરા ફીનહાસે+ ઇઝરાયેલ પરથી મારો કોપ દૂર કર્યો છે, કેમ કે લોકો મારા સિવાય બીજા કોઈની ભક્તિ કરે એ તેનાથી સહન ન થયું.+ જો તેણે એમ કર્યું ન હોત, તો મેં ઇઝરાયેલીઓનો નાશ કરી દીધો હોત, કેમ કે હું ચાહું છું કે ફક્ત મારી જ ભક્તિ કરવામાં આવે.+ ૧૨ તેથી તેને કહે, ‘હું તેની સાથે શાંતિનો કરાર કરું છું. ૧૩ એ કરાર મુજબ યાજકપદ હંમેશ માટે તેનું અને તેના વંશજનું થશે,+ કેમ કે લોકો મારા સિવાય બીજા કોઈની ભક્તિ કરે એ તેનાથી સહન ન થયું+ અને તેણે ઇઝરાયેલીઓ માટે પ્રાયશ્ચિત્ત કર્યું.’”
૧૪ મિદ્યાની સ્ત્રી સાથે જે ઇઝરાયેલી પુરુષ માર્યો ગયો હતો, તેનું નામ ઝિમ્રી હતું. તે સાલૂનો દીકરો અને શિમયોનીઓના પિતાના કુટુંબનો મુખી હતો. ૧૫ જે મિદ્યાની સ્ત્રીને મારી નાખવામાં આવી હતી, તેનું નામ કોઝબી હતું. તે સૂરની+ દીકરી હતી, જે મિદ્યાનના+ એક કુળનો આગેવાન હતો.
૧૬ પછી યહોવાએ મૂસાને કહ્યું: ૧૭ “મિદ્યાનીઓ પર હુમલો કરીને તેઓને મારી નાખો,+ ૧૮ કેમ કે તેઓ ચાલાકીઓ અજમાવીને તમને હેરાન કરે છે. તેઓએ પેઓરના કિસ્સામાં+ અને મિદ્યાનના કુળની દીકરી કોઝબીનો ઉપયોગ કરીને તમને ફસાવ્યા છે. પેઓરના લીધે તમારા પર રોગચાળો આવ્યો+ એ દિવસે એ સ્ત્રીને મારી નાખવામાં આવી હતી.”+