હિબ્રૂઓ
૯ અગાઉના કરારના કિસ્સામાં તો પવિત્ર સેવા માટે નિયમો હતા અને પૃથ્વી પર એનું પવિત્ર સ્થાન હતું. ૨ મંડપમાં બે ભાગ બનાવવામાં આવ્યા હતા. મંડપના પહેલા ભાગમાં દીવી,* મેજ અને અર્પણ માટેની રોટલીઓ હતી, જે ભાગ પવિત્ર સ્થાન કહેવાતો. ૩ પણ, મંડપના બીજા પડદા પાછળનો ભાગ પરમ પવિત્ર સ્થાન કહેવાતો. ૪ એમાં સોનાની ધૂપદાની હતી અને સોનાથી પૂરેપૂરો મઢેલો કરારકોશ હતો. એ કરારકોશમાં માન્ના ભરેલો સોનાનો ઘડો હતો, કળીઓ ફૂટેલી હારૂનની છડી હતી અને કરારની શિલાપાટીઓ હતી. ૫ એના પર ભવ્ય કરૂબો* હતા, જેઓનો પડછાયો કરારકોશના ઢાંકણ* પર પડતો હતો. પણ, એ વાતો વિશે વિગતવાર જણાવવાનો આ સમય નથી.
૬ આ પ્રમાણે એ વસ્તુઓ બનાવવામાં આવી પછી, યાજકો પવિત્ર સેવાનાં કામો કરવા મંડપના પહેલા ભાગમાં નિયમિત જતા. ૭ પરંતુ, ફક્ત પ્રમુખ યાજક વર્ષમાં એક જ વાર બીજા ભાગમાં જતો, પણ લોહી વગર નહિ. એ લોહી તે અજાણતાં થયેલાં પોતાનાં અને લોકોનાં પાપ માટે ચઢાવતો. ૮ આમ, પવિત્ર શક્તિ એ સ્પષ્ટ કરે છે કે પહેલો મંડપ* ઊભો હતો ત્યાં સુધી, પવિત્ર સ્થાનમાં* જવાનો માર્ગ હજુ જાહેર કરવામાં આવ્યો ન હતો. ૯ એ મંડપ હાલના સમય માટે નમૂનારૂપ છે. એ ગોઠવણ પ્રમાણે દાનો અને અર્પણો બંને ચઢાવવામાં આવે છે. જોકે, પવિત્ર સેવા કરનાર માણસના અંતઃકરણને એ દાનો અને અર્પણો પૂરી રીતે શુદ્ધ કરતા નથી. ૧૦ એ બંને તો ફક્ત ખાવા-પીવાની વસ્તુઓ અને શુદ્ધ થવાની અલગ અલગ વિધિઓ* સાથે જોડાયેલા છે. એ તો શરીર વિશે નિયમશાસ્ત્ર પ્રમાણેની જરૂરિયાતો હતી અને બધી વસ્તુઓમાં સુધારો કરવા માટે નક્કી કરેલો સમય ન આવે ત્યાં સુધી, એ પાળવાની હતી.
૧૧ જોકે, જે આશીર્વાદોનો આપણે અનુભવ કરીએ છીએ, એ લાવવા માટે ખ્રિસ્ત જ્યારે પ્રમુખ યાજક બનીને આવ્યા, ત્યારે તે વધારે મહત્ત્વના અને વધારે સંપૂર્ણ મંડપમાંથી પસાર થયા. એ મંડપ હાથે બનાવેલો ન હતો, એટલે કે આ સૃષ્ટિનો ન હતો. ૧૨ તે પવિત્ર સ્થાનમાં બકરાં અને વાછરડાંના લોહી સાથે નહિ, પણ તેમના પોતાના લોહી સાથે એક જ વાર ગયા અને આપણને હંમેશ માટે ઉદ્ધાર* અપાવ્યો. ૧૩ બકરાં અને બળદોના લોહીથી અને અશુદ્ધ લોકો પર નાખવામાં આવતી વાછરડીની રાખથી તેઓના શરીર શુદ્ધ થતા હતા. ૧૪ પરંતુ, હંમેશાં ટકનારી પવિત્ર શક્તિથી કલંક વગરના બલિદાન તરીકે ઈશ્વરને અર્પણ થનારા ખ્રિસ્તનું લોહી કેટલું મૂલ્યવાન છે! એ લોહી આપણે કરેલાં નકામાં કામોથી આપણા અંતઃકરણોને શુદ્ધ કરે છે, જેથી આપણે જીવંત ઈશ્વરની પવિત્ર સેવા કરી શકીએ.
૧૫ એટલે, તે નવા કરારના મધ્યસ્થ બન્યા, જેથી બોલાવવામાં આવેલા લોકોને હંમેશ માટેના વારસાનું વચન મળે. તેમના મરણથી આ બધું શક્ય બન્યું, જેના દ્વારા અગાઉના કરાર નીચે થયેલા તેઓના અપરાધોની કિંમત* ચૂકવવામાં આવી અને તેઓને છોડાવવામાં આવ્યા. ૧૬ જ્યાં કરાર કરવામાં આવ્યો હોય, ત્યાં કરાર કરનાર માણસનું મરણ પામવું જરૂરી છે. ૧૭ કેમ કે એ માણસ જીવે છે ત્યાં સુધી કરાર લાગુ પડતો નથી. તેના મરણ પછી જ એ કરાર અમલમાં આવે છે. ૧૮ એ જ રીતે, અગાઉનો કરાર પણ લોહી વગર અમલમાં આવ્યો* ન હતો. ૧૯ કેમ કે મુસા જ્યારે બધા લોકો આગળ નિયમશાસ્ત્રની દરેક આજ્ઞા વાંચી રહ્યા, ત્યારે તેમણે વાછરડાં અને બકરાંનું લોહી અને પાણી ભેગાં કર્યાં. પછી, ઘેરા લાલ રંગનું ઊન ઝૂફાની* દાંડી પર બાંધીને પુસ્તક* પર તથા બધા લોકો પર એ છાંટ્યું ૨૦ અને કહ્યું: “જે કરાર પાળવાની ઈશ્વરે તમને આજ્ઞા આપી છે, એનું આ લોહી છે.” ૨૧ એ જ પ્રમાણે, મુસાએ મંડપ અને પવિત્ર સેવા* માટેનાં બધાં વાસણો પર એ લોહી છાંટ્યું. ૨૨ હા, નિયમશાસ્ત્ર પ્રમાણે લોહીથી લગભગ બધી વસ્તુઓ શુદ્ધ કરવામાં આવે છે અને લોહી રેડવામાં ન આવે ત્યાં સુધી, માફી મળતી નથી.
૨૩ એટલા માટે, સ્વર્ગની વસ્તુઓની નકલને આ રીતે શુદ્ધ કરવાની જરૂર હતી, પણ સ્વર્ગની વસ્તુઓને તો વધારે સારાં બલિદાનોની જરૂર છે. ૨૪ કેમ કે ખ્રિસ્ત હાથે બનાવેલા પવિત્ર સ્થાનમાં ગયા ન હતા, જે હકીકતની નકલ છે. પણ, તે તો સ્વર્ગમાં ગયા, જેથી હમણાં આપણા માટે ઈશ્વર આગળ હાજર થાય. ૨૫ જેમ પ્રમુખ યાજકે દર વર્ષે પ્રાણીઓનું લોહી* લઈને પવિત્ર સ્થાનમાં જવું પડતું, તેમ વારંવાર તેમણે અર્પણ થવાની જરૂર ન હતી. ૨૬ નહિતર, દુનિયાનો પાયો નંખાયો* ત્યારથી તેમણે વારંવાર દુઃખ સહન કરવું પડ્યું હોત. પણ, હવે આ યુગના* અંતના સમયે તે એક જ વાર આવ્યા, જેથી તે પોતાના બલિદાનથી પાપનો નાશ કરે. ૨૭ અને જેમ માણસે એક જ વાર મરવાનું હોય છે, પછી તેનો ન્યાય થાય છે, ૨૮ તેમ ખ્રિસ્તે પણ ઘણા લોકોનાં પાપ માથે લેવા એક જ વાર અર્પણ આપ્યું; અને બીજી વાર તે પાપ દૂર કરવા નહિ, પણ તેમની આતુરતાથી રાહ જોનારાઓના તારણ માટે આવશે.