હઝકિયેલ
૪૫ “‘તમે દેશની વહેંચણી કરો અને એનો વારસો લો+ ત્યારે, તમારે એ જમીનનો અમુક ભાગ યહોવાને દાન કરવો, જે પવિત્ર ભાગ ગણાશે.+ એની લંબાઈ ૨૫,૦૦૦ હાથ* અને પહોળાઈ ૧૦,૦૦૦ હાથ હોય.+ એનો આખો વિસ્તાર* પવિત્ર ભાગ ગણાશે. ૨ એની અંદર પવિત્ર જગ્યા માટે ચોરસ ભાગ રાખવો, જેની લંબાઈ ૫૦૦ હાથ અને પહોળાઈ ૫૦૦ હાથ હોય.*+ એની ચારે બાજુએ ચરાવવા માટે ૫૦ હાથ જમીન રાખવી.+ ૩ એ માપમાંથી તમારે એક જગ્યા માપી લેવી, જેની લંબાઈ ૨૫,૦૦૦ હાથ અને પહોળાઈ ૧૦,૦૦૦ હાથ હોય. એમાં મંદિર બનશે, જે સૌથી પવિત્ર જગ્યા હશે. ૪ એ આખો ભાગ યાજકો, એટલે કે પવિત્ર જગ્યાના સેવકો માટે દેશનો પવિત્ર ભાગ બનશે.+ તેઓ યહોવાની સેવા કરવા તેમની આગળ જાય છે.+ એ ભાગ તેઓનાં ઘરો માટે હશે અને એ પવિત્ર જગ્યા માટે પવિત્ર સ્થળ હશે.
૫ “‘મંદિરના સેવકો, એટલે કે લેવીઓ માટે ૨૫,૦૦૦ હાથ લાંબી અને ૧૦,૦૦૦ હાથ પહોળી જગ્યા હશે.+ તેઓના ભાગે ૨૦ ભોજનખંડો* હશે.+
૬ “‘તમારે વારસા તરીકે શહેર માટે જગ્યા રાખવી, જેનો વિસ્તાર ૨૫,૦૦૦ હાથ લાંબો (પવિત્ર દાનની જગ્યા જેટલો) અને ૫,૦૦૦ હાથ પહોળો હોય.+ એ ઇઝરાયેલના બધા લોકો માટે હશે.
૭ “‘પવિત્ર દાનની જગ્યાની અને શહેર માટેના વિસ્તારની આ બાજુએ અને પેલી બાજુએ આગેવાનની જમીન હશે. એ જમીન પવિત્ર દાનની અને શહેરના વારસાની બાજુમાં હશે. એ પશ્ચિમ અને પૂર્વ તરફ હશે. પશ્ચિમ તરફની હદથી પૂર્વ તરફની હદ સુધીની લંબાઈ કુળોને મળેલા એક હિસ્સા જેટલી હશે.+ ૮ ઇઝરાયેલમાં એ જમીન આગેવાનનો વારસો થશે. મારા આગેવાનો હવેથી મારા લોકો પર જુલમ નહિ કરે.+ તેઓ ઇઝરાયેલી લોકોને કુળો પ્રમાણે જમીન આપશે.’+
૯ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘ઓ ઇઝરાયેલના આગેવાનો, બસ, હવે બહુ થયું!’
“‘જુલમ અને હિંસા બંધ કરો. જે ખરું અને સાચું છે એ કરો.+ મારા લોકોની મિલકત લૂંટી ન લો,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે. ૧૦ ‘તમારે સાચાં ત્રાજવાં, સાચાં એફાહ માપ* અને સાચાં બાથ માપ* વાપરવાં.+ ૧૧ એફાહ માપ અને બાથ માપ માટે નક્કી કરેલું માપ વાપરવું. એક બાથ માપમાં હોમેરનો* દસમો ભાગ આવવો જોઈએ અને એક એફાહ માપમાં હોમેરનો દસમો ભાગ આવવો જોઈએ. એ માપ હોમેર પ્રમાણે હશે. ૧૨ એક શેકેલ*+ ૨૦ ગેરાહ* હોવું જોઈએ. ૨૦ શેકેલ, ૨૫ શેકેલ અને ૧૫ શેકેલ મળીને એક માનેહ* થશે.’
૧૩ “‘તમારે આ દાન આપવું: દરેક હોમેર ઘઉંમાંથી એફાહનો છઠ્ઠો ભાગ અને દરેક હોમેર જવમાંથી એફાહનો છઠ્ઠો ભાગ. ૧૪ તમારે તેલનો હિસ્સો બાથ માપ પ્રમાણે આપવો. એક બાથ માપ એક કોરનો* દસમો ભાગ. દસ બાથ માપ એક હોમેર છે, કેમ કે દસ બાથ માપ એટલે એક હોમેર. ૧૫ ઇઝરાયેલનાં ઢોરઢાંકના ટોળામાંથી તમારે દર ૨૦૦ ઘેટાંમાંથી એક ઘેટું આપવું. આ બલિદાનો અનાજ-અર્પણ,+ અગ્નિ-અર્પણ+ અને શાંતિ-અર્પણો+ માટે હશે, જેથી લોકો માટે પ્રાયશ્ચિત્ત કરવામાં આવે,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.
૧૬ “‘દેશના બધા લોકો ઇઝરાયેલના આગેવાનને એ દાન આપશે.+ ૧૭ પણ અગ્નિ-અર્પણો,+ અનાજ-અર્પણ+ અને દ્રાક્ષદારૂ-અર્પણ પૂરાં પાડવાની જવાબદારી આગેવાનની રહેશે. એ અર્પણો તહેવારો,+ ચાંદરાતો,* સાબ્બાથો,+ હા, ઇઝરાયેલી લોકોના ઠરાવેલા બધા તહેવારો માટે હશે.+ તેણે જ પાપ-અર્પણ, અનાજ-અર્પણ, અગ્નિ-અર્પણ અને શાંતિ-અર્પણો આપવાનાં રહેશે, જેથી ઇઝરાયેલના લોકો માટે પ્રાયશ્ચિત્ત કરી શકાય.’
૧૮ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તારે પહેલા મહિનાના પહેલા દિવસે ટોળામાંથી ખોડખાંપણ વગરનો એક આખલો લાવવો. તારે મંદિરમાંથી પાપ દૂર કરીને એને શુદ્ધ કરવું.+ ૧૯ યાજક એ પાપ-અર્પણમાંથી થોડું લોહી લેશે. યાજક એ લોહી મંદિરની બારસાખ પર,+ વેદી ફરતેની પાળીના ચારેય ખૂણાઓ પર અને અંદરના આંગણાના દરવાજાની બારસાખ પર લગાડશે. ૨૦ તારે મહિનાના સાતમા દિવસે પણ એમ કરવું, કેમ કે કદાચ કોઈએ ભૂલથી અથવા અજાણતાં પાપ કર્યું હોય.+ તારે મંદિર માટે પ્રાયશ્ચિત્ત કરવું.+
૨૧ “‘પહેલા મહિનાના ૧૪મા દિવસે તમારે પાસ્ખાનો* તહેવાર ઊજવવો.+ સાત દિવસ સુધી તમારે ખમીર* વગરની રોટલી ખાવી.+ ૨૨ એ દિવસે આગેવાન પોતાના માટે અને દેશના બધા લોકો માટે પાપ-અર્પણ તરીકે એક આખલો આપશે.+ ૨૩ તે તહેવારના સાતેસાત દિવસ યહોવાને અગ્નિ-અર્પણ આપશે. એ માટે તે સાતેસાત દિવસ સાત આખલા અને સાત નર ઘેટા પૂરા પાડશે.+ એ બધા ખોડખાંપણ વગરના હોય. પાપ-અર્પણ તરીકે તે રોજ એક બકરો પણ આપશે. ૨૪ તે દરેક આખલા માટે અને દરેક નર ઘેટા માટે એક એક એફાહ અનાજ-અર્પણ આપે. તે દરેક એફાહ માટે એક હીન* તેલ પણ આપે.
૨૫ “‘સાતમા મહિનાના ૧૫મા દિવસથી શરૂ થતા તહેવારના સાત દિવસ પણ તે એટલું આપે.+ તે પાપ-અર્પણ, અગ્નિ-અર્પણ, અનાજ-અર્પણ અને તેલ પૂરાં પાડે.’”