ગણના
૧૬ પછી કોરાહ, દાથાન, અબીરામ અને ઓન ભેગા મળ્યા. કોરાહ+ યિસ્હારનો દીકરો+ હતો, જે કહાથનો દીકરો,+ જે લેવીનો દીકરો+ હતો. દાથાન અને અબીરામ અલીઆબના દીકરાઓ+ હતા. ઓન પેલેથનો દીકરો હતો, જે રૂબેનના દીકરાઓમાંથી+ હતો. ૨ તેઓ બીજા ૨૫૦ ઇઝરાયેલી પુરુષો સાથે મળીને મૂસા વિરુદ્ધ થયા. એ પુરુષો ઇઝરાયેલના મુખીઓ, મંડળના નિયુક્ત કરાયેલા લોકો અને આગેવાનો હતા. ૩ તેઓ ભેગા મળીને મૂસા અને હારુનની વિરુદ્ધ થયા+ અને તેઓને કહ્યું: “બસ, હવે બહુ થયું! આખું મંડળ, હા, બધા લોકો પવિત્ર છે+ અને યહોવા તેઓની મધ્યે છે.+ તો પછી, તમે યહોવાના મંડળ કરતાં પોતાને કેમ મહાન ગણો છો?”
૪ એ સાંભળ્યું ત્યારે મૂસાએ તરત જ ઘૂંટણિયે પડીને જમીન સુધી માથું નમાવ્યું. ૫ પછી મૂસાએ કોરાહ અને તેના સાથીઓને કહ્યું: “સવારે યહોવા જાહેર કરશે કે, કોણ તેમનું છે,+ કોણ પવિત્ર છે અને કોણે તેમની નજીક જવું જોઈએ.+ તે જેને પણ પસંદ કરશે,+ તે તેમની નજીક જશે. ૬ કોરાહ, તારે અને તારા બધા સાથીઓએ+ આમ કરવું: તમે અગ્નિપાત્રો લો+ ૭ અને આવતી કાલે સવારે યહોવા આગળ એમાં અગ્નિ મૂકો અને એના પર ધૂપ મૂકો. યહોવા જે માણસને પસંદ કરશે,+ એ પવિત્ર ઠરશે. હે લેવીના દીકરાઓ,+ તમે તો હદ કરી દીધી છે!”
૮ પછી મૂસાએ કોરાહને કહ્યું: “લેવીના દીકરાઓ, મારું સાંભળો. ૯ ઇઝરાયેલના ઈશ્વરે તમને ઇઝરાયેલીઓ મધ્યેથી અલગ કર્યા છે+ અને યહોવાના મંડપ આગળ સેવા કરવા તમને નજીક બોલાવ્યા છે. તેમણે તમને બધા ઇઝરાયેલીઓની સેવા કરવા પણ ઊભા કર્યા છે.+ તો શું તમારા માટે એ નાનીસૂની વાત છે? ૧૦ ઈશ્વરે તને અને તારા ભાઈઓને, એટલે કે લેવીના દીકરાઓને પોતાની નજીક બોલાવ્યા છે, શું એ નજીવી વાત છે? હવે શું તમે યાજકપદ પણ છીનવી લેવા માંગો છો?+ ૧૧ એ જ કારણે, તું અને તારા સાથીઓ ભેગા મળીને યહોવાની વિરુદ્ધ થયા છો. અને હારુન કોણ કે તમે તેની વિરુદ્ધ કચકચ કરો છો?”+
૧૨ પછી મૂસાએ અલીઆબના દીકરાઓ દાથાન અને અબીરામને+ બોલાવ્યા. પણ તેઓએ કહ્યું: “અમે નહિ આવીએ! ૧૩ અહીં વેરાન પ્રદેશમાં મારી નાખવા માટે+ તું અમને દૂધ-મધની રેલમછેલવાળા દેશમાંથી બહાર લઈ આવ્યો, શું એ પૂરતું નથી? હવે શું તું એકલો જ અમારા પર રાજ કરવા* માંગે છે? ૧૪ તું હજી સુધી અમને દૂધ-મધની રેલમછેલવાળા કોઈ દેશમાં લઈ ગયો નથી+ અથવા તેં અમને ખેતરો અને દ્રાક્ષાવાડીઓનો વારસો પણ આપ્યો નથી. અને શું તું એમ ચાહે છે કે લોકો આંધળાની જેમ તારી પાછળ પાછળ ચાલે?* અમે તારી પાસે નથી આવવાના!”
૧૫ એ સાંભળીને મૂસા ખૂબ ગુસ્સે ભરાયો. તેણે યહોવાને કહ્યું: “તેઓનાં અનાજ-અર્પણ સ્વીકારશો નહિ. મેં તેઓનું એક પણ ગધેડું લીધું નથી કે પછી તેઓમાંના એક પણ માણસને નુકસાન પહોંચાડ્યું નથી.”+
૧૬ પછી મૂસાએ કોરાહને કહ્યું: “આવતી કાલે તું અને તારા સાથીઓ યહોવા આગળ હાજર થાઓ. તું, તારા સાથીઓ અને હારુન તમે બધા હાજર થાઓ. ૧૭ તમે દરેક પોતપોતાનું અગ્નિપાત્ર લો અને એમાં ધૂપ મૂકો. પછી યહોવા સામે ૨૫૦ પુરુષો પોતપોતાનું અગ્નિપાત્ર રજૂ કરે. તું અને હારુન પણ પોતપોતાનું અગ્નિપાત્ર લો.” ૧૮ તેથી એ દરેકે પોતપોતાનું અગ્નિપાત્ર લીધું, એમાં અગ્નિ લીધો અને એના પર ધૂપ મૂક્યો. પછી મૂસા અને હારુન સાથે તેઓ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ઊભા રહ્યા. ૧૯ કોરાહે પોતાના સાથીઓને+ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ મૂસા અને હારુન વિરુદ્ધ ભેગા કર્યા ત્યારે, આખા મંડળ આગળ યહોવાનું ગૌરવ પ્રગટ થયું.+
૨૦ પછી યહોવાએ મૂસા અને હારુનને કહ્યું: ૨૧ “એ ટોળામાંથી તમે પોતાને અલગ કરો, જેથી એક પળમાં હું તેઓનો વિનાશ કરી નાખું.”+ ૨૨ ત્યારે તેઓએ પોતાનાં માથાં જમીન સુધી નમાવ્યાં અને કહ્યું: “હે ઈશ્વર, બધા લોકોને જીવન* આપનાર ઈશ્વર,+ શું એક માણસના પાપને લીધે તમે આખા મંડળ પર ગુસ્સે ભરાશો?”+
૨૩ યહોવાએ મૂસાને કહ્યું: ૨૪ “ઇઝરાયેલીઓને કહે, ‘કોરાહ, દાથાન અને અબીરામના+ તંબુ પાસેથી દૂર જતા રહો!’”
૨૫ મૂસા પછી દાથાન અને અબીરામ પાસે ગયો. ઇઝરાયેલના વડીલો+ પણ મૂસા સાથે ગયા. ૨૬ મૂસાએ ઇઝરાયેલીઓને કહ્યું: “આ દુષ્ટ માણસોના તંબુ પાસેથી દૂર ખસી જાઓ અને તેઓની એક પણ વસ્તુને અડકશો નહિ. નહિતર, તેઓનાં પાપને લીધે તમારો પણ નાશ થઈ જશે.” ૨૭ તેઓ તરત જ કોરાહ, દાથાન અને અબીરામના તંબુની ચારે બાજુથી દૂર ખસી ગયા. પછી દાથાન અને અબીરામ પોતપોતાની પત્નીઓ, દીકરાઓ અને તેઓનાં નાનાં બાળકો સાથે તંબુમાંથી બહાર નીકળીને એના બારણે ઊભા રહ્યા.
૨૮ પછી મૂસાએ કહ્યું: “આજે તમે જાણશો કે, આ બધું હું મારી મરજીથી* નથી કરતો, પણ એ કરવા યહોવાએ મને મોકલ્યો છે. ૨૯ જો આ માણસો બીજા માણસોની જેમ જ કુદરતી રીતે મરે અને તેઓને એ જ સજા મળે જે બીજા મનુષ્યોને મળે છે, તો જાણજો કે યહોવાએ મને નથી મોકલ્યો.+ ૩૦ પણ જો યહોવા કંઈક આશ્ચર્યજનક કામ કરે અને ધરતી પોતાનું મોં ઉઘાડીને તેઓને અને તેઓની બધી વસ્તુઓને ગળી જાય અને તેઓ પોતે જીવતેજીવ કબરમાં* ઊતરી જાય, તો તમે ચોક્કસ જાણજો કે આ પુરુષોએ યહોવાનું અપમાન કર્યું છે.”
૩૧ મૂસાએ બોલવાનું પૂરું કર્યું કે તરત જ એ માણસોના પગ નીચે ધરતી ફાટી ગઈ.+ ૩૨ ધરતી પોતાનું મોં ઉઘાડીને તેઓને, તેઓનાં કુટુંબોને, કોરાહનાં કુટુંબોને+ અને તેઓની બધી માલ-મિલકતને ગળી ગઈ. ૩૩ તેઓ અને તેઓની સાથેના લોકો જીવતેજીવ કબરમાં* ઊતરી ગયાં અને ધરતીએ તેઓને ઢાંકી દીધાં. આમ સમાજમાંથી* તેઓનું નામનિશાન ભૂંસાઈ ગયું.+ ૩૪ તેઓની ચીસો સાંભળીને આજુબાજુ ઊભેલા ઇઝરાયેલીઓ નાસી છૂટ્યા. તેઓ કહેવા લાગ્યા: “અમને ડર છે કે, ધરતી અમને પણ ગળી જશે!” ૩૫ પછી યહોવા પાસેથી અગ્નિ આવ્યો+ અને ધૂપ ચઢાવતા ૨૫૦ પુરુષોને ભરખી ગયો.+
૩૬ યહોવાએ મૂસાને કહ્યું: ૩૭ “હારુન યાજકના દીકરા એલઆઝારને કહે કે અગ્નિમાંથી અગ્નિપાત્રો લઈ લે,+ કેમ કે એ પવિત્ર છે. તેને એમ પણ કહે કે, તે અંગારાને કોઈ દૂર જગ્યાએ આમતેમ વિખેરી નાખે. ૩૮ જે પુરુષોએ પાપ કરીને પોતાનો જીવ ગુમાવ્યો હતો,* તેઓનાં અગ્નિપાત્રોમાંથી ધાતુનાં પતરાં બનાવ અને એનાથી વેદીને મઢ.+ તેઓએ એ અગ્નિપાત્રો યહોવા આગળ રજૂ કર્યાં હતાં, એટલે એ પવિત્ર છે. એ ઇઝરાયેલીઓ માટે નિશાની થશે.”+ ૩૯ જે માણસો અગ્નિથી ભસ્મ થઈ ગયા હતા, તેઓએ રજૂ કરેલાં તાંબાનાં અગ્નિપાત્રો એલઆઝાર યાજકે લીધાં અને એને ટીપીને એનાથી વેદી મઢી. ૪૦ એ ઇઝરાયેલીઓને યાદ અપાવતું કે, હારુનનો વંશજ ન હોય એવો કોઈ પણ અજાણ્યો માણસ યહોવા આગળ ધૂપ ચઢાવવા ન આવે+ અને કોઈ પણ માણસ કોરાહ અને તેના સાથીઓ જેવો ન બને.+ યહોવાએ મૂસા દ્વારા જે કહ્યું હતું એ પ્રમાણે જ એલઆઝારે કર્યું.
૪૧ બીજે જ દિવસે, બધા ઇઝરાયેલીઓ મૂસા અને હારુન વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા.+ તેઓ કહેવા લાગ્યા: “તમે બંનેએ યહોવાના લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે.” ૪૨ બધા ઇઝરાયેલીઓ મૂસા અને હારુન વિરુદ્ધ ભેગા થયા ત્યારે, તેઓએ મુલાકાતમંડપ તરફ જોયું અને જુઓ! વાદળ એના પર છવાઈ ગયું હતું અને યહોવાનું ગૌરવ પ્રગટ થવા લાગ્યું હતું.+
૪૩ મૂસા અને હારુન મુલાકાતમંડપ આગળ ગયા.+ ૪૪ યહોવાએ મૂસાને કહ્યું: ૪૫ “તમે બંને એ ટોળામાંથી પોતાને અલગ કરો, જેથી એક પળમાં હું તેઓનો વિનાશ કરી નાખું.”+ ત્યારે તેઓએ પોતાનાં માથાં જમીન સુધી નમાવ્યાં.+ ૪૬ મૂસાએ હારુનને કહ્યું: “અગ્નિપાત્ર લે અને વેદીમાંથી અગ્નિ લઈને એમાં મૂક+ અને એના પર ધૂપ મૂક. જલદી જ ટોળામાં જા અને તેઓ માટે પ્રાયશ્ચિત્ત કર,+ કેમ કે યહોવાનો ક્રોધ ભભૂકી ઊઠ્યો છે. જો! રોગચાળો શરૂ થઈ ગયો છે!” ૪૭ મૂસાના કહ્યા પ્રમાણે તરત જ હારુને અગ્નિપાત્ર લીધું અને લોકો વચ્ચે દોડી ગયો. અને જુઓ! લોકો પર આફત શરૂ થઈ ગઈ હતી. તેથી તેણે અગ્નિપાત્રમાં ધૂપ મૂક્યો અને લોકો માટે પ્રાયશ્ચિત્ત કરવા લાગ્યો. ૪૮ તે મરેલાઓ અને જીવતાઓની વચ્ચે ઊભો રહ્યો અને ધીરે ધીરે રોગચાળો બંધ થયો. ૪૯ કોરાહને લીધે મરણ પામ્યા હતા એ ઉપરાંત આ રોગચાળાને લીધે ૧૪,૭૦૦ લોકો મરી ગયા. ૫૦ રોગચાળો બંધ થઈ ગયો પછી, હારુન મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ મૂસા પાસે પાછો આવ્યો.