હઝકિયેલ
૪૨ પછી તે મને ઉત્તર તરફ બહારના આંગણામાં લઈ આવ્યો.+ તે મને ભોજનખંડોની* ઇમારત પાસે લઈ આવ્યો, જે ઉત્તર તરફની ઇમારતને* અડીને+ ખુલ્લી જગ્યાની બાજુમાં હતી.+ ૨ ઉત્તરના દરવાજા તરફ ભોજનખંડોની ઇમારતની લંબાઈ ૧૦૦ હાથ* હતી અને પહોળાઈ ૫૦ હાથ હતી. ૩ અંદરનું આંગણું ૨૦ હાથ પહોળું હતું.+ એની અને બહારના આંગણાની પથ્થર જડેલી ફરસ વચ્ચે ભોજનખંડો હતા. એના વરંડા એકબીજાની સામે હતા. ભોજનખંડોની ઇમારત ત્રણ માળની હતી. ૪ ભોજનખંડો આગળ એક રસ્તો હતો,+ જે ૧૦ હાથ પહોળો અને ૧૦૦ હાથ લાંબો હતો.* ભોજનખંડોના દરવાજા ઉત્તર તરફ હતા. ૫ ભોજનખંડોની ઇમારતના નીચલા ને વચલા માળ કરતાં સૌથી ઉપરનો માળ સાંકડો હતો અને એના વરંડા વધારે જગ્યા લઈ લેતા હતા. ૬ ભોજનખંડોની ઇમારત ત્રણ માળની હતી. પણ એને સ્તંભો ન હતા જેમ આંગણાંમાં હતા. એટલે નીચલા અને વચલા માળ કરતાં ઉપરના માળની જગ્યા સાંકડી હતી.
૭ બહારના આંગણા તરફના ભોજનખંડો નજીક પથ્થરની દીવાલ હતી. એ બીજા ભોજનખંડોની સામે હતી અને ૫૦ હાથ લાંબી હતી. ૮ બહારના આંગણા તરફના ભોજનખંડોની ઇમારતની લંબાઈ ૫૦ હાથ હતી. પણ મંદિર સામેની ઇમારતની લંબાઈ ૧૦૦ હાથ હતી. ૯ બહારના આંગણામાંથી ભોજનખંડો તરફ આવવા માટે રસ્તો હતો, જે પૂર્વ તરફ હતો.
૧૦ દક્ષિણ તરફ પણ ભોજનખંડોની ઇમારત હતી. એ પૂર્વ તરફના આંગણાની પથ્થરની દીવાલને અડીને અંદરની બાજુએ હતી. એ ખુલ્લી જગ્યા અને ઇમારત પાસે આવેલી હતી.+ ૧૧ ઉત્તરના ભોજનખંડો જેવો જ રસ્તો તેઓ આગળ પણ હતો.+ તેઓની લંબાઈ અને પહોળાઈ, તેઓના દરવાજા અને નકશા એકસરખાં હતાં. ઉત્તરના ભોજનખંડોના દરવાજા ૧૨ દક્ષિણ તરફના ભોજનખંડોના દરવાજા જેવા હતા. રસ્તાની શરૂઆતમાં એક દરવાજો હતો, જે પૂર્વ તરફની પથ્થરની દીવાલને અડીને આવેલો હતો. એમાંથી અંદર જઈ શકાતું હતું.+
૧૩ પછી તેણે મને કહ્યું: “ખુલ્લી જગ્યામાં આવેલા ઉત્તર તરફના અને દક્ષિણ તરફના ભોજનખંડો+ પવિત્ર ભોજનખંડો છે. યહોવા આગળ જતા યાજકો ત્યાં સૌથી પવિત્ર અર્પણો ખાય છે.+ સૌથી પવિત્ર અર્પણો, એટલે કે અનાજ-અર્પણ,* પાપ-અર્પણ અને દોષ-અર્પણ તેઓ ત્યાં રાખે છે, કેમ કે એ જગ્યા પવિત્ર છે.+ ૧૪ યાજકો પવિત્ર જગ્યામાં આવે પછી, તેઓ જે કપડાં પહેરીને સેવા આપે છે, એ જ પહેરીને બહારના આંગણામાં ન જાય,+ કેમ કે એ કપડાં પવિત્ર છે. લોકો માટેની જગ્યામાં જતાં પહેલાં તેઓએ એ કપડાં બદલીને બીજાં કપડાં પહેરી લેવા.”
૧૫ તેણે મંદિરની અંદરનો વિસ્તાર માપવાનું પૂરું કર્યું. પછી તે મને પૂર્વ તરફના દરવાજેથી બહાર લઈ આવ્યો.+ તેણે એ આખો વિસ્તાર માપ્યો.
૧૬ તેણે માપવાની લાકડીથી* પૂર્વ તરફનું માપ લીધું. લાકડીના માપ પ્રમાણે, એક બાજુથી બીજી બાજુ સુધીની લંબાઈ ૫૦૦ લાકડી હતી.
૧૭ તેણે ઉત્તર તરફનું માપ લીધું. લાકડીના માપ પ્રમાણે, એની લંબાઈ ૫૦૦ લાકડી હતી.
૧૮ તેણે દક્ષિણ તરફનું માપ લીધું. લાકડીના માપ પ્રમાણે, એની લંબાઈ ૫૦૦ લાકડી હતી.
૧૯ ત્યાંથી ફરીને તે પશ્ચિમ તરફ ગયો. તેણે માપવાની લાકડીથી લંબાઈ માપી તો એ ૫૦૦ લાકડી હતી.
૨૦ તેણે ચારે બાજુથી એ વિસ્તારનું માપ લીધું. એની ચારે બાજુ દીવાલ હતી,+ જે દરેક બાજુથી ૫૦૦ લાકડી લાંબી હતી.+ એ દીવાલ પવિત્ર જગ્યા અને લોકો માટેની જગ્યાને જુદી પાડતી હતી.+