યશાયા
૬૪ જો તમે આકાશો ચીરીને નીચે ઊતરી આવો
અને પર્વતો તમારી આગળ થરથર કાંપી ઊઠે, તો કેવું સારું!
૨ જેમ આગથી ઝાડી-ઝાંખરાં સળગી ઊઠે
અને પાણી ઊકળી ઊઠે, તેમ તમે ઊતરી આવો તો કેવું સારું!
ત્યારે તમારા વેરીઓ તમારું નામ જાણશે
અને પ્રજાઓ તમારી આગળ ધ્રૂજી ઊઠશે.
૪ તમારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી,
જે પોતાની રાહ જોનારાઓ* માટે પગલાં ભરે.
જૂના જમાનાથી નથી એવું સાંભળ્યું, નથી એવું કાને પડ્યું કે નથી એવું જોયું.+
૫ જેઓ તમને યાદ રાખે છે, તમારા માર્ગોમાં ચાલે છે,+
જે ખરું છે એ રાજીખુશીથી કરે છે, તેઓને મદદ કરવા તમે આવ્યા.
જુઓ! અમે પાપ કરતા રહ્યા, એટલે તમે રોષે ભરાયા.+
અમે લાંબા સમય સુધી એમ કરતા રહ્યા,
તો અમે કેવી રીતે બચી શકીએ?
૬ અમે બધા અશુદ્ધ માણસ જેવા થઈ ગયા છીએ.
સચ્ચાઈનાં અમારાં બધાં કામો જાણે લોહીવાળાં* કપડાં જેવાં છે.+
અમે પાંદડાની જેમ સુકાઈ જઈશું
અને અમારાં પાપ અમને પવનની જેમ દૂર ઉડાવી લઈ જશે.
૭ કોઈ તમારા નામે પોકાર કરતું નથી.
કોઈ તમને વળગી રહેવાની હોંશ બતાવતું નથી.
તમે અમારાથી મોં ફેરવી લીધું છે.+
અમારાં પાપોને લીધે તમે અમને મોતને હવાલે કરી દીધા છે.
૮ પણ હે યહોવા, તમે અમારા પિતા છો.+
અમે માટી અને તમે અમારા કુંભાર* છો!+
અમે બધા તમારા હાથની રચના છીએ.
૯ હે યહોવા, અમારા પર બહુ ગુસ્સે ન ભરાઓ.+
અમારી ભૂલો હંમેશાં યાદ ન રાખો.
કૃપા કરીને અમારી તરફ જુઓ, અમે બધા તમારા લોકો છીએ.
૧૦ તમારાં પવિત્ર શહેરો વેરાન પ્રદેશ બન્યાં છે.
સિયોન વેરાન પ્રદેશ
અને યરૂશાલેમ ઉજ્જડ પ્રદેશ બન્યું છે.+
૧૧ અમારું પવિત્ર અને ભવ્ય મંદિર,
જ્યાં અમારા બાપદાદાઓ તમારો જયજયકાર કરતા હતા,
એ બળીને રાખ થઈ ગયું છે.+
જીવની જેમ વહાલી ચીજો ખંડેર પડી છે.
૧૨ હે યહોવા, આ બધું જોઈને શું તમે કંઈ નહિ કરો?
શું તમે ચૂપ રહેશો અને અમને રિબાવા દેશો?+