બીજો કાળવૃત્તાંત
૩ પછી સુલેમાને યરૂશાલેમમાં મોરિયા પર્વત+ પર યહોવાનું મંદિર બાંધવાનું શરૂ કર્યું.+ યહોવાએ તેના પિતા દાઉદને એ જગ્યાએ દર્શન આપ્યું હતું.+ એ જગ્યા દાઉદે યબૂસી ઓર્નાનની ખળીમાં* મંદિર બાંધવા માટે તૈયાર કરી હતી.+ ૨ સુલેમાને પોતાના શાસનના ચોથા વર્ષે, બીજા મહિનાના બીજા દિવસે મંદિર બાંધવાનું શરૂ કર્યું. ૩ સુલેમાને સાચા ઈશ્વરનું મંદિર બાંધવા જે પાયો નાખ્યો, એ અગાઉના માપ* પ્રમાણે ૬૦ હાથ લાંબો અને ૨૦ હાથ પહોળો હતો.+ ૪ આગળની પરસાળ ૨૦ હાથ લાંબી હતી, એટલે કે મંદિરની પહોળાઈ જેટલી* હતી. એની ઊંચાઈ ૨૦ હાથ* હતી. સુલેમાને એને અંદરથી ચોખ્ખા સોનાથી મઢી.+ ૫ તેણે આખા મંદિરમાં ગંધતરુનાં* લાકડાં જડી દીધાં. પછી તેણે મંદિરને ચોખ્ખા સોનાથી મઢ્યું.+ તેણે એને ખજૂરીના આકાર+ અને સાંકળોથી શણગાર્યું.+ ૬ તેણે આખા મંદિરમાં સુંદર કીમતી રત્નો જડ્યાં.+ તેણે વાપરેલું સોનું+ પાર્વાઇમનું* હતું. ૭ તેણે મંદિર, એનાં ભારોટિયા, ઉંબરા, દીવાલો અને દરવાજા સોનાથી મઢ્યાં+ અને દીવાલો પર કરૂબો* કોતર્યા.+
૮ પછી તેણે પરમ પવિત્ર સ્થાન* બનાવ્યું.+ એની પહોળાઈ ૨૦ હાથ હતી. એની લંબાઈ મંદિરની પહોળાઈ જેટલી, એટલે કે ૨૦ હાથ હતી. તેણે એને ૬૦૦ તાલંત* ચોખ્ખા સોનાથી મઢ્યું.+ ૯ ખીલાઓ માટે ૫૦ શેકેલ* સોનું વપરાયું હતું. તેણે ધાબાની ઓરડીઓ સોનાથી મઢી.
૧૦ પછી તેણે પરમ પવિત્ર સ્થાનમાં બે કરૂબો બનાવ્યા અને એને સોનાથી મઢ્યા.+ ૧૧ કરૂબોની પાંખોની+ કુલ લંબાઈ ૨૦ હાથ હતી. કરૂબની એક પાંખ પાંચ હાથ લાંબી હતી અને મંદિરની દીવાલને અડતી હતી. એની બીજી પાંખ પણ પાંચ હાથ લાંબી હતી અને બીજા કરૂબની એક પાંખને અડતી હતી. ૧૨ બીજા કરૂબની એક પાંખ પાંચ હાથ લાંબી હતી અને મંદિરની બીજી દીવાલને અડતી હતી. એની બીજી પાંખ પણ પાંચ હાથ લાંબી હતી અને પહેલા કરૂબની એક પાંખને અડતી હતી. ૧૩ આ કરૂબોની પાંખો ૨૦ હાથ સુધી ફેલાયેલી હતી. તેઓ પોતાના પગ પર ઊભા હતા અને તેઓનાં મુખ પવિત્ર સ્થાન* તરફ હતાં.
૧૪ સુલેમાને ભૂરા રંગના દોરા, જાંબુડિયા રંગના ઊન, ઘેરા લાલ રંગના કાપડ અને કીમતી કાપડથી પડદો+ બનાવ્યો. એમાં કરૂબોના આકારનું ભરતકામ કર્યું.+
૧૫ પછી તેણે મંદિર આગળ બે સ્તંભો+ બનાવ્યા, જે ૩૫ હાથ ઊંચા હતા. દરેક સ્તંભ પર મૂકેલા કળશની* ઊંચાઈ પાંચ હાથ હતી.+ ૧૬ તેણે હારની જેમ સાંકળો બનાવી અને સ્તંભોની ટોચ પર મૂકી. તેણે ૧૦૦ દાડમો બનાવ્યાં અને સાંકળો પર લગાવ્યાં. ૧૭ તેણે મંદિર આગળ બે સ્તંભો ઊભા કર્યા, એક જમણી* તરફ અને બીજો ડાબી* તરફ. તેણે જમણી તરફના સ્તંભનું નામ યાખીન* આપ્યું અને ડાબી તરફના સ્તંભનું નામ બોઆઝ* આપ્યું.