ફિલિપીઓને પત્ર
૩ છેવટે મારા ભાઈઓ, ઈશ્વરની સેવામાં આનંદ કરો.+ તમને એકની એક વાત લખતાં મને કંટાળો આવતો નથી અને એ તમારા ભલા* માટે છે.
૨ કૂતરા જેવા લોકોથી* સાવધ રહો. નુકસાન પહોંચાડતા લોકોથી સાવધ રહો. સુન્નતનો* આગ્રહ કરતા લોકોથી સાવધ રહો.+ ૩ કેમ કે આપણી સુન્નત તો સાચી છે.+ આપણે ઈશ્વરની શક્તિથી તેમની સેવા કરીએ છીએ. આપણે પોતાની લાયકાતો* પર નહિ, પણ ખ્રિસ્ત ઈસુ પર ભરોસો રાખીએ છીએ.+ ૪ બીજા લોકો કરતાં મારી પાસે તો પોતાની લાયકાતો* પર ભરોસો રાખવાનાં વધારે કારણો છે.
જો કોઈને લાગતું હોય કે તે લાયક છે, તો મારી પાસે પોતાને લાયક ગણવાનાં અનેક કારણો છે: ૫ આઠમા દિવસે મારી સુન્નત થઈ હતી.+ હું ઇઝરાયેલી પ્રજાનો અને બિન્યામીન કુળનો છું. હું હિબ્રૂ માબાપથી જન્મેલો હિબ્રૂ છું.+ એક ફરોશી* તરીકે હું ચુસ્ત રીતે નિયમશાસ્ત્ર* પાળતો હતો.+ ૬ ઝનૂની બનીને હું મંડળની સતાવણી કરતો હતો.+ નિયમશાસ્ત્ર પ્રમાણે હંમેશાં ખરાં કામ કરીને મેં પોતાને નિર્દોષ સાબિત કર્યો. ૭ તોપણ જે વાતોથી મને ફાયદો થતો હતો, એને મેં ખ્રિસ્તને લીધે નકામી ગણી છે.*+ ૮ હકીકતમાં, મારા માલિક ખ્રિસ્ત ઈસુના અનમોલ જ્ઞાનની સરખામણીમાં હું બધી વસ્તુઓને નકામી ગણું છું. તેમના માટે મેં બધાનો ત્યાગ કર્યો છે અને એ બધાને હું કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને મેળવી શકું ૯ અને તેમની સાથે એકતામાં આવી શકું. નિયમશાસ્ત્ર પાળવાને લીધે નહિ, પણ ખ્રિસ્તમાં+ શ્રદ્ધા રાખવાને લીધે હું નેક ઠરું છું.+ ઈશ્વર મને મારી શ્રદ્ધાને આધારે નેક ગણે છે.+ ૧૦ મારી ઇચ્છા છે કે હું ખ્રિસ્તને અને તેમને મરણમાંથી જીવતા કરનારની* શક્તિને જાણું.+ હું ખ્રિસ્તનાં દુઃખોમાં ભાગીદાર થવા ચાહું છું.+ હું તો તેમની જેમ રિબાઈને મરવા પણ તૈયાર છું,+ ૧૧ જેથી મરણમાંથી જેઓને પ્રથમ જીવતા કરવામાં આવે, તેઓમાં હું પણ હોઉં.+
૧૨ મને હજી એ ઇનામ મળ્યું નથી અને હું સંપૂર્ણ થયો નથી. પણ ખ્રિસ્ત ઈસુએ જેના માટે મને પસંદ કર્યો છે,+ એ કામ પૂરું કરવા હું મંડ્યો રહું છું.+ ૧૩ ભાઈઓ, મને નથી લાગતું કે એ ઇનામ મને મળી ગયું છે. પણ એક વાત ચોક્કસ છે, હું પાછળ છોડી દીધેલી વાતોને ભૂલીને+ આગળની વાતો મેળવવા દોડી રહ્યો છું.+ ૧૪ મારો ધ્યેય છે કે હું સ્વર્ગના આમંત્રણનું+ ઇનામ મેળવું,+ જે ખ્રિસ્ત ઈસુ દ્વારા ઈશ્વર આપે છે. એ ધ્યેય પૂરો કરવા હું તનતોડ મહેનત કરું છું. ૧૫ આપણામાંથી જેઓ શ્રદ્ધામાં મજબૂત છે,+ તેઓ એવું વલણ કેળવે. જો તમે જુદું વલણ રાખતા હો, તો ઈશ્વર તમને ખરું વલણ આપશે. ૧૬ આપણે જે હદે પ્રગતિ કરી છે, એ પ્રમાણે આપણે કરતા રહીએ.
૧૭ ભાઈઓ, તમે મારા પગલે ચાલો.+ અમે તમારા માટે જે દાખલો બેસાડ્યો છે, એ પ્રમાણે ચાલનાર લોકો પર તમે ધ્યાન આપો. ૧૮ ઘણા લોકો ખ્રિસ્ત અને તેમના વધસ્તંભના દુશ્મન હોય એ રીતે જીવે છે. મેં તેઓ વિશે વારંવાર જણાવ્યું હતું, પણ હવે હું તેઓ વિશે રડતાં રડતાં જણાવું છું. ૧૯ તેઓ વિનાશ તરફ જઈ રહ્યા છે. તેઓની ઇચ્છાઓ* તેઓનો દેવ છે. જે કામો પર તેઓને શરમ આવવી જોઈએ, એનું તેઓ અભિમાન કરે છે. તેઓનું મન દુનિયાની વાતોમાં જ ડૂબેલું રહે છે.+ ૨૦ પણ આપણી નાગરિકતા+ તો સ્વર્ગની છે.+ આપણે કાગડોળે રાહ જોઈએ છીએ કે સ્વર્ગમાંથી આપણા ઉદ્ધાર કરનાર, એટલે કે માલિક ઈસુ ખ્રિસ્ત આવે.+ ૨૧ તે જે મહાન શક્તિથી બધી વસ્તુઓ પોતાને આધીન કરે છે,+ એ જ શક્તિથી આપણા કમજોર શરીરને તેમના શરીર જેવું ભવ્ય બનાવશે.+