નિર્ગમન
૯ યહોવાએ મૂસાને કહ્યું: “રાજા પાસે જઈને તેને કહે, ‘હિબ્રૂઓના ઈશ્વર યહોવા કહે છે: “મારા લોકોને મારી સેવા કરવા જવા દે.+ ૨ જો તું તેઓને નહિ જવા દે અને રોકી રાખશે, ૩ તો યહોવા+ તારાં જાનવરો પર આફત લાવશે. તે તારાં ઘોડા, ગધેડાં, ઊંટો, ઢોરઢાંક અને ઘેટાં-બકરાં પર ભારે રોગચાળો લાવશે.+ ૪ પણ યહોવા ઇઝરાયેલનાં જાનવરો અને ઇજિપ્તનાં જાનવરો વચ્ચે ફરક રાખશે. ઇઝરાયેલનું એકેય જાનવર નહિ મરે.”’”+ ૫ યહોવાએ સમય નક્કી કર્યો અને કહ્યું: “યહોવા એ આફત આવતી કાલે આ દેશ પર લાવશે.”
૬ બીજા દિવસે યહોવાએ એમ જ કર્યું. ઇજિપ્તના લોકોના દરેક પ્રકારનાં જાનવરો મરવા લાગ્યાં,+ પણ ઇઝરાયેલીઓનું એકેય જાનવર મર્યું નહિ. ૭ રાજાએ તપાસ કરાવી અને તેને ખબર પડી કે ઇઝરાયેલીઓનું એકેય જાનવર મર્યું ન હતું. એ જોયા છતાં, રાજાનું દિલ હઠીલું રહ્યું અને તેણે લોકોને જવા દીધા નહિ.+
૮ યહોવાએ મૂસા અને હારુનને કહ્યું: “તમે ભઠ્ઠીમાંથી બંને મુઠ્ઠીઓ ભરીને રાખ લો. પછી મૂસા એ રાખને રાજા આગળ હવામાં ફેંકે. ૯ એ રાખ આખા ઇજિપ્તમાં ફેલાઈ જશે. એને લીધે બધાં માણસો અને પ્રાણીઓનાં શરીર પર ગૂમડાં થશે અને એમાંથી પરુ નીકળવા લાગશે.”
૧૦ તેથી મૂસા અને હારુન ભઠ્ઠીની રાખ લઈને રાજા આગળ ગયા. પછી મૂસાએ એને હવામાં ફેંકી અને બધાં માણસો અને પ્રાણીઓને ગૂમડાં ફૂટી નીકળ્યાં અને એમાંથી પરુ નીકળવા લાગ્યું. ૧૧ ઇજિપ્તના બધા લોકોને ગૂમડાં થયાં. જાદુગરો* પણ એનાથી બાકાત ન રહ્યા. ગૂમડાંને લીધે તેઓ મૂસા આગળ ઊભા રહી ન શક્યા.+ ૧૨ પણ યહોવાએ રાજાનું દિલ હઠીલું થવા દીધું. યહોવાએ મૂસાને કહ્યું હતું તેમ, તેણે મૂસા અને હારુનનું સાંભળ્યું નહિ.+
૧૩ પછી યહોવાએ મૂસાને કહ્યું: “સવારે વહેલા ઊઠીને રાજાને મળવા જજે. તેને કહેજે, ‘હિબ્રૂઓના ઈશ્વર યહોવા કહે છે: “મારા લોકોને મારી સેવા કરવા જવા દે. ૧૪ પણ જો તું એમ નહિ કરે, તો હવેથી હું બધી આફતો તારા પર, તારા સેવકો પર અને તારા લોકો પર લાવીશ. એ પરથી તું જાણીશ કે, આખી પૃથ્વી પર મારા જેવું બીજું કોઈ નથી.+ ૧૫ જો મેં ચાહ્યું હોત, તો અત્યાર સુધીમાં તારા પર અને તારા લોકો પર હું જીવલેણ બીમારી લાવ્યો હોત અને તારું નામનિશાન પૃથ્વી પરથી મિટાવી દીધું હોત. ૧૬ પણ તને હમણાં સુધી જીવતો રાખવાનું કારણ એ છે કે, તું મારું સામર્થ્ય જુએ અને મારું નામ આખી પૃથ્વી પર જાહેર થાય.+ ૧૭ શું તારું ઘમંડ હજી ઊતર્યું નથી? શું તું હજી હઠ પકડીને બેઠો છે કે મારા લોકોને નહિ જવા દે? ૧૮ હવે જો, હું શું કરીશ! આવતી કાલે આશરે આ સમયે હું ભારે કરાનો વરસાદ લાવીશ. એવા કરા આજ સુધી ઇજિપ્ત દેશમાં પડ્યા નથી. ૧૯ તેથી સંદેશો મોકલીને તારાં બધાં જાનવરો અને લોકોને છાપરાં નીચે બોલાવી લે અને બધી ચીજવસ્તુઓને પણ મંગાવી લે. કરા પડશે ત્યારે, જો કોઈ માણસ કે પ્રાણી બહાર હશે અને છાપરા નીચે નહિ આવ્યું હોય, તો કરા નીચે દબાઈને એ મરી જશે.”’”
૨૦ રાજાના જે સેવકોએ યહોવાના શબ્દો પર ભરોસો કર્યો,* તેઓ ફટાફટ પોતાનાં ચાકરો અને જાનવરોને છાપરાં નીચે લઈ આવ્યા. ૨૧ પણ અમુકે યહોવાના શબ્દો એક કાનેથી સાંભળીને બીજે કાને કાઢી નાખ્યા. તેઓએ પોતાનાં ચાકરો અને જાનવરોને બહાર જ રહેવા દીધાં.
૨૨ યહોવાએ મૂસાને કહ્યું: “તારો હાથ આકાશ તરફ લંબાવ, જેથી આખા ઇજિપ્તમાં માણસો, પ્રાણીઓ અને વનસ્પતિ પર કરા વરસે.”+ ૨૩ મૂસાએ પોતાની લાકડી આકાશ તરફ લંબાવી અને યહોવાએ વાદળના ગડગડાટ સાથે કરા અને અગ્નિ* વરસાવ્યા. યહોવાએ આખા ઇજિપ્ત દેશ પર કરાનો વરસાદ વરસાવ્યો. ૨૪ ભારે કરાની સાથે સાથે અગ્નિના ચમકારા પણ થતા હતા. એવા ભારે કરા ઇજિપ્ત દેશમાં ક્યારેય પડ્યા ન હતા.+ ૨૫ ઇજિપ્તમાં માણસો, જાનવરો અને જે કંઈ બહાર હતું એ બધાનો કરાથી નાશ થઈ ગયો. જમીન પરની બધી વનસ્પતિ અને બધાં વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયાં.+ ૨૬ ફક્ત ગોશેન પ્રદેશ, જ્યાં ઇઝરાયેલીઓ રહેતા હતા, ત્યાં કરા ન પડ્યા.+
૨૭ રાજાએ મૂસા અને હારુનને બોલાવીને કહ્યું: “હવે હું કબૂલ કરું છું કે, મેં પાપ કર્યું છે. યહોવા સાચા* છે. વાંક મારો અને મારા લોકોનો જ છે. ૨૮ યહોવાને વિનંતી કરો કે, તે આ વાદળનો ગડગડાટ અને કરા બંધ કરે. પછી હું તમને નહિ રોકું, તમને ખુશી ખુશી જવા દઈશ.” ૨૯ મૂસાએ રાજાને કહ્યું: “હું હમણાં જ શહેરની બહાર જઈશ અને મારા હાથ ફેલાવીને યહોવાને વિનંતી કરીશ. પછી વાદળનો ગડગડાટ અને કરાનો વરસાદ બંધ થઈ જશે. એ પરથી તમે જાણશો કે, આખી દુનિયાના માલિક યહોવા છે.+ ૩૦ પણ મને પૂરી ખાતરી છે કે, એ પછી પણ તમે અને તમારા સેવકો યહોવા ઈશ્વરનો ડર નહિ રાખો.”
૩૧ હવે અળસી અને જવનો પાક નષ્ટ થઈ ગયો હતો, કેમ કે જવને ડૂંડાં આવ્યાં હતાં અને અળસીને કળીઓ ફૂટી હતી. ૩૨ પણ ઘઉંને* નુકસાન થયું ન હતું, કેમ કે એનો પાક થવાને હજી વાર હતી. ૩૩ રાજા પાસેથી નીકળીને મૂસા શહેરની બહાર ગયો. પછી તેણે હાથ ફેલાવીને યહોવાને વિનંતી કરી. એટલે ગડગડાટ, કરા અને વરસાદ બંધ થયા.+ ૩૪ રાજાએ જોયું કે વરસાદ, ગડગડાટ અને કરા બંધ થયા છે ત્યારે, તેણે પોતાનું દિલ હઠીલું કરીને+ ફરી પાપ કર્યું. તેના સેવકોએ પણ એમ જ કર્યું. ૩૫ રાજાનું દિલ હઠીલું જ રહ્યું. યહોવાએ મૂસા દ્વારા કહ્યું હતું તેમ, તેણે ઇઝરાયેલીઓને જવા દીધા નહિ.+