આમોસ
૪ “હે સમરૂનના પર્વત પર રહેનારી સ્ત્રીઓ,+ મારો સંદેશો સાંભળો.
તમે બાશાનની ગાયો જેવી છો.
તમે દીન-દુખિયાને છેતરો છો+ અને ગરીબને કચડી નાખો છો.
તમે પોતાના પતિઓને* કહો છો, ‘અમને દારૂ આપો!’
૨ વિશ્વના માલિક યહોવા પોતાની પવિત્રતાના સમ ખાઈને કહે છે,
‘“જુઓ! એવા દિવસો આવી રહ્યા છે જ્યારે તમને કસાઈના આંકડાથી ઊંચકવામાં આવશે
અને બાકી રહેલી સ્ત્રીઓને માછીમારના ગલથી ઊંચકવામાં આવશે.
૩ દીવાલનાં બાકોરાંમાંથી તમે દરેક સીધેસીધી નીકળી જશો,
તમને હાર્મોનમાં તગેડી મૂકવામાં આવશે,” એવું યહોવા કહે છે.’
ગિલ્ગાલ આવો અને વધારે અપરાધ કરો!+
સવારે તમારું અર્પણ લાવો,+
અને ત્રીજા દિવસે તમારો દસમો ભાગ*+ લાવો.
૫ ખમીરવાળી* રોટલીનું આભાર-અર્પણ* બાળો,+
તમારાં સ્વેચ્છા-અર્પણોનો* ઢંઢેરો પીટો,
કેમ કે, હે ઇઝરાયેલના લોકો, એવું કરવું તમને બહુ ગમે છે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.
૬ ‘મેં તમારાં બધાં શહેરો પર અન્નનો દુકાળ મોકલ્યો,*
તમારાં ઘરોમાં ખોરાકની અછત ઊભી કરી,+
તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ,’+ એવું યહોવા કહે છે.
૭ ‘કાપણીના ત્રણ મહિના પહેલાં મેં વરસાદ અટકાવી દીધો,+
મેં એક શહેર પર વરસાદ વરસાવ્યો, પણ બીજા શહેર પર નહિ.
જમીનના એક ભાગ પર વરસાદ પડતો, પણ બીજો ભાગ વરસાદ વગર સુકાઈ જતો.
૮ બે ત્રણ શહેરના લોકો લથડિયાં ખાતાં ખાતાં એક શહેરમાં પાણી પીવા ગયા,+
પણ તેઓની તરસ છિપાઈ નહિ,
તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ,’+ એવું યહોવા કહે છે.
૯ ‘મેં ધગધગતા તાપ અને ફૂગથી તમારી પેદાશનો નાશ કર્યો.+
તમે તમારાં બગીચાઓ અને દ્રાક્ષાવાડીઓમાં વધારો કર્યો,
પણ તીડો આવીને તમારી અંજીરીઓ અને તમારાં જૈતૂનનાં વૃક્ષો ખાઈ ગયાં,+
તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ,’+ એવું યહોવા કહે છે.
૧૦ ‘ઇજિપ્ત પર મોકલી હતી એવી આફત મેં તમારા પર મોકલી.+
મેં તમારા યુવાનોને તલવારે મારી નાખ્યા+ અને તમારા ઘોડાઓને કબજે કરી લીધા.+
મેં તમારી છાવણીઓમાં લાશોની ગંધ ફેલાવી દીધી,+
તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ,’ એવું યહોવા કહે છે.
૧૧ ‘જેમ મેં સદોમ અને ગમોરાહનો વિનાશ કર્યો હતો,+
તેમ તમારા દેશનો પણ વિનાશ કર્યો.
તમે આગમાંથી ખેંચી કાઢેલાં લાકડાં જેવા હતા,
તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ,’+ એવું યહોવા કહે છે.
૧૨ ‘હે ઇઝરાયેલ, હું તને ફરી સજા કરીશ.
હે ઇઝરાયેલ, તારા ઈશ્વરને મળવા તૈયાર થઈ જા,
કેમ કે હું તારા પર સજા લાવવાનો છું.’
૧૩ જો! તે જ પર્વતોને બનાવનાર+ અને પવનને રચનાર છે,+
તે માણસોને પોતાના વિચારો જણાવે છે,
તે સવારના પ્રકાશને અંધકારમાં ફેરવી દે છે,+
તે પૃથ્વીની ઊંચી ઊંચી જગ્યાઓ પર ચાલે છે,+
તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે.”