પ્રેરિતોનાં કાર્યો
૩ હવે, પીતર અને યોહાન આશરે બપોરના ત્રણ વાગ્યે* મંદિરમાં જઈ રહ્યા હતા, જે પ્રાર્થનાનો સમય હતો. ૨ એ વખતે જન્મથી લંગડા એક માણસને લોકો ઊંચકીને લઈ જતા હતા. તેઓ રોજ તેને મંદિરના સુંદર નામના દરવાજા આગળ બેસાડતા, જેથી મંદિરમાં જતા લોકો પાસેથી તે ભીખ માંગી શકે. ૩ તેણે પીતર અને યોહાનને મંદિરમાં જતા જોયા ત્યારે, તે તેઓ પાસે ભીખ માંગવા લાગ્યો. ૪ પરંતુ, પીતર અને યોહાને તેની સામે એકીટસે જોયું; પછી, પીતરે કહ્યું: “અમારી સામે જો.” ૫ તેથી, કંઈ મળવાની આશા સાથે તેણે તેઓની સામે જોયું. ૬ પણ, પીતરે કહ્યું: “સોનું અને ચાંદી મારી પાસે નથી, પણ મારી પાસે જે છે એ હું તને આપું છું. નાઝરેથના ઈસુ ખ્રિસ્તને નામે હું તને કહું છું, ચાલતો થા!” ૭ એ પછી, તેણે માણસનો જમણો હાથ પકડ્યો અને તેને ઊભો કર્યો. તરત જ, તેના પગ અને ઘૂંટીઓ મજબૂત થયાં; ૮ કૂદીને તે ઊભો થયો અને ચાલવા લાગ્યો. તે ચાલતા, કૂદતા અને ઈશ્વરની સ્તુતિ કરતા તેઓની સાથે મંદિરમાં ગયો. ૯ સર્વ લોકોએ તેને ચાલતા અને ઈશ્વરની સ્તુતિ કરતા જોયો. ૧૦ તેઓએ તેને ઓળખ્યો કે આ તો એ જ માણસ છે, જે મંદિરના સુંદર નામના દરવાજા આગળ ભીખ માંગવા બેસતો હતો. તેને જે થયું એ જોઈને લોકો દંગ રહી ગયા અને તેઓ એ માની ન શક્યા.
૧૧ એ માણસે પીતર અને યોહાનનો હજુ હાથ પકડ્યો હતો, એવામાં સુલેમાનની પરસાળ* કહેવાતી જગ્યાએ નવાઈ પામેલા બધા લોકો તેઓ પાસે દોડી આવ્યા. ૧૨ પીતરે એ જોયું ત્યારે તેણે લોકોને કહ્યું: “ઇઝરાયેલના માણસો, તમે આ જોઈને કેમ નવાઈ પામો છો? તમે અમને આ રીતે કેમ જુઓ છો? શું તમને એમ લાગે છે કે અમે પોતાની શક્તિથી કે ભક્તિભાવથી તેને ચાલતો કર્યો છે? ૧૩ ઈબ્રાહીમ અને ઇસહાક અને યાકૂબના ઈશ્વરે, આપણા પૂર્વજોના ઈશ્વરે પોતાના સેવક ઈસુને મહિમાવંત કર્યા છે. એ ઈસુને તમે પકડાવી દીધા. પીલાતે તેમને છોડી દેવાનું નક્કી કર્યું હતું, છતાં પીલાતની આગળ તમે તેમનો નકાર કર્યો. ૧૪ હા, તમે તે પવિત્ર અને નેક માણસનો નકાર કર્યો અને તમે એવા માણસને છોડવાની માંગણી કરી જે ખૂની હતો, ૧૫ જ્યારે કે જીવન આપવા પસંદ કરાયેલા મુખ્ય આગેવાનને તમે મારી નાખ્યા. પરંતુ, ઈશ્વરે મરણમાંથી તેમને સજીવન કર્યા, એના અમે સાક્ષીઓ છીએ. ૧૬ ઈસુના નામથી અને એ નામમાં અમારી શ્રદ્ધાથી આ માણસ જેને તમે જુઓ અને જાણો છો, તેને બળ આપવામાં આવ્યું છે. ઈસુમાં શ્રદ્ધાને લીધે આ માણસને તમારા બધા સામે પૂરેપૂરો સાજો કરવામાં આવ્યો છે. ૧૭ હવે ભાઈઓ, હું જાણું છું કે તમે એ બધું અજાણતા કર્યું, તમારા અધિકારીઓએ પણ એવું જ કર્યું હતું. ૧૮ પરંતુ, ઈશ્વરે આ બધું થવા દીધું, જેથી તેમણે પ્રબોધકો દ્વારા અગાઉથી જે જણાવ્યું હતું એ પૂરું થાય કે તેમના ખ્રિસ્તે સહેવું પડશે.
૧૯ “એટલે, પસ્તાવો કરો અને પાછા ફરો, જેથી તમારાં પાપો ભૂંસી નાખવામાં આવે. આમ, ખુદ યહોવા* પાસેથી તમારા માટે તાજગીના સમયો આવે ૨૦ અને તમારા માટે પસંદ કરેલા ખ્રિસ્તને, એટલે કે ઈસુને તે મોકલે. ૨૧ જ્યાં સુધી સર્વ વસ્તુઓને સુધારવાનો સમય ન આવે, ત્યાં સુધી ઈસુએ સ્વર્ગમાં રાહ જોવાની છે.* એ બધા વિશે ઈશ્વરે જૂના જમાનાના પોતાના પવિત્ર પ્રબોધકો દ્વારા જણાવ્યું હતું. ૨૨ હકીકતમાં, મુસાએ કહ્યું હતું: ‘યહોવા* ઈશ્વર તમારા ભાઈઓમાંથી મારા જેવો એક પ્રબોધક તમારા માટે ઊભો કરશે. તે તમને જે કંઈ કહે એ સાંભળો. ૨૩ જે માણસ* એ પ્રબોધકનું નહિ સાંભળે, તેનો ઈશ્વરના લોકો વચ્ચેથી પૂરેપૂરો નાશ કરવામાં આવશે.’ ૨૪ શમુએલ અને એ પછીના બધા જ પ્રબોધકોએ આ દિવસો વિશે સ્પષ્ટ જણાવ્યું છે. ૨૫ તમે પ્રબોધકોના દીકરાઓ છો અને તમારા બાપદાદાઓ સાથે ઈશ્વરે જે કરાર કર્યો એના વારસ છો. ઈશ્વરે ઈબ્રાહીમને કહ્યું: ‘તારા વંશજ* દ્વારા પૃથ્વીનાં સર્વ કુટુંબો આશીર્વાદ પામશે.’ ૨૬ ઈશ્વરે પોતાના સેવકને પસંદ કર્યા પછી, સૌથી પહેલા તમારી પાસે મોકલ્યા, જેથી તમને દરેકને ખોટા માર્ગોથી પાછા ફેરવીને આશીર્વાદ આપે.”