યોહાનનો બીજો પત્ર
૧ પસંદ કરેલી બહેન,* હું એક વડીલ* તરીકે તને અને તારાં બાળકોને આ પત્ર લખું છું. હું તમને બધાને ખૂબ ચાહું છું. ફક્ત હું જ નહિ, પણ સત્ય જાણનાર બધા લોકો પણ તમને ખૂબ ચાહે છે. ૨ સત્યને લીધે અમે તમને પ્રેમ કરીએ છીએ અને સત્ય આપણામાં હંમેશાં રહેશે. ૩ ઈશ્વર આપણા પિતા પાસેથી અને તેમના દીકરા ઈસુ ખ્રિસ્ત* પાસેથી આપણને અપાર કૃપા,* દયા અને શાંતિ મળશે અને સત્ય તથા પ્રેમ પણ મળશે.
૪ મને એ જાણીને ઘણી ખુશી થાય છે કે તારાં અમુક બાળકો સત્યના માર્ગે ચાલે છે,+ જેમ પિતા પાસેથી આપણને આજ્ઞા મળી હતી. ૫ વહાલી બહેન, હું તને આ આજ્ઞા માનવા વિનંતી કરું છું કે આપણે એકબીજા પર પ્રેમ રાખીએ. હું તને કોઈ નવી આજ્ઞા નહિ, પણ શરૂઆતથી આપણી પાસે હતી એ આજ્ઞા લખું છું.+ ૬ પ્રેમનો અર્થ એ છે કે આપણે પિતાની આજ્ઞાઓ પ્રમાણે ચાલતા રહીએ.+ તમે બધાએ શરૂઆતથી આ આજ્ઞા સાંભળી હતી: હંમેશાં પ્રેમ બતાવો. ૭ કેમ કે દુનિયામાં ઘણા છેતરનારા લોકો ઊભા થયા છે,+ જેઓ કબૂલ કરતા નથી કે ઈસુ મનુષ્ય તરીકે આવ્યા હતા.+ જે કોઈ એવું કરે છે, તે છેતરનાર અને ખ્રિસ્ત-વિરોધી* છે.+
૮ તમે સાવધ રહો, જેથી જે મેળવવા અમે મહેનત કરી છે એ તમે ગુમાવી ન દો, પણ તમે પૂરેપૂરું ઇનામ મેળવો.+ ૯ જે કોઈ ખ્રિસ્તના શિક્ષણની હદ બહાર જાય છે અને એ પ્રમાણે ચાલતો નથી, તે ઈશ્વર સાથે એકતામાં નથી.+ જે કોઈ એ શિક્ષણ પ્રમાણે ચાલે છે, તે પિતા અને દીકરા સાથે એકતામાં છે.+ ૧૦ જો કોઈ તમારી પાસે આવે, પણ આ શિક્ષણ પ્રમાણે ન શીખવે, તો તેને તમારા ઘરમાં આવકારશો નહિ+ કે તેને સલામ કહેશો નહિ. ૧૧ કેમ કે જે કોઈ તેને સલામ કહે છે, તે તેનાં દુષ્ટ કામોમાં ભાગીદાર છે.
૧૨ ખરું કે મારે તમને ઘણું લખવું છે, પણ હું એ કાગળ અને શાહીથી લખવા માંગતો નથી. પણ હું આશા રાખું છું કે તમારી પાસે આવું અને મોઢામોઢ વાત કરું, જેથી તમારી ખુશીમાં ઘણો વધારો થાય.
૧૩ પસંદ થયેલી તારી બહેનનાં બાળકો તને સલામ મોકલે છે.