હઝકિયેલ
૧૪ ઇઝરાયેલના અમુક વડીલો આવ્યા અને મારી આગળ બેઠા.+ ૨ યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૩ “હે માણસના દીકરા, આ માણસોએ ધિક્કારપાત્ર મૂર્તિઓ* પાછળ જવાનું નક્કી કર્યું છે. લોકો પાસે પાપ કરાવવા તેઓ નડતરો ગોઠવે છે. તો પછી તેઓ કંઈ પૂછે તો હું શું કામ જવાબ આપું?+ ૪ હવે તેઓ સાથે વાત કરીને તેઓને જણાવ, ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “ધારો કે કોઈ ઇઝરાયેલી માણસ ધિક્કારપાત્ર મૂર્તિઓ પાછળ જવાનું નક્કી કરે અને લોકો પાસે પાપ કરાવવા નડતરો ગોઠવે. પછી તે પ્રબોધક પાસે સલાહ માંગવા આવે. જો એમ થાય તો હું યહોવા, તેની પાસે જેટલી ધિક્કારપાત્ર મૂર્તિઓ છે, એ પ્રમાણે જવાબ આપીશ. ૫ તેઓ મને છોડીને ધિક્કારપાત્ર મૂર્તિઓ પાછળ ગયા છે.+ એટલે હું એવું કરીશ કે ઇઝરાયેલના લોકોનાં દિલ થરથર કાંપે.”’
૬ “એટલે ઇઝરાયેલના લોકોને જણાવ કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “મારી પાસે પાછા આવો. તમારી ધિક્કારપાત્ર મૂર્તિઓનો ત્યાગ કરો. નફરત થાય એવાં તમારાં બધાં કામો છોડી દો.+ ૭ ધારો કે કોઈ ઇઝરાયેલી માણસ અથવા ઇઝરાયેલમાં રહેતો કોઈ પરદેશી મને છોડી દે. તે ધિક્કારપાત્ર મૂર્તિઓ પાછળ જવાનું નક્કી કરે અને લોકો પાસે પાપ કરાવવા નડતરો ગોઠવે. પછી તે મારા પ્રબોધક પાસે સલાહ માંગવા આવે.+ જો એમ થાય તો હું યહોવા પોતે તેને જવાબ આપીશ. ૮ હું એ માણસની વિરુદ્ધ મારું મોં રાખીશ. હું તેના એવા હાલ કરીશ કે તે બીજા માટે ચેતવણી આપતો દાખલો બને અને લોકો એની હાંસી ઉડાવે. હું મારા લોકોમાંથી તેનો નાશ કરીશ+ અને તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.”’
૯ “‘પણ જો કોઈ પ્રબોધક મૂર્ખ બનીને જવાબ આપે, તો મેં યહોવાએ તે પ્રબોધકને મૂર્ખ બનાવ્યો છે.+ હું તેની વિરુદ્ધ મારો હાથ ઉગામીશ અને મારા ઇઝરાયેલી લોકોમાંથી તેનો વિનાશ કરીશ. ૧૦ સલાહ માંગનારની ભૂલ અને પ્રબોધકની ભૂલ એકસરખી ગણાશે. તેઓએ પોતાની ભૂલની સજા ભોગવવી પડશે. ૧૧ આમ ઇઝરાયેલના લોકો મારી પાસેથી ભટકી નહિ જાય. તેઓ પાપ કરી કરીને પોતાને અશુદ્ધ નહિ કરે. તેઓ મારા લોકો થશે અને હું તેઓનો ઈશ્વર થઈશ,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”
૧૨ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૧૩ “હે માણસના દીકરા, જો દેશ બેવફા બનીને મારી વિરુદ્ધ પાપ કરે, તો હું મારો હાથ લંબાવીને દેશના ખોરાકનો નાશ કરીશ.*+ હું દેશ પર દુકાળ લાવીશ.+ એમાં રહેતાં માણસ અને જાનવર બધાંનો સંહાર કરીશ.”+ ૧૪ “‘જો નૂહ,+ દાનિયેલ+ અને અયૂબ,+ આ ત્રણ માણસો પણ એ દેશમાં રહેતા હોત, તો તેઓ પોતાની સચ્ચાઈને લીધે ફક્ત પોતાને જ બચાવી શક્યા હોત,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”
૧૫ “‘ધારો કે હું દેશમાં ખતરનાક જાનવરો મોકલું અને તેઓ દેશના લોકોને મારી નાખે. ખતરનાક જાનવરોને લીધે એ દેશ એટલો ઉજ્જડ થઈ જાય કે કોઈ એમાંથી આવજા કરી ન શકે.’+ ૧૬ વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું મારા સમ* ખાઈને કહું છું કે જો એ ત્રણ માણસો એ દેશમાં રહેતા હોત, તોપણ તેઓ પોતાના દીકરાઓને કે પોતાની દીકરીઓને બચાવી શક્યા ન હોત. તેઓ ફક્ત પોતાને જ બચાવી શક્યા હોત અને આખો દેશ ઉજ્જડ થઈ જાત.’”
૧૭ “‘ધારો કે હું એ દેશ વિરુદ્ધ તલવાર લાવીને+ કહું: “આખા દેશમાં તલવાર ફરી વળે.” તલવાર દેશનાં માણસ અને જાનવર બધાંનો સંહાર કરે.’+ ૧૮ વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું મારા સમ* ખાઈને કહું છું કે જો એ ત્રણ માણસો એ દેશમાં રહેતા હોત, તોપણ તેઓ પોતાના દીકરાઓને કે પોતાની દીકરીઓને બચાવી શક્યા ન હોત. તેઓ ફક્ત પોતાને જ બચાવી શક્યા હોત.’”
૧૯ “‘ધારો કે હું એ દેશ પર રોગચાળો ફેલાવું.+ એના પર મારો કોપ રેડીને માણસ અને જાનવરને મારી નાખવા લોહીની નદીઓ વહાવી દઉં.’ ૨૦ વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું મારા સમ* ખાઈને કહું છું કે જો નૂહ,+ દાનિયેલ+ અને અયૂબ+ એ દેશમાં રહેતા હોત, તોપણ તેઓ પોતાના દીકરાઓને કે પોતાની દીકરીઓને બચાવી શક્યા ન હોત. તેઓ પોતાની સચ્ચાઈને લીધે ફક્ત પોતાને જ બચાવી શક્યા હોત.’”+
૨૧ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું યરૂશાલેમ પર મારી આ ચાર સજા,+ એટલે કે તલવાર, દુકાળ, ખતરનાક જાનવર અને રોગચાળો મોકલીશ.+ એ સમયે માણસ અને જાનવરનો કેવો ભારે સંહાર થશે!+ ૨૨ પણ એમાંથી અમુક બચી જશે, હા, દીકરા-દીકરીઓ બંને બચી જશે. તેઓને એમાંથી બહાર લાવવામાં આવશે+ અને તેઓ તમારી પાસે આવશે. તમે તેઓનાં માર્ગો અને કામો જોશો. પછી તમને સમજાશે કે હું યરૂશાલેમ પર કેમ આફત લાવ્યો અને મેં જે કંઈ કર્યું એ કેમ કર્યું.’”
૨૩ “‘તમે તેઓનાં માર્ગો અને કામો જોશો ત્યારે તમને સમજાશે ને તમે જાણશો કે મેં જે કંઈ કર્યું એ વગર કારણે નથી કર્યું,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”