યોહાનને થયેલું પ્રકટીકરણ
૯ પાંચમા દૂતે રણશિંગડું વગાડ્યું.+ એટલે મેં આકાશમાંથી પૃથ્વી પર પડેલો તારો જોયો. તેને અનંત ઊંડાણની*+ ચાવી આપવામાં આવી. ૨ તેણે અનંત ઊંડાણ ખોલ્યું. મોટી ભઠ્ઠીમાંથી ધુમાડો નીકળતો હોય તેમ એમાંથી ધુમાડો ઉપર ચઢ્યો. એ ધુમાડાને લીધે સૂર્ય કાળો થઈ ગયો+ અને હવામાં અંધારું છવાઈ ગયું. ૩ એ ધુમાડામાંથી તીડો નીકળીને પૃથ્વી પર આવ્યા.+ એ તીડોને પૃથ્વી પરના વીંછીઓ પાસે છે એવી શક્તિ આપવામાં આવી. ૪ તેઓને કહેવામાં આવ્યું કે પૃથ્વીની કોઈ પણ વનસ્પતિ, લીલોતરી કે ઝાડને નુકસાન ન કરે. પણ જેઓનાં કપાળ પર ઈશ્વરની મહોર નથી તેઓને જ નુકસાન કરે.+
૫ તીડોને કહેવામાં આવ્યું કે તેઓને મારી ન નાખે, પણ પાંચ મહિના સુધી રિબાવે. જેમ વીંછી ડંખ મારે અને વેદના થાય એવી લોકોની વેદના હતી.+ ૬ એ દિવસોમાં લોકો મોત માંગશે પણ મળશે નહિ. તેઓ મરવા માટે તડપશે, પણ મરણ તેઓથી દૂર ભાગશે.
૭ તીડોનો દેખાવ યુદ્ધ માટે તૈયાર ઘોડાઓના જેવો હતો.+ તેઓનાં માથાં પર સોનાના મુગટો જેવું કંઈક હતું. તેઓના ચહેરા માણસના ચહેરા જેવા હતા. ૮ પણ તેઓના વાળ સ્ત્રીઓના વાળ જેવા હતા. તેઓના દાંત સિંહોના દાંત જેવા હતા.+ ૯ તેઓની છાતીનું બખ્તર લોઢાના બખ્તર જેવું હતું. તેઓની પાંખોનો અવાજ યુદ્ધ માટે ધસમસતા ઘોડાના રથોના અવાજ જેવો હતો.+ ૧૦ તેઓની પૂંછડીઓ અને ડંખ વીંછીઓ જેવાં હતાં. એ પૂંછડીઓમાં એવી શક્તિ હતી કે લોકોને પાંચ મહિના સુધી પીડા આપે.+ ૧૧ અનંત ઊંડાણનો દૂત તેઓનો રાજા છે.+ હિબ્રૂ ભાષામાં તેનું નામ અબદ્દોન* છે. ગ્રીક ભાષામાં તેનું નામ અપોલ્યોન* છે.
૧૨ એક આફત પૂરી થઈ. પછી જુઓ! બીજી બે આફતો+ આવી રહી છે.
૧૩ છઠ્ઠા દૂતે+ રણશિંગડું વગાડ્યું.+ એટલે ઈશ્વર આગળ મૂકેલી સોનાની વેદીનાં+ શિંગડાંમાંથી* મેં અવાજ સાંભળ્યો. ૧૪ એ અવાજે રણશિંગડું વગાડનાર છઠ્ઠા દૂતને કહ્યું: “મોટી નદી યુફ્રેટિસ* પાસે બાંધેલા ચાર દૂતોને છોડી મૂક.”+ ૧૫ એ ચાર દૂતોને છોડી મૂકવામાં આવ્યા. તેઓને આ ઘડી, દિવસ, મહિના અને વર્ષ માટે તૈયાર કરેલા હતા, જેથી તેઓ ત્રીજા ભાગના લોકોને મારી નાખે.
૧૬ મેં સૈન્યોના ઘોડેસવારોની સંખ્યા સાંભળી. તેઓની સંખ્યા વીસ કરોડ હતી. ૧૭ મેં દર્શનમાં જોયેલા ઘોડા અને તેઓના સવારો આવા દેખાતા હતા: તેઓના બખ્તર આગ જેવા લાલ, ઘાટા ભૂરા અને ગંધક જેવા પીળા હતા. ઘોડાઓનાં માથાં સિંહોનાં માથાં જેવાં હતાં.+ તેઓનાં મોંમાંથી આગ, ધુમાડો અને ગંધક નીકળતાં હતાં. ૧૮ આ ત્રણ આફતોથી, એટલે કે તેઓનાં મોંમાંથી નીકળતાં અગ્નિ, ધુમાડા અને ગંધકથી ત્રીજા ભાગના લોકો માર્યા ગયા. ૧૯ ઘોડાઓની શક્તિ તેઓનાં મોંમાં અને તેઓની પૂંછડીઓમાં છે. તેઓની પૂંછડીઓ સાપ જેવી છે, જેને માથાં છે. ઘોડાઓ પોતાની પૂંછડીઓથી લોકોને નુકસાન કરે છે.
૨૦ પણ બાકીના જે લોકો આફતોથી માર્યા ગયા ન હતા, તેઓએ પોતાનાં* કામોનો પસ્તાવો કર્યો નહિ. તેઓએ દુષ્ટ દૂતોને* ભજવાનું છોડ્યું નહિ. તેઓએ સોના, ચાંદી, તાંબા, પથ્થર અને લાકડાની મૂર્તિઓને ભજવાનું છોડ્યું નહિ, જેઓ જોઈ, સાંભળી કે ચાલી શકતી નથી.+ ૨૧ તેઓએ ખૂન, મેલીવિદ્યા, વ્યભિચાર* અને ચોરી કર્યાં હતાં. પણ તેઓએ એ માટે પસ્તાવો કર્યો નહિ.