એફેસીઓ
૧ હું પાઊલ, ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત* ઈસુનો પ્રેરિત,* એફેસસના પવિત્ર જનો અને ખ્રિસ્ત ઈસુના વિશ્વાસુ શિષ્યોને લખું છું:
૨ ઈશ્વર આપણા પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી તમને અપાર કૃપા અને શાંતિ મળે.
૩ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર અને પિતાનો મહિમા થાઓ, કેમ કે ઈશ્વરે આપણને ખ્રિસ્ત સાથે એકતામાં હોવાને લીધે, સ્વર્ગમાં દરેક પ્રકારના આશીર્વાદ આપ્યા છે; ૪ દુનિયાનો પાયો નંખાયો* એ પહેલાં, ઈશ્વરે આપણને ખ્રિસ્ત સાથે એકતામાં રહેવા પસંદ કર્યા, જેથી આપણે પ્રેમમાં તેમની સામે પવિત્ર અને કલંક વગરના થઈએ. ૫ તેમણે પોતાની ખુશી અને ઇચ્છા પ્રમાણે, પોતાના દીકરા ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને પુત્રો તરીકે દત્તક લેવાનું અગાઉથી નક્કી કર્યું હતું; ૬ આમ એટલા માટે થયું, જેથી લોકો ઈશ્વરની સ્તુતિ કરે, કેમ કે તેમણે પોતાના વહાલા દીકરા દ્વારા આપણને અપાર કૃપા બતાવી છે. ૭ તેમના દીકરા દ્વારા આપણને છોડાવવામાં આવ્યા.* હા, તેમના લોહી દ્વારા આપણાં પાપ માફ કરવામાં આવ્યાં. ઈશ્વરની અપાર કૃપા ખરેખર મહાન છે!
૮ ઈશ્વરે અપાર કૃપાની સાથે સાથે સર્વ જ્ઞાન અને સમજણ પણ ઉદારતાથી આપ્યાં છે; ૯ તેમણે પોતાની ઇચ્છાનું પવિત્ર રહસ્ય આપણને જણાવ્યું છે. એ તેમની ખુશી પ્રમાણે છે અને એ તેમણે અગાઉથી નક્કી કર્યું હતું. ૧૦ નક્કી કરેલો સમય પૂરો થાય ત્યારે, આ પવિત્ર રહસ્યમાં એક ગોઠવણ* કરવાનો સમાવેશ થાય છે, એટલે કે સ્વર્ગની અને પૃથ્વીની બધી જ વસ્તુઓ ખ્રિસ્તમાં ફરીથી ભેગી કરવી. ૧૧ તેમની સાથે અમે એકતામાં છીએ અને અમને વારસ પણ બનાવવામાં આવ્યા છે. ઈશ્વરના હેતુ પ્રમાણે એ અગાઉથી પસંદ કરવામાં આવ્યું હતું, કેમ કે તે બધું પોતાની ઇચ્છા પ્રમાણે નક્કી કરીને પાર પાડે છે; ૧૨ અમને એ માટે પસંદ કરવામાં આવ્યા, જેથી ખ્રિસ્તમાં આશા રાખવામાં અમે જેઓ પ્રથમ છીએ, તેઓ ઈશ્વરના ગૌરવ માટે તેમની સ્તુતિ કરીએ. ૧૩ પરંતુ, તમારા તારણની ખુશખબર એટલે કે સત્ય વિશે સાંભળ્યા પછી, તમે પણ ખ્રિસ્તમાં આશા રાખી. તમે શ્રદ્ધા મૂકી એ પછી, વચન પ્રમાણેની પવિત્ર શક્તિથી તેમના દ્વારા તમને મહોર મારવામાં આવી; ૧૪ એ પવિત્ર શક્તિ આપણા વારસા માટે અગાઉથી મળેલું બાનું* છે, જેથી છુટકારાની કિંમત વડે ઈશ્વરના લોકોને છોડાવવાનો હેતુ પૂરો થાય અને ઈશ્વરના મહિમાની સ્તુતિ થાય.
૧૫ એટલે, પ્રભુ ઈસુમાં તમારી શ્રદ્ધા વિશે અને બધા પવિત્ર જનો માટે તમે બતાવેલા પ્રેમ વિશે મેં સાંભળ્યું ત્યારથી, ૧૬ તમારા માટે આભાર માનવાનું હું ચૂકતો નથી. મારી પ્રાર્થનાઓમાં હું તમને યાદ કરતો રહું છું ૧૭ કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર, મહિમાવંત પિતા તમને બુદ્ધિ અને સમજણ આપે, જેથી તેમના વિશેનું સાચું જ્ઞાન તમે સમજી શકો. ૧૮ તેમણે તમારા હૃદયની આંખો ખોલી, જેથી તમે જાણી શકો કે કઈ આશાને માટે તેમણે તમને બોલાવ્યા છે અને પવિત્ર જનોને વારસામાં કેવી ભવ્ય સંપત્તિનું વચન આપ્યું છે. ૧૯ તમે એ પણ જાણી શકો કે આપણે જેઓ શ્રદ્ધા બતાવીએ છીએ, તેઓ માટે તેમનું પરાક્રમ કેટલું મહાન, કેટલું અજોડ છે! તેમના પરાક્રમની આ મહાનતા ત્યારે દેખાઈ આવી, ૨૦ જ્યારે તેમણે ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડ્યા અને સ્વર્ગમાં પોતાના જમણા હાથે બેસાડ્યા; ૨૧ દરેક સરકાર, સત્તા, તાકાત, અધિકાર અને દરેક નામ કરતાં તેમને ઊંચા કરવામાં આવ્યા, ફક્ત આ દુનિયામાં* નહિ, આવનાર દુનિયામાં પણ એમ થશે. ૨૨ ઈશ્વરે બધું જ તેમના પગ નીચે લાવીને આધીન કર્યું અને મંડળની સર્વ બાબતો પર તેમને શિર* ઠરાવ્યા; ૨૩ મંડળ તેમનું શરીર છે અને એ તેમનાથી ભરપૂર છે અને ખ્રિસ્ત દરેક રીતે સર્વ વસ્તુઓને પૂર્ણ કરે છે.