હિબ્રૂઓ
૭ આ મેલ્ખીસેદેક, શાલેમનો રાજા અને સર્વોચ્ચ ઈશ્વરનો યાજક હતો. ઈબ્રાહીમ જ્યારે રાજાઓની કતલ કરીને પાછા આવતા હતા, ત્યારે મેલ્ખીસેદેક તેમને મળ્યો અને તેમને આશીર્વાદ આપ્યો. ૨ ઈબ્રાહીમે બધી લૂંટમાંથી તેને દસમો ભાગ આપ્યો. મેલ્ખીસેદેક નામનો પહેલો અર્થ થાય, “નીતિમાન રાજા” અને પછી શાલેમનો રાજા, એટલે કે “શાંતિનો રાજા.” ૩ તેનાં માતાપિતા વિશે, વંશાવળી વિશે, જન્મ કે મરણ વિશે કોઈ માહિતી નથી, પણ તેને ઈશ્વરના દીકરા જેવો બનાવવામાં આવ્યો હોવાથી, તે હંમેશ માટે યાજક રહે છે.
૪ જુઓ, આ માણસ કેટલો મહાન હતો! તેને આપણા કુળપિતા* ઈબ્રાહીમે લૂંટની સૌથી સારી વસ્તુઓનો દસમો ભાગ આપ્યો. ૫ ખરું કે નિયમશાસ્ત્ર* પ્રમાણે, યાજકપદ મેળવનાર લેવીના દીકરાઓને લોકો, એટલે કે તેઓના ભાઈઓ પાસેથી દસમો ભાગ લેવાની આજ્ઞા હતી, પછી ભલેને તેઓ ઈબ્રાહીમના વંશજો હોય. ૬ પણ મેલ્ખીસેદેક, જે લેવીના વંશનો ન હતો, તેણે વચનો મેળવનાર ઈબ્રાહીમ પાસેથી દસમો ભાગ લીધો અને આશીર્વાદ આપ્યો. ૭ હવે, એમાં કોઈ શંકા નથી કે મોટી વ્યક્તિઓ નાનાઓને આશીર્વાદ આપે છે. ૮ દસમો ભાગ મેળવનાર લેવીઓ તો મરણ પામનાર માણસો હતા, પણ દસમો ભાગ મેળવનાર બીજા માણસ વિશે શાસ્ત્રવચનો સાક્ષી આપે છે કે તે જીવે છે. ૯ એવું કહી શકાય કે દસમો ભાગ ઉઘરાવનારા લેવીઓએ પણ ઈબ્રાહીમ દ્વારા દસમો ભાગ આપ્યો. ૧૦ જ્યારે મેલ્ખીસેદેક ઈબ્રાહીમને મળ્યો, ત્યારે ઈબ્રાહીમના વંશજ તરીકે લેવીનો જન્મ હજુ થયો ન હતો.
૧૧ જો લેવીઓના યાજકપદ દ્વારા સંપૂર્ણ થવું શક્ય હોત (કેમ કે યાજકપદ, લોકોને આપવામાં આવેલા નિયમશાસ્ત્રનો એક ભાગ હતો), તો હારૂન જેવા નહિ, પણ મેલ્ખીસેદેક જેવા બીજા યાજકની શું જરૂર પડી? ૧૨ કેમ કે યાજકપદ બદલવામાં આવ્યું હોવાથી, નિયમશાસ્ત્ર પણ બદલવું જરૂરી બને છે. ૧૩ જે માણસ માટે આ વાતો કહેવામાં આવી છે તે બીજા કુળમાંથી આવે છે, જે કુળમાંથી કોઈએ પણ વેદી આગળ સેવા કરી નથી. ૧૪ એ દેખીતું છે કે યહુદાના કુળમાંથી આપણા પ્રભુ આવ્યા હતા, પણ યાજકો એ કુળમાંથી આવશે એવું કંઈ મુસાએ જણાવ્યું ન હતું.
૧૫ જ્યારે મેલ્ખીસેદેક જેવા બીજા યાજક ઊભા થયા, ત્યારે એ વાત હજુ વધારે સ્પષ્ટ બની. ૧૬ નિયમશાસ્ત્ર પ્રમાણે જે કુળમાંથી આવવાની જરૂર હતી એના આધારે નહિ, પણ તેમને અવિનાશી જીવન આપનાર શક્તિને આધારે તે યાજક બન્યા. ૧૭ કેમ કે તેમના વિશે આ સાક્ષી આપવામાં આવી છે: “તું મેલ્ખીસેદેક જેવો યાજક છે અને તું હંમેશ માટે યાજક છે.”
૧૮ તેથી, પહેલાંની આજ્ઞાઓ રદ કરવામાં આવી, કેમ કે એમાં કચાશ હતી અને એ અસરકારક ન હતી. ૧૯ નિયમશાસ્ત્રથી કોઈ સંપૂર્ણ થયું નહિ, પણ એક સારી આશાને લીધે એ શક્ય બન્યું, જેના દ્વારા આપણે ઈશ્વરની નજીક જઈએ છીએ. ૨૦ તેમ જ, આ યાજકપદ સોગંદ વગર આપવામાં આવ્યું ન હતું. ૨૧ (હકીકતમાં, એવા માણસો છે જેઓ સોગંદ વગર યાજકો બન્યા છે; પણ, આ યાજકને તો ખુદ ઈશ્વરે સોગંદ ખાઈને યાજક બનાવ્યા છે. તેમણે કહ્યું હતું: “યહોવાએ* સોગંદ ખાધા છે અને તે પોતાનું મન બદલશે નહિ,* ‘તું હંમેશ માટે યાજક છે.’”) ૨૨ એ કારણે ઈસુ વધારે સારા કરારના જામીન* બન્યા છે. ૨૩ વધુમાં, યાજકો મરણ પામવાને લીધે સેવા ચાલુ રાખી શકતા ન હતા. તેથી, બીજા યાજકો તેઓની જગ્યા લેતા અને સેવા ચાલુ રાખતા. ૨૪ પરંતુ, આ યાજક તો હંમેશાં ને હંમેશાં માટે જીવે છે, એટલે તેમનું યાજકપદ લેવા બીજા કોઈની જરૂર પડતી નથી. ૨૫ તેમના દ્વારા જેઓ ઈશ્વર આગળ જાય છે, તેઓને તે સંપૂર્ણ રીતે બચાવી શકે છે, કેમ કે તે હંમેશ માટે જીવતા હોવાથી તેઓ માટે અરજ કરી શકે છે.
૨૬ એ યોગ્ય કહેવાય કે આપણા માટે એવા પ્રમુખ યાજક હોય, જે વફાદાર, નિર્દોષ, કલંક વગરના, પાપીઓથી અલગ અને આકાશોથી ઊંચા કરાયેલા હોય. ૨૭ તેમણે બીજા પ્રમુખ યાજકોની જેમ દરરોજ બલિદાનો ચઢાવવાની જરૂર નથી કે જેઓ પહેલા પોતાનાં પાપ માટે અને પછી લોકોનાં પાપ માટે બલિદાનો ચઢાવતાં હતાં. કેમ કે તેમણે એક જ વાર પોતાનું અર્પણ ચઢાવીને આ કામ હંમેશાં માટે પૂરું કર્યું છે. ૨૮ નિયમશાસ્ત્ર તો એવા માણસોને પ્રમુખ યાજક નીમતું હતું, જેઓમાં નબળાઈઓ હતી. પરંતુ, નિયમશાસ્ત્ર પછી આપવામાં આવેલા સોગંદના વચને પુત્રને પ્રમુખ યાજક તરીકે નીમ્યા, જે હંમેશ માટે સંપૂર્ણ કરાયા છે.