૨ પિતર
૨ જોકે, ઇઝરાયેલના લોકોમાં જૂઠા પ્રબોધકો ઊભા થયા હતા, એવી જ રીતે તમારામાં પણ જૂઠા શિક્ષકો ઊભા થશે. તેઓ છૂપી રીતે પંથો પાડશે, જેથી તમારી શ્રદ્ધા નાશ પામે. તેઓ એ માલિકનો પણ નકાર કરશે, જેમણે મૂલ્ય આપીને તેઓને ખરીદ્યા છે. આમ, તેઓ પોતે જ પોતાના પર ઝડપથી વિનાશ લાવશે. ૨ વધુમાં, તેઓનાં બેશરમ કામોનું* ઘણા લોકો અનુકરણ કરશે અને તેઓના લીધે સત્યના માર્ગની નિંદા થશે. ૩ તેમ જ, તેઓ કપટી વાતોથી તમને ઠગશે. પણ ઘણા સમય અગાઉથી નક્કી થયેલી તેઓની સજા મોડી પડશે નહિ અને તેઓનો નાશ ચોક્કસ થશે.
૪ જે દૂતોએ પાપ કર્યું હતું, તેઓને ઈશ્વરે સજા કર્યા વગર છોડ્યા નહિ, પણ તેઓનો ન્યાય ન થાય ત્યાં સુધી તેઓને તાર્તરસ* નામની કેદમાં નાખી દીધા અને તેઓને ઘોર અંધકારમાં સાંકળોથી* બાંધી દીધા. ૫ તેમણે પહેલાંના જમાનામાં પણ દુનિયાને સજા કર્યા વગર છોડી નહિ. પરંતુ, એ અધર્મી લોકો પર જળપ્રલય લાવ્યા ત્યારે, તેમણે સત્યનો માર્ગ જાહેર કરનાર નુહને બીજા સાત લોકો સાથે બચાવ્યા. ૬ સદોમ અને ગમોરાહ શહેરોને સજા કરવા બાળીને રાખ કરી નાખ્યાં. આમ, તેમણે અધર્મી લોકો પર જે આવી પડવાનું છે, એનો નમૂનો બેસાડ્યો. ૭ અને દુષ્ટ લોકોનાં બેશરમ કામોથી* સખત ત્રાસી ગયેલા નેક માણસ લોતને તેમણે બચાવ્યા. ૮ આ નેક માણસ* તેઓની વચ્ચે રહેતા હતા ત્યારે, તેઓનાં દુષ્ટ કામો જોઈને અને સાંભળીને રોજ કચવાતા હતા. ૯ એટલે, યહોવા* જાણે છે કે તેમની ભક્તિ કરતા લોકોને કસોટીમાંથી કેવી રીતે છોડાવવા. તે એ પણ જાણે છે કે ખોટાં કામ કરતા લોકોને નાશ માટે* ન્યાયના દિવસ સુધી રહેવા દેવા, ૧૦ ખાસ કરીને એવા લોકોને, જેઓ બીજાઓને ભ્રષ્ટ કરવા તેઓની પાછળ પડે છે અને સત્તાને ગણકારતા નથી.*
તેઓ ઉદ્ધત અને ઘમંડી છે. તેઓ મહિમા પામેલાઓ વિશે જેમ-તેમ બોલતા પણ અચકાતા નથી. ૧૧ જ્યારે કે દૂતો તેઓ કરતાં વધારે તાકાત અને અધિકાર ધરાવે છે, તોપણ યહોવા* માટે* માન હોવાથી દૂતો આ લોકો વિરુદ્ધ નિંદા કરીને આરોપ મૂકતા નથી. ૧૨ પરંતુ, આ લોકો બુદ્ધિ વગરના પ્રાણીઓ જેવા છે, જેઓ કુદરતી રીતે વર્તે છે અને પકડાઈ જવા તથા મારી નંખાવા જન્મે છે.* આ લોકોને જે વિશે ખબર હોતી નથી, એ વિશે નિંદા કરે છે. તેઓ વિનાશના માર્ગે ચાલતા હોવાથી વિનાશ ભોગવશે. ૧૩ નુકસાનના માર્ગે ચાલવાના પરિણામે તેઓ નુકસાન ભોગવશે.
તેઓને ધોળે દિવસે પણ ભોગવિલાસ માણવાનું ગમે છે. તેઓ ડાઘ અને કલંક છે. તમારી સાથે મિજબાનીઓમાં હોય ત્યારે, તેઓને પોતાનું છેતરામણું શિક્ષણ ફેલાવવામાં ખૂબ મજા આવે છે.* ૧૪ તેઓની આંખો વ્યભિચારથી* ભરેલી છે અને તેઓ પાપથી દૂર રહી શકતા નથી. તેઓ નબળા મનના માણસોને* લલચાવે છે. તેઓના દિલ લોભથી ભરપૂર છે.* તેઓ શાપિત સંતાનો છે. ૧૫ તેઓ સીધો માર્ગ છોડીને અવળા માર્ગે ચઢી ગયા છે. તેઓ બેઓરના દીકરા બલામના માર્ગે ચાલે છે, જેને ખોટાં કામનું વળતર ગમતું હતું. ૧૬ પણ જે ખરું હતું, એની વિરુદ્ધ જવાને લીધે તેને ઠપકો મળ્યો હતો. એક મૂંગા ગધેડાએ માણસની વાણીમાં વાત કરીને એ પ્રબોધકને મૂર્ખતા કરતા અટકાવ્યો હતો.
૧૭ આ લોકો પાણી વગરના ઝરણાં જેવા અને ભારે તોફાનથી ખેંચાતા ધુમ્મસ જેવા છે. તેઓ માટે ઘોર અંધકાર તૈયાર રાખેલો છે. ૧૮ તેઓ મોટી મોટી બડાઈઓ હાંકે છે, પણ એ તો નકામી છે. તેઓ શરીરની ઇચ્છાઓ અને બેશરમ કામોથી* એવા લોકોને ફસાવે છે, જેઓ ખોટાં કામ કરનારા લોકોમાંથી હમણાં જ નીકળી આવ્યા છે. ૧૯ તેઓ લોકોને આઝાદીનું વચન તો આપે છે, પણ તેઓ પોતે ભ્રષ્ટતાના ગુલામ છે, કેમ કે માણસને જે કોઈ જીતે છે, તે તેને પોતાનો દાસ કરી લે છે.* ૨૦ પ્રભુ અને તારણહાર ઈસુ ખ્રિસ્તનું ખરું જ્ઞાન લઈને તેઓ આ દુનિયાની ભ્રષ્ટતામાંથી નીકળી ગયા છે. એ પછી પણ, જો તેઓ પાછા એ જ વાતો કરવા લાગે અને એ વાતો તેમના પર કાબૂ કરી લે, તો તેઓની હાલત અગાઉના કરતાં પણ વધારે ખરાબ થશે. ૨૧ પોતાને મળેલી પવિત્ર આજ્ઞાઓ જાણ્યા પછી તેઓ એ માર્ગેથી પાછા ફરી ગયા, એ કેટલું ખરાબ કહેવાય! એના કરતાં તો તેઓ માટે એ સારું થાત કે તેઓએ સત્યનો માર્ગ ખરી રીતે જાણ્યો જ ન હોત. ૨૨ તેઓ સાથે જે બન્યું એ આ કહેવતને સાચી સાબિત કરે છે: “કૂતરો પોતાની ઊલટી ચાટવા પાછો જાય છે અને ધોયેલી ભૂંડણ કાદવમાં આળોટવા પાછી ફરે છે.”