યશાયા
૧૯ ઇજિપ્ત વિરુદ્ધ ન્યાયચુકાદો:+
જુઓ! યહોવા વાદળ પર સવાર થઈને ઝડપથી ઇજિપ્ત આવે છે.
ઇજિપ્તના નકામા દેવો તેમની આગળ થરથર કાંપશે.+
ઇજિપ્તના લોકોની હિંમત પીગળી જશે.
૨ ઈશ્વર કહે છે: “હું ઇજિપ્તના લોકોને એકબીજા સામે ઉશ્કેરીશ.
તેઓ એકબીજા સામે લડશે.
ભાઈ ભાઈની સામે અને પડોશી પડોશીની સામે લડશે,
શહેર શહેરની સામે અને રાજ્ય રાજ્યની સામે લડશે.
તેઓ પોતાના નકામા દેવો પાસે મદદ માંગશે.
જંતરમંતર કરનારા, મરેલા સાથે વાત કરનાર ભૂવાઓ અને ભવિષ્ય ભાખનારા પાસે તેઓ મદદ માંગશે.+
૪ હું ઇજિપ્તને ક્રૂર માલિકના હાથમાં સોંપી દઈશ,
જુલમી રાજા તેઓ પર રાજ કરશે,”+ એવું સાચા પ્રભુ, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.
૫ દરિયાનું પાણી સુકાઈ જશે,
નદીનું પાણી ઓસરી જશે અને સુકાઈ જશે.+
૬ નદીઓ ગંધાઈ ઊઠશે,
ઇજિપ્તમાં નાઈલની નહેરોનું પાણી ઓછું થઈને સુકાઈ જશે.
૭ નાઈલ નદી પાસેના, એના મુખ પાસેના છોડ સુકાઈ જશે.
૮ માછીમારો શોક કરશે,
નાઈલમાં ગલ નાખનારા વિલાપ કરશે,
પાણીમાં જાળ નાખનારા ઓછા થઈ જશે.
૯ શણમાંથી કાપડ બનાવનારા+
અને સફેદ કાપડ વણનારા શરમાશે.
૧૦ ઇજિપ્તના વણકરો હતાશ થઈ જશે
અને બધા મજૂરો દુઃખી દુઃખી થઈ જશે.
ઇજિપ્તના રાજાના* સમજુ સલાહકારો પણ ધડ-માથા વગરની સલાહ આપે છે.+
તમે કઈ રીતે રાજાને કહી શકો,
“અમે બુદ્ધિશાળી લોકોના વંશજ છીએ,
જૂના જમાનાના રાજાઓના વંશજ છીએ”?
૧૨ તમારા બુદ્ધિમાન માણસો ક્યાં છે?+
સૈન્યોના ઈશ્વર યહોવાએ ઇજિપ્ત માટે જે નક્કી કર્યું છે, એ તેઓને ખબર હોય તો કહી બતાવે.
૧૩ સોઆનના અધિકારીઓએ મૂર્ખામી કરી છે.
ઇજિપ્તનાં કુળોના મુખીઓએ લોકોને ખોટે માર્ગે દોર્યા છે.
૧૪ યહોવાએ ઇજિપ્તના લોકોને ગૂંચવણમાં નાખ્યા છે.+
આગેવાનો તેઓને એ રીતે ભમાવે છે,
જાણે દારૂડિયો ઊલટી કરીને એમાં જ લથડિયાં ખાય.
૧૬ એ દિવસે ઇજિપ્તના લોકો સ્ત્રીઓ જેવા બની જશે. સૈન્યોના ઈશ્વર યહોવાએ ઇજિપ્ત વિરુદ્ધ હાથ ઉગામ્યો છે, એ જોઈને તેઓ ભયથી કાંપશે અને ડરશે.+ ૧૭ યહૂદા દેશથી ઇજિપ્ત ડરશે. યહૂદાનું નામ સાંભળતાં જ ઇજિપ્તના લોકો ધ્રૂજી ઊઠશે, કેમ કે સૈન્યોના ઈશ્વર યહોવાએ ઇજિપ્ત વિરુદ્ધ યોજના ઘડી છે.+
૧૮ એ દિવસે ઇજિપ્તનાં પાંચ શહેરો કનાનની+ ભાષા* બોલતા હશે. તેઓ સૈન્યોના ઈશ્વર યહોવાને વફાદાર રહેવાના સમ ખાશે. એમાંનું એક શહેર ‘તોડી પાડનાર શહેર’ કહેવાશે.
૧૯ એ દિવસે ઇજિપ્ત દેશની વચ્ચે યહોવા માટે વેદી હશે અને એની સરહદે યહોવા માટે સ્તંભ હશે. ૨૦ સૈન્યોના ઈશ્વર યહોવા માટે ઇજિપ્ત દેશમાં એ નિશાની અને સાક્ષી બનશે. જુલમીઓને લીધે તેઓ યહોવાને પોકારી ઊઠશે. તે તેઓ માટે મહાન બચાવનાર મોકલશે, જે તેઓને બચાવશે. ૨૧ એ દિવસે યહોવા ઇજિપ્તના લોકોને પોતાની ઓળખાણ આપશે. તેઓ યહોવાને ઓળખશે, તેમને બલિદાનો ચઢાવશે અને ભેટ આપશે. તેઓ યહોવા આગળ માનતા લેશે અને પૂરી કરશે. ૨૨ યહોવા ઇજિપ્તને ફટકારશે,+ હા, તેઓને મારશે અને સાજા કરશે. તેઓ યહોવા તરફ ફરશે અને તેઓની વિનંતીઓ સાંભળીને તે તેઓને સાજા કરશે.
૨૩ એ દિવસે ઇજિપ્તમાંથી એક રાજમાર્ગ+ આશ્શૂર સુધી જશે. આશ્શૂરના લોકો ઇજિપ્ત આવશે અને ઇજિપ્તના લોકો આશ્શૂર જશે. આશ્શૂરની સાથે ઇજિપ્ત પણ ઈશ્વરની ભક્તિ કરશે. ૨૪ એ દિવસે ઇજિપ્ત અને આશ્શૂર+ સાથે ઇઝરાયેલ જોડાશે અને ઇઝરાયેલ આખી પૃથ્વી માટે આશીર્વાદ હશે. ૨૫ સૈન્યોના ઈશ્વર યહોવા તેઓને આશીર્વાદ આપતા કહેશે: “હે મારા લોક ઇજિપ્ત, હે મારા હાથની રચના આશ્શૂર, હે મારો વારસો ઇઝરાયેલ, તમારા પર આશીર્વાદ રહે.”+