દાનિયેલ
૫ રાજા બેલ્શાસ્સારે+ પોતાના એક હજાર પ્રધાનોને મોટી મિજબાની આપી. તે તેઓની આગળ દ્રાક્ષદારૂ પીતો હતો.+ ૨ દારૂના નશામાં તેણે સોના-ચાંદીનાં એ વાસણો લાવવાની આજ્ઞા કરી, જે તેનો પિતા* નબૂખાદનેસ્સાર યરૂશાલેમના મંદિરમાંથી લૂંટી લાવ્યો હતો.+ તેણે એ વાસણો મંગાવ્યા જેથી તે, તેના પ્રધાનો, તેની ઉપપત્નીઓ અને તેની બીજી પત્નીઓ એમાં દ્રાક્ષદારૂ પી શકે. ૩ યરૂશાલેમમાં આવેલા મંદિરમાંથી, એટલે કે ઈશ્વરના ઘરમાંથી લૂંટેલાં સોનાનાં વાસણો તેઓ લઈ આવ્યા. પછી રાજાએ, તેના પ્રધાનોએ, તેની ઉપપત્નીઓએ અને તેની બીજી પત્નીઓએ એમાં દ્રાક્ષદારૂ પીધો. ૪ તેઓએ દ્રાક્ષદારૂ પીને સોના-ચાંદીના દેવોની અને તાંબાના, લોખંડના, લાકડાના અને પથ્થરના દેવોની સ્તુતિ કરી.
૫ એ જ ઘડીએ માણસના હાથની આંગળીઓ દેખાઈ. રાજાના મહેલમાં દીવીની સામેની દીવાલ* પર એ લખવા લાગી. રાજાએ જોયું કે એ હાથ કંઈક લખી રહ્યો હતો. ૬ એ જોઈને રાજાનો ચહેરો ફિક્કો પડી ગયો. તે પોતાના વિચારોથી ગભરાઈ ગયો. તેના પગ ઢીલા પડી ગયા+ અને તેનાં ઘૂંટણો એકબીજા સાથે અથડાવા લાગ્યા.
૭ રાજાએ મોટેથી બૂમ પાડીને હુકમ આપ્યો કે તાંત્રિકો, ખાલદીઓ* અને જ્યોતિષીઓને બોલાવવામાં આવે.+ તેણે બાબેલોનના જ્ઞાનીઓને કહ્યું: “જે માણસ આ લખાણ વાંચી આપશે અને એનો અર્થ કહેશે, તેને જાંબુડિયા રંગનાં કપડાં અને સોનાનો હાર પહેરાવવામાં આવશે.+ તેને આ રાજ્યમાં ત્રીજું સ્થાન આપવામાં આવશે.”+
૮ રાજાના બધા જ્ઞાનીઓ અંદર આવ્યા. પણ તેઓ એ લખાણ વાંચી શક્યા નહિ કે રાજાને એનો અર્થ જણાવી શક્યા નહિ.+ ૯ રાજા બેલ્શાસ્સાર ખૂબ ગભરાઈ ગયો. તેનો ચહેરો ફિક્કો પડી ગયો અને તેના પ્રધાનો મૂંઝાઈ ગયા.+
૧૦ રાજા અને તેના પ્રધાનોની વાત સાંભળીને રાણી* મિજબાનીના ઓરડામાં આવી. રાણીએ કહ્યું: “હે રાજા, જુગ જુગ જીવો! તમારો ચહેરો કેમ ફિક્કો પડી ગયો છે? તમારે ડરવાની કોઈ જરૂર નથી. ૧૧ તમારા રાજ્યમાં એક માણસ* છે, જેનામાં પવિત્ર દેવોની શક્તિ છે. તમારા પિતાના* દિવસોમાં તેનામાં અદ્ભુત જ્ઞાન, ઊંડી સમજણ અને દેવો જેવી બુદ્ધિ જોવા મળી હતી.+ તમારા પિતા* નબૂખાદનેસ્સાર રાજાએ તેને જાદુગરો,* તાંત્રિકો, ખાલદીઓ* અને જ્યોતિષીઓનો મુખી બનાવ્યો હતો.+ હા, તમારા પિતાએ* એવું કર્યું હતું. ૧૨ દાનિયેલ, જેનું નામ રાજાએ બેલ્ટશાસ્સાર પાડ્યું હતું,+ તે બહુ બુદ્ધિશાળી હતો. તેનામાં અદ્ભુત જ્ઞાન હતું. તેની પાસે સપનાંનો અર્થ જણાવવાની, ઉખાણાં ઉકેલવાની અને ગૂંચવણભરી સમસ્યાનો હલ લાવવાની* ઊંડી સમજણ હતી.+ હવે દાનિયેલને બોલાવો અને તે તમને આ લખાણનો અર્થ જણાવશે.”
૧૩ દાનિયેલને રાજા આગળ લાવવામાં આવ્યો. રાજાએ તેને પૂછ્યું: “શું તું એ જ દાનિયેલ છે, જેને મારા પિતા* યહૂદામાંથી ગુલામ બનાવીને લાવ્યા હતા?+ ૧૪ મેં સાંભળ્યું છે કે તારામાં પવિત્ર દેવોની શક્તિ છે.+ તારામાં અદ્ભુત જ્ઞાન, ઊંડી સમજણ અને અજોડ બુદ્ધિ છે.+ ૧૫ આ લખાણ વાંચવા અને એનો અર્થ જણાવવા જ્ઞાનીઓને અને તાંત્રિકોને મારી આગળ બોલાવવામાં આવ્યા હતા. પણ તેઓ આ સંદેશાનો અર્થ જણાવી શક્યા નહિ.+ ૧૬ મેં સાંભળ્યું છે કે તું રહસ્યનો ખુલાસો કરી શકે છે+ અને ગૂંચવણભરી સમસ્યાનો હલ લાવી શકે છે.* જો તું આ લખાણ વાંચી આપે અને એનો અર્થ જણાવે, તો તને જાંબુડિયા રંગનાં કપડાં અને સોનાનો હાર પહેરાવવામાં આવશે. તને આ રાજ્યમાં ત્રીજું સ્થાન આપવામાં આવશે.”+
૧૭ દાનિયેલે રાજાને કહ્યું: “મારે એ ભેટ-સોગાદો નથી જોઈતી, તમે એ બીજા કોઈને આપી દો. પણ હું તમને આ લખાણ વાંચી આપીશ અને એનો અર્થ જણાવીશ. ૧૮ હે રાજા, સર્વોચ્ચ ઈશ્વરે તમારા પિતા* નબૂખાદનેસ્સારને રાજ્ય, મહાનતા, માન-સન્માન અને ઘણું ગૌરવ આપ્યું હતું.+ ૧૯ ઈશ્વરે આપેલી મહાનતાને લીધે લોકો, પ્રજાઓ અને જુદી જુદી ભાષાના લોકો તમારા પિતા આગળ થરથર કાંપતા હતા.+ તે ચાહે તેને મારી નાખતા, ચાહે તેને જીવતદાન આપતા. તે ચાહે તેને ઊંચો કરતા, ચાહે તેને નીચો પાડતા.+ ૨૦ પણ તેમનું દિલ ઘમંડથી ભરાઈ ગયું ત્યારે તે હઠીલા બન્યા અને અહંકારથી વર્ત્યા.+ તેમને રાજગાદી પરથી ઉતારી દેવામાં આવ્યા અને તેમનો માન-મોભો લઈ લેવામાં આવ્યો. ૨૧ તેમને માણસોમાંથી હાંકી કાઢવામાં આવ્યા. તેમનું હૃદય બદલાઈને જાનવરના હૃદય જેવું થઈ ગયું. તે જંગલી ગધેડાં સાથે રહ્યા. તેમણે બળદની જેમ ઘાસ ખાધું. આકાશના ઝાકળથી તે પલળ્યા. પછી તેમને સમજાયું કે મનુષ્યના રાજ્ય પર સર્વોચ્ચ ઈશ્વર રાજ કરે છે અને તે ચાહે તેને એ રાજ સોંપે છે.+
૨૨ “પણ રાજા બેલ્શાસ્સાર, તેમના દીકરા,* આ બધું જાણવા છતાં તમે પોતાને નમ્ર કર્યા નથી. ૨૩ તમે સ્વર્ગના પ્રભુ વિરુદ્ધ પોતાને ઊંચા કર્યા છે.+ તમે તેમના મંદિરનાં વાસણો અહીં મંગાવ્યાં છે.+ તમે, તમારા પ્રધાનો, તમારી ઉપપત્નીઓ અને તમારી બીજી પત્નીઓએ એમાં દ્રાક્ષદારૂ પીધો છે. તમે સોના-ચાંદીના દેવોની અને તાંબાના, લોખંડના, લાકડાના અને પથ્થરના દેવોની સ્તુતિ કરી છે. એ દેવો તો કંઈ જોઈ શકતા નથી કે સાંભળી શકતા નથી કે કંઈ જાણતા નથી.+ પણ જે ઈશ્વરના હાથમાં તમારું જીવન+ અને તમારાં કામો છે, એ ઈશ્વરને તમે મહિમા આપ્યો નહિ. ૨૪ એટલે ઈશ્વરે એ હાથ મોકલ્યો અને એ લખાણ લખાયું.+ ૨૫ એ લખાણ આ હતું: મેને, મેને, તકેલ અને પાર્સિન.*
૨૬ “એ શબ્દોનો અર્થ આ છે: મેને, એટલે કે ઈશ્વરે તમારા રાજ્યના દિવસો ગણ્યા છે અને એનો અંત લાવ્યા છે.+
૨૭ “તકેલ, એટલે કે તમને ત્રાજવામાં તોળવામાં આવ્યા છે અને તમે ઊણા ઊતર્યા છો.
૨૮ “પેરસ, એટલે કે તમારા રાજ્યના ભાગલા પડ્યા છે અને એ માદીઓને અને ઈરાનીઓને* આપી દેવામાં આવ્યું છે.”+
૨૯ પછી બેલ્શાસ્સારની આજ્ઞાથી દાનિયેલને જાંબુડિયા રંગનાં કપડાં અને સોનાનો હાર પહેરાવવામાં આવ્યાં. એવી જાહેરાત કરવામાં આવી કે દાનિયેલને રાજ્યમાં ત્રીજું સ્થાન આપવામાં આવશે.+
૩૦ એ જ રાતે ખાલદી રાજા બેલ્શાસ્સાર માર્યો ગયો.+ ૩૧ પછી રાજ્ય માદાયના દાર્યાવેશને+ મળ્યું, જે આશરે ૬૨ વર્ષનો હતો.