૨ કોરીંથીઓ
૬ ઈશ્વરની સાથે કામ કરનારા તરીકે, અમે તમને આ અરજ પણ કરીએ છીએ: ઈશ્વરની અપાર કૃપાનો સ્વીકાર કરીને એનો હેતુ ભૂલી ન જાઓ. ૨ કેમ કે ઈશ્વર કહે છે: “કૃપા* બતાવવાના સમયે મેં તારું સાંભળ્યું અને તારણના દિવસે મેં તને મદદ કરી.” જુઓ! ઈશ્વર કૃપા બતાવે એ સમય ખાસ કરીને અત્યારે જ છે. જુઓ! તારણનો દિવસ અત્યારે જ છે.
૩ અમે કોઈ પણ રીતે ઠોકર ખાવાનું કારણ આપતા નથી, જેથી અમારી સેવાનો કોઈ દોષ કાઢવામાં ન આવે. ૪ પરંતુ, અમે બધી રીતે બતાવી આપીએ છીએ કે અમે ઈશ્વરના સેવકો છીએ: ઘણું સહન કરીને, મુસીબતો વેઠીને, તંગી સહીને, તકલીફો ઉઠાવીને, ૫ માર ખાઈને, કેદમાં રહીને, હુલ્લડોનો સામનો કરીને, સખત મહેનત કરીને, ઉજાગરા કરીને, ભૂખ વેઠીને; ૬ શુદ્ધ જીવનથી, જ્ઞાનથી, ધીરજથી, દયાથી, પવિત્ર શક્તિથી, ઢોંગ વગરના પ્રેમથી, ૭ સત્ય વચનથી, ઈશ્વરના બળથી; જમણા હાથમાં* અને ડાબા હાથમાં* સત્યનાં હથિયારો દ્વારા, ૮ માન અને અપમાન દ્વારા, બદનામી અને વખાણ દ્વારા. અમને દગાખોર ગણવામાં આવ્યા, છતાં પણ અમે સચ્ચાઈથી વર્તીએ છીએ. ૯ અજાણ્યા જેવા ગણવામાં આવ્યા છતાં, અમે જાણીતા થયા છીએ; જાણે મોતના મોંમાં* છીએ છતાં, જુઓ! અમે જીવતા છીએ; સજા પામેલા* લોકો જેવા છીએ છતાં, અમે મરણને સોંપાયા નથી; ૧૦ અમે શોક કરનારા જેવા ગણાયા, પણ હંમેશાં ખુશ રહીએ છીએ; અમે ગરીબ જેવા ગણાયા, પણ ઘણાને ધનવાન બનાવીએ છીએ; અમારી પાસે કંઈ ન હોવા છતાં, અમારી પાસે બધું જ છે.
૧૧ ઓ કોરીંથના લોકો, અમે છૂટથી તમારી સાથે વાત કરી છે;* અને અમે અમારા દિલના દરવાજા ખુલ્લા મૂક્યા છે. ૧૨ તમારા માટે અમે દિલના દરવાજા બંધ કર્યા નથી,* પણ અમારા માટે તમે દિલના દરવાજા બંધ કરી દીધા છે. ૧૩ હું જાણે મારાં બાળકોને કહેતો હોઉં એમ કહું છું કે, તમે પણ તમારા દિલના દરવાજા ખોલી નાખો.
૧૪ શ્રદ્ધા ન રાખનારા સાથે અસમાન ઝૂંસરીથી ન બંધાઓ.* કેમ કે સત્ય અને અસત્ય વચ્ચે સોબત કેવી? અથવા અજવાળાને અંધારા સાથે શું લેવાદેવા? ૧૫ વધુમાં, ખ્રિસ્તને બલિયાલ* સાથે શું લાગેવળગે? અથવા શ્રદ્ધા રાખનાર અને શ્રદ્ધા ન રાખનાર વચ્ચે શું સરખાપણું? ૧૬ ઈશ્વરના મંદિરને મૂર્તિઓ સાથે શું સંબંધ? કેમ કે અમે જીવતા ઈશ્વરનું મંદિર છીએ, જેમ ઈશ્વરે કહ્યું છે: “હું તેઓ વચ્ચે રહીશ અને તેઓ વચ્ચે ચાલીશ. હું તેઓનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોકો થશે.” ૧૭ “‘એ માટે, તેઓ વચ્ચેથી બહાર નીકળી આવો અને પોતાને અલગ કરો,’ યહોવા* કહે છે, ‘અને અશુદ્ધ વસ્તુને અડકો નહિ’”; “‘અને હું તમારો સ્વીકાર કરીશ.’” ૧૮ “‘અને હું તમારો પિતા થઈશ અને તમે મારા દીકરા-દીકરીઓ થશો,’ એવું સર્વશક્તિમાન ઈશ્વર યહોવા* કહે છે.”