રૂથ
૩ એક દિવસ નાઓમીએ પોતાની વહુ રૂથને કહ્યું: “મારી દીકરી, શું હું તારા માટે કોઈ સારું ઘર ન શોધું,+ જેથી તું સુખી થાય? ૨ શું બોઆઝ આપણા સગામાં નથી?+ તેના ખેતરમાંની સ્ત્રીઓ સાથે તેં કામ કર્યું છે. હવે સાંભળ, આજે રાતે તે ખળીમાં* જવ છૂટા પાડવાનો છે. ૩ નાહી-ધોઈને અત્તર લગાડ અને તૈયાર થઈને ખળીમાં જા. તે ખાઈ-પી રહે ત્યાં સુધી તેને ખબર પડવા ન દેતી કે તું ત્યાં છે. ૪ તે ક્યાં સૂએ છે એ જોજે. પછી તેણે પગ પર ઓઢેલું કપડું હટાવીને તેના પગ પાસે સૂઈ જજે. તે તને જણાવશે કે તારે શું કરવું.”
૫ રૂથે કહ્યું: “તમે જે કહો છો, એ બધું હું કરીશ.” ૬ પછી તે ખળીમાં ગઈ અને પોતાની સાસુના કહેવા પ્રમાણે બધું કર્યું. ૭ બોઆઝે ખાધું-પીધું અને તે બહુ ખુશ હતો. તે અનાજના ઢગલા પાસે જઈને સૂઈ ગયો. ત્યાર બાદ રૂથ ચૂપચાપ આવી અને બોઆઝે પગ પર ઓઢેલું કપડું હટાવીને તેના પગ પાસે સૂઈ ગઈ. ૮ મધરાતે બોઆઝ ધ્રૂજવા લાગ્યો અને તે બેઠો થયો. તેણે જોયું કે કોઈ સ્ત્રી તેના પગ પાસે સૂતી હતી. ૯ બોઆઝે પૂછ્યું: “તું કોણ છે?” તેણે જવાબ આપ્યો: “હું તમારી દાસી રૂથ છું. તમારું કપડું તમારી દાસી પર ઓઢાડો,* કેમ કે તમે છોડાવનાર છો.”+ ૧૦ બોઆઝે કહ્યું: “દીકરી, યહોવા તને આશીર્વાદ આપે. તેં અગાઉ કરતાં હમણાં વધારે અતૂટ પ્રેમ* બતાવ્યો છે,+ કેમ કે તું કોઈ યુવાન પાછળ ગઈ નથી, ભલે તે અમીર હોય કે ગરીબ. ૧૧ ગભરાઈશ નહિ દીકરી. તારા કહેવા પ્રમાણે હું બધું જ કરીશ,+ કેમ કે મારા શહેરના બધા લોકો જાણે છે કે તું ખૂબ સારી છે. ૧૨ ખરું કે હું છોડાવનાર છું,+ છતાં બીજા એક માણસ પાસે પણ એ હક છે. તે મારા કરતાં વધારે નજીકના સગામાં છે.+ ૧૩ આજે રાતે અહીં રહે. જો સવારે તે છોડાવનારની જવાબદારી નિભાવે તો સારું. ભલે તે તને છોડાવે.+ પણ જો તે એમ કરવા ન ચાહે, તો યહોવાના સમ* કે હું પોતે એ જવાબદારી નિભાવીશ. સવાર સુધી અહીં સૂઈ રહે.”
૧૪ એટલે પરોઢ થતાં સુધી રૂથ તેના પગ પાસે સૂઈ રહી. અજવાળું થતાં પહેલાં તે ઊઠી ગઈ, જેથી તેને કોઈ ઓળખી ન જાય. બોઆઝે કહ્યું: “ખળીમાં કોઈ સ્ત્રી આવી હતી એની જાણ થવી ન જોઈએ.” ૧૫ બોઆઝે એમ પણ કહ્યું: “તારી ચાદર અહીં પાથર.” એટલે રૂથે પોતાની ચાદર પાથરી. બોઆઝે એમાં છ માપ* જવ ભરી આપ્યા. પછી તે શહેરમાં ચાલ્યો ગયો.
૧૬ રૂથ પોતાની સાસુ પાસે પાછી ગઈ. નાઓમીએ પૂછ્યું: “મારી દીકરી, ત્યાં શું બન્યું?” બોઆઝે રૂથ માટે જે કર્યું હતું એ બધું જ તેણે જણાવ્યું. ૧૭ રૂથે એમ પણ કહ્યું: “તેમણે મને આ છ માપ જવ આપીને કહ્યું, ‘તારી સાસુ પાસે ખાલી હાથે ન જા.’” ૧૮ નાઓમીએ રૂથને કહ્યું: “મારી દીકરી, હવે શું થશે એની જાણ થાય ત્યાં સુધી રાહ જો. એ માણસ આજે આ વાતનો ઉકેલ લાવ્યા વગર જંપીને બેસવાનો નથી.”