ગણના
૧૦ પછી યહોવાએ મૂસાને કહ્યું: ૨ “તું ચાંદીને હથોડીથી ટીપીને પોતાના માટે બે રણશિંગડાં* બનાવ.+ લોકોને ભેગા કરવા અને છાવણી ઉઠાવવા સંકેત આપવો હોય ત્યારે એનો ઉપયોગ કર. ૩ જ્યારે બંને રણશિંગડાં વગાડવામાં આવે, ત્યારે બધા લોકો મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તારી સામે હાજર થાય.+ ૪ જો એક જ રણશિંગડું વગાડવામાં આવે, તો ફક્ત મુખીઓ, એટલે કે ઇઝરાયેલના હજારો લોકોથી બનેલા સમૂહના વડા તારી સામે ભેગા થાય.+
૫ “જ્યારે તમે ઊંચા-નીચા સૂરમાં રણશિંગડાં વગાડો, ત્યારે પૂર્વ બાજુની છાવણીઓ+ આગળ વધે. ૬ જ્યારે તમે બીજી વાર ઊંચા-નીચા સૂરમાં રણશિંગડાં વગાડો, ત્યારે દક્ષિણ બાજુની છાવણીઓ+ આગળ વધે. છાવણી ઉઠાવવા માટે તેઓ દરેક વખતે એ રીતે ઊંચા-નીચા સૂરમાં રણશિંગડાં વગાડે.
૭ “જ્યારે બધા લોકોને* એકસાથે બોલાવવાના હોય, ત્યારે તમે રણશિંગડાં વગાડો,+ પણ ઊંચા-નીચા સૂરમાં નહિ. ૮ હારુનના દીકરાઓ, એટલે કે યાજકો રણશિંગડાં વગાડે.+ રણશિંગડાંના ઉપયોગ વિશે એ નિયમ તમને અને તમારી પેઢીઓને હંમેશ માટે લાગુ પડે છે.
૯ “જો તમારા પર જુલમ કરનાર કોઈ દુશ્મન તમારા દેશ પર ચઢી આવે, તો તમે યુદ્ધનો સંકેત આપવા રણશિંગડાં વગાડો.+ એમ કરવાથી, તમારા ઈશ્વર યહોવા તમારા પર ધ્યાન આપશે અને દુશ્મનોના પંજામાંથી તમને છોડાવશે.
૧૦ “તમે આનંદના પ્રસંગોએ+ પણ રણશિંગડાં વગાડો. તહેવારોના સમયે+ અને મહિનાની શરૂઆતમાં જ્યારે તમે અગ્નિ-અર્પણો+ અને શાંતિ-અર્પણો+ ચઢાવો, ત્યારે પણ રણશિંગડાં વગાડો. એનાથી તમારા ઈશ્વર તમારા પર ધ્યાન આપશે. હું યહોવા તમારો ઈશ્વર છું.”+
૧૧ હવે બીજા વર્ષના બીજા મહિનાના ૨૦મા દિવસે,+ સાક્ષીકોશના મંડપ પરથી વાદળ ઊઠ્યું.+ ૧૨ તેથી ઇઝરાયેલીઓએ સિનાઈના વેરાન પ્રદેશમાંથી છાવણી ઉઠાવી અને પોતપોતાના ક્રમ પ્રમાણે ત્યાંથી ચાલી નીકળ્યા.+ વાદળ પારાનના વેરાન પ્રદેશમાં+ જઈને થોભ્યું. ૧૩ આ રીતે યહોવાએ મૂસાને આપેલા હુકમ પ્રમાણે+ ઇઝરાયેલીઓ પહેલી વખત નીકળ્યા.
૧૪ ત્રણ કુળનો બનેલો પહેલો સમૂહ પોતપોતાની ટુકડી* પ્રમાણે સૌથી પહેલા નીકળ્યો, જેની આગેવાની યહૂદાના દીકરાઓ લેતા હતા. એ સમૂહનો આગેવાન અમિનાદાબનો દીકરો નાહશોન હતો.+ ૧૫ ઇસ્સાખાર કુળનો આગેવાન સૂઆરનો દીકરો નથાનએલ હતો.+ ૧૬ ઝબુલોન કુળનો આગેવાન હેલોનનો દીકરો અલીઆબ હતો.+
૧૭ મંડપના ભાગો છૂટા કરવામાં આવ્યા ત્યારે,+ ગેર્શોનના દીકરાઓ+ અને મરારીના દીકરાઓ+ મંડપ ઊંચકીને આગળ વધ્યા.
૧૮ પછી ત્રણ કુળનો બનેલો બીજો સમૂહ પોતપોતાની ટુકડી પ્રમાણે નીકળ્યો, જેની આગેવાની રૂબેન કુળ લેતું હતું. એ સમૂહનો આગેવાન શદેઉરનો દીકરો અલીસૂર હતો.+ ૧૯ શિમયોન કુળનો આગેવાન સૂરીશાદ્દાયનો દીકરો શલુમીએલ હતો.+ ૨૦ ગાદ કુળનો આગેવાન દેઉએલનો દીકરો એલ્યાસાફ હતો.+
૨૧ ત્યાર બાદ, કહાથીઓ પવિત્ર જગ્યાની વસ્તુઓ ઊંચકીને નીકળ્યા.+ તેઓ ઠરાવેલી જગ્યાએ પહોંચે એ પહેલાં મંડપ ઊભો કરવામાં આવતો હતો.
૨૨ પછી ત્રણ કુળનો બનેલો ત્રીજો સમૂહ પોતપોતાની ટુકડી પ્રમાણે નીકળ્યો, જેની આગેવાની એફ્રાઈમના દીકરાઓ લેતા હતા. એ સમૂહનો આગેવાન આમ્મીહૂદનો દીકરો અલિશામા હતો.+ ૨૩ મનાશ્શા કુળનો આગેવાન પદાહસૂરનો દીકરો ગમાલિયેલ હતો.+ ૨૪ બિન્યામીન કુળનો આગેવાન ગિદિયોનીનો દીકરો અબીદાન હતો.+
૨૫ પછી ત્રણ કુળનો બનેલો ચોથો સમૂહ પોતપોતાની ટુકડી પ્રમાણે નીકળ્યો, જેની આગેવાની દાન કુળ લેતું હતું. એ સમૂહ બાકીના બધા કુળનું રક્ષણ કરવા સૌથી છેલ્લે ચાલતો હતો, જેથી પાછળથી કોઈ હુમલો ન કરે. એ સમૂહનો આગેવાન આમ્મીશાદ્દાયનો દીકરો અહીએઝેર હતો.+ ૨૬ આશેર કુળનો આગેવાન ઓક્રાનનો દીકરો પાગીએલ હતો.+ ૨૭ નફતાલી કુળનો આગેવાન એનાનનો દીકરો અહીરા હતો.+ ૨૮ જ્યારે પણ ઇઝરાયેલીઓ પોતપોતાની ટુકડી પ્રમાણે નીકળતા, ત્યારે તેઓ એ ક્રમમાં નીકળતા.+
૨૯ પછી મૂસાએ પોતાના સસરા મિદ્યાની રેઉએલના*+ દીકરા હોબાબને કહ્યું: “અમે એ જગ્યાએ જઈ રહ્યા છીએ, જેના વિશે યહોવાએ કહ્યું છે, ‘હું એ તમને આપીશ.’+ તું પણ અમારી સાથે ચાલ.+ અમે તારું ભલું કરીશું, કેમ કે યહોવાએ ઇઝરાયેલીઓને ઉત્તમ બાબતો આપવાનું વચન આપ્યું છે.”+ ૩૦ પણ તેણે મૂસાને કહ્યું: “ના, હું તમારી સાથે નહિ આવું. હું તો મારા દેશ અને મારાં સગાઓ પાસે પાછો જઈશ.” ૩૧ ત્યારે મૂસાએ કહ્યું: “કૃપા કરીને અમને છોડીને ન જા, કેમ કે વેરાન પ્રદેશમાં અમારે ક્યાં મુકામ કરવો એ તું સારી રીતે જાણે છે અને તું અમને માર્ગદર્શન આપી શકે છે.* ૩૨ જો તું અમારી સાથે આવીશ,+ તો યહોવા અમને જે આશીર્વાદો આપશે, એમાં અમે તને પણ ભાગ આપીશું.”
૩૩ તેથી તેઓએ યહોવાના પર્વતથી+ શરૂઆત કરી અને ત્રણ દિવસ જેટલી મુસાફરી કરી. એ ત્રણ દિવસની મુસાફરીમાં યહોવાનો કરારકોશ+ ઇઝરાયેલીઓની આગળ આગળ રહ્યો, જેથી તેઓ માટે આરામ કરવાની જગ્યા શોધી શકે.+ ૩૪ જ્યારે પણ તેઓ પોતાની છાવણી ઉઠાવીને ચાલતા, ત્યારે દિવસે યહોવાનું વાદળ+ તેઓ પર રહેતું.
૩૫ જ્યારે પણ કરારકોશ ઊંચકવામાં આવતો, ત્યારે મૂસા કહેતો: “હે યહોવા, ઊઠો.+ તમારા દુશ્મનોને વેરવિખેર કરી નાખો અને તમને નફરત કરનારાઓને તમારી આગળથી ભગાડી મૂકો.” ૩૬ જ્યારે કરારકોશ નીચે મૂકવામાં આવતો, ત્યારે મૂસા કહેતો: “હે યહોવા, પાછા આવો. લાખો ને લાખો* ઇઝરાયેલીઓ પાસે પાછા આવો.”+