માથ્થી
૪ પછી પવિત્ર શક્તિ ઈસુને વેરાન પ્રદેશમાં દોરી ગઈ. ત્યાં શેતાને* તેમનું પરીક્ષણ કર્યું. ૨ ૪૦ દિવસ અને ૪૦ રાત ઉપવાસ કર્યા પછી ઈસુને ભૂખ લાગી. ૩ ત્યારે પરીક્ષણ કરનાર શેતાન આવ્યો અને તેમને કહ્યું: “જો તું ઈશ્વરનો દીકરો હોય, તો આ પથ્થરોને કહે કે રોટલીઓ બની જાય.” ૪ પણ, તેમણે જવાબમાં કહ્યું: “એમ લખેલું છે કે, ‘માણસ ફક્ત રોટલીથી નહિ, પણ યહોવાના* મુખમાંથી નીકળતા દરેક શબ્દથી જીવશે.’”
૫ પછી, શેતાન તેમને પવિત્ર શહેરમાં લઈ ગયો અને મંદિરની દીવાલની ટોચ* પર ઊભા રાખ્યા ૬ અને તેમને કહ્યું: “જો તું ઈશ્વરનો દીકરો હોય તો અહીંથી નીચે પડતું મૂક, કેમ કે એમ લખેલું છે: ‘તે પોતાના દૂતોને તારા માટે હુકમ કરશે,’ અને ‘તેઓ તને પોતાના હાથોમાં ઝીલી લેશે, જેથી તારો પગ પથ્થર સાથે અફળાય નહિ.’” ૭ ઈસુએ તેને કહ્યું, “એમ પણ લખેલું છે: ‘તું તારા ઈશ્વર યહોવાની* કસોટી ન કર.’”
૮ ત્યાર બાદ શેતાન તેમને બહુ ઊંચા પહાડ પર લઈ ગયો. તેણે ઈસુને દુનિયાનાં બધાં રાજ્યો અને એની જાહોજલાલી બતાવ્યાં. ૯ પછી તેણે તેમને કહ્યું: “જો તું એક વાર મારી આગળ નમીને મારી ભક્તિ કરે તો હું તને આ બધું આપી દઈશ.” ૧૦ ત્યારે ઈસુએ તેને કહ્યું: “અહીંથી ચાલ્યો જા, શેતાન! કેમ કે લખેલું છે: ‘તું ફક્ત તારા ઈશ્વર યહોવાની* ભક્તિ કર અને તેમના એકલાની જ પવિત્ર સેવા કર.’” ૧૧ ત્યાર બાદ શેતાન તેમને છોડીને ચાલ્યો ગયો અને જુઓ! દૂતો આવીને તેમની સેવા કરવા લાગ્યા.
૧૨ એ પછી, ઈસુએ સાંભળ્યું કે યોહાનને પકડવામાં આવ્યો છે ત્યારે, તે ત્યાંથી ગાલીલ જવા નીકળી ગયા. ૧૩ પછી, નાઝરેથથી નીકળીને તે કાપરનાહુમ જઈને રહ્યા, જે ઝબુલોન અને નફતાલી જિલ્લાઓમાં સરોવરને કિનારે આવેલું છે. ૧૪ આમ, યશાયા પ્રબોધકે જે કહ્યું હતું એ પૂરું થયું: ૧૫ “સમુદ્ર તરફ જતા રસ્તે, ઝબુલોન અને નફતાલીના વિસ્તારમાં યરદનની પશ્ચિમે આવેલી ઓ ગાલીલની પ્રજાઓ! ૧૬ અંધકારમાં હતા એ લોકોએ મોટું અજવાળું જોયું અને મરણની છાયામાં હતા તેઓ પર પ્રકાશ થયો.” ૧૭ એ સમયથી ઈસુ પ્રચાર કરવા લાગ્યા અને આમ કહેવા લાગ્યા: “પસ્તાવો કરો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.”
૧૮ ગાલીલ સરોવરને* કિનારે ઈસુ ચાલતા હતા ત્યારે, તેમણે સિમોન, જે પીતર કહેવાય છે એને અને તેના ભાઈ આંદ્રિયાને સરોવરમાં જાળ નાખતા જોયા, કેમ કે તેઓ માછીમાર હતા. ૧૯ તેમણે તેઓને કહ્યું: “મારી પાછળ આવો અને હું તમને જુદા પ્રકારના માછીમારો બનાવીશ. તમે માછલીઓને નહિ, માણસોને ભેગા કરશો.” ૨૦ તેઓ તરત જ પોતાની જાળ પડતી મૂકીને તેમની પાછળ ગયા. ૨૧ આગળ ગયા પછી, ઈસુએ બીજા બે ભાઈઓ યાકૂબ અને યોહાનને જોયા. તેઓ પોતાના પિતા ઝબદી સાથે હોડીમાં પોતાની જાળો સાંધતા હતા અને ઈસુએ તેઓને બોલાવ્યા. ૨૨ તરત જ, તેઓ હોડી અને પોતાના પિતાને છોડીને તેમની પાછળ ગયા.
૨૩ પછી, ઈસુ આખા ગાલીલમાં ફરીને લોકોનાં સભાસ્થાનોમાં* શીખવવા લાગ્યા અને રાજ્યની ખુશખબરનો પ્રચાર કરવા લાગ્યા. તેમણે લોકોના બધી જાતના રોગ મટાડ્યા અને તેઓને હરેક પ્રકારની નબળાઈથી સાજા કર્યા. ૨૪ તેમના વિશેની ખબર આખા સિરિયામાં ફેલાઈ ગઈ. લોકો દુઃખ-દર્દથી પીડાતા સર્વને ઈસુ પાસે લઈ આવ્યા. તેઓમાં અનેક રોગોથી અને પીડાથી હેરાન થયેલા, દુષ્ટ દૂતો* વળગેલા, ખેંચથી* પીડાતા અને લકવો થયેલા લોકો હતા. તેમણે બધાને સાજા કર્યાં. ૨૫ પરિણામે ગાલીલ, દકાપોલીસ,* યરૂશાલેમ, યહુદિયા અને યરદન નદીની આ બાજુથી લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ પાછળ ગયાં.