પ્રેરિતોનાં કાર્યો
૧૫ હવે યહૂદિયાથી અમુક માણસો આવ્યા અને ભાઈઓને શીખવવા લાગ્યા કે, “જ્યાં સુધી તમે મૂસાના રિવાજ પ્રમાણે સુન્નત ન કરાવો,+ ત્યાં સુધી તમારો ઉદ્ધાર નહિ થાય.” ૨ એ વિશે પાઉલ અને બાર્નાબાસ સાથે તેઓની ઉગ્ર ચર્ચા થઈ અને ઘણો વાદવિવાદ થયો. એટલે એવી ગોઠવણ કરવામાં આવી કે પાઉલ, બાર્નાબાસ અને બીજા અમુક ભાઈઓ યરૂશાલેમ જઈને આ મુદ્દો* પ્રેરિતો અને વડીલો આગળ રજૂ કરે.+
૩ મંડળ તેઓને થોડે સુધી મૂકવા આવ્યું પછી, તેઓ ફિનીકિયા અને સમરૂન થઈને ગયા. તેઓએ એ વિસ્તારોના ભાઈઓને વિગતવાર જણાવ્યું કે કઈ રીતે બીજી પ્રજાના લોકો ઈશ્વરની ભક્તિ કરવા લાગ્યા છે. એ સાંભળીને બધા ભાઈઓ ઘણા ખુશ થઈ ગયા. ૪ તેઓ યરૂશાલેમ પહોંચ્યા ત્યારે મંડળે, પ્રેરિતોએ અને વડીલોએ તેઓનો પ્રેમથી આવકાર કર્યો. પાઉલે અને બાર્નાબાસે એ બધાં કામો વિશે જણાવ્યું, જે ઈશ્વરે તેઓ દ્વારા કર્યાં હતાં. ૫ પણ અમુક શિષ્યો જેઓ અગાઉ ફરોશી પંથના હતા, તેઓ પોતાની જગ્યાથી ઊભા થયા અને કહેવા લાગ્યા: “તેઓની સુન્નત થવી જરૂરી છે અને તેઓને મૂસાનું નિયમશાસ્ત્ર પાળવાની આજ્ઞા કરવી જોઈએ.”+
૬ એ મુદ્દાની ચર્ચા કરવા પ્રેરિતો અને વડીલો ભેગા મળ્યા. ૭ ઘણી ચર્ચા* થયા પછી પિતરે ઊભા થઈને કહ્યું: “ભાઈઓ, તમે સારી રીતે જાણો છો કે શરૂઆતના દિવસોમાં ઈશ્વરે તમારામાંથી મને પસંદ કર્યો, જેથી મારા દ્વારા બીજી પ્રજાના લોકો ખુશખબર સાંભળે અને શ્રદ્ધા બતાવે.+ ૮ હૃદય પારખનાર ઈશ્વરે+ આપણી જેમ એ લોકોને પણ પવિત્ર શક્તિ આપી છે. આમ તેમણે સાબિત કર્યું કે તેમણે તેઓને પસંદ કર્યા છે.+ ૯ તેમણે આપણી અને તેઓની વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યો નથી.+ પણ તેઓની શ્રદ્ધાને લીધે ઈશ્વરે તેઓનાં હૃદયો શુદ્ધ કર્યાં છે.+ ૧૦ તો તમે કેમ ઈશ્વરની કસોટી કરવા શિષ્યો પર ભારે બોજો* મૂકો છો?+ એ બોજો આપણા બાપદાદાઓ ઊંચકી શક્યા ન હતા અને આપણે પણ ઊંચકી શકતા નથી.+ ૧૧ આપણને ભરોસો છે કે માલિક ઈસુની અપાર કૃપા દ્વારા આપણી જેમ તેઓને પણ બચાવવામાં આવ્યા છે.”+
૧૨ એ સાંભળીને આખું ટોળું શાંત થઈ ગયું. પછી બાર્નાબાસ અને પાઉલે જણાવ્યું કે તેઓ દ્વારા બીજી પ્રજાના લોકોમાં ઈશ્વરે કેવાં ચમત્કારો અને અદ્ભુત કામો કર્યાં હતાં. ટોળાંએ ધ્યાન દઈને તેઓનું સાંભળ્યું. ૧૩ તેઓએ બોલવાનું પૂરું કર્યું એ પછી યાકૂબે કહ્યું: “ભાઈઓ, મારું સાંભળો. ૧૪ સિમઓને*+ વિગતવાર જણાવ્યું કે કઈ રીતે ઈશ્વરે પહેલી વાર બીજી પ્રજાઓ તરફ ધ્યાન આપ્યું, જેથી તેઓમાંથી એવા લોકોને બહાર કાઢી લાવે, જેઓ તેમના નામે ઓળખાય.+ ૧૫ પ્રબોધકોના શબ્દો પણ એ વાત સાથે સહમત થાય છે: ૧૬ ‘એ બન્યા પછી હું પાછો આવીશ અને દાઉદનો પડી ગયેલો મંડપ* ફરી ઊભો કરીશ, હું એનાં ખંડેર ફરી બાંધીશ અને એને ફરી સ્થાપીશ, ૧૭ જેથી બાકી રહેલા લોકો અને મારા નામે ઓળખાતી બીજી પ્રજાઓના લોકો પણ યહોવાની* પૂરા દિલથી સેવા કરે, એવું યહોવા* કહે છે, જે આ બધું કરે છે.+ ૧૮ તેમણે અગાઉથી જ એવું કરવાનું નક્કી કર્યું હતું.’+ ૧૯ તેથી હું એવા નિર્ણય* પર આવ્યો છું કે, ઈશ્વરની ભક્તિ કરવા ચાહતા બીજી પ્રજાના લોકો માટે આપણે મુશ્કેલી ઊભી ન કરીએ.+ ૨૦ પણ આપણે તેઓને લખીએ કે તેઓ મૂર્તિઓને અર્પણ કરેલી* વસ્તુઓથી,+ વ્યભિચારથી,*+ ગૂંગળાવીને મારી નાખેલાં પ્રાણીઓથી* અને લોહીથી દૂર રહે.+ ૨૧ જૂના જમાનાથી લઈને આજ સુધી મૂસાનાં લખાણોમાંથી શહેરેશહેર પ્રચાર કરવામાં આવે છે, કેમ કે દરેક સાબ્બાથે સભાસ્થાનોમાં એ મોટેથી વાંચવામાં આવે છે.”+
૨૨ પછી પ્રેરિતો અને વડીલોએ આખા મંડળ સાથે ભેગા મળીને નક્કી કર્યું કે તેઓમાંથી પસંદ કરેલા ભાઈઓને પાઉલ અને બાર્નાબાસ સાથે અંત્યોખ મોકલવામાં આવે. તેઓએ બર્સબા નામે ઓળખાતા યહૂદાને અને સિલાસને+ મોકલ્યા, જેઓ ભાઈઓમાં આગેવાની લેતા હતા. ૨૩ તેઓએ ભાઈઓ સાથે પત્રમાં આ લખીને મોકલાવ્યું:
“અંત્યોખ,+ સિરિયા અને કિલીકિયામાં રહેતા બીજી પ્રજામાંથી આવેલા ભાઈઓને અમારી સલામ! અમે તમારા ભાઈઓ, એટલે કે પ્રેરિતો અને વડીલો તમને આ પત્ર લખીએ છીએ. ૨૪ અમે સાંભળ્યું છે કે અમારામાંથી અમુક લોકો તમારી પાસે આવ્યા છે. તેઓ પોતાની વાતોથી તમને હેરાન કરે છે+ અને તમારી માન્યતા તોડી પાડવાની કોશિશ કરે છે. અમે તેઓને એવું કંઈ શીખવવાનું કહ્યું નથી. ૨૫ અમે બધાએ એક થઈને નિર્ણય લીધો છે કે અમે અમુક ભાઈઓને પસંદ કરીએ અને તેઓને આપણા વહાલા ભાઈઓ બાર્નાબાસ અને પાઉલ સાથે તમારી પાસે મોકલીએ. ૨૬ એ બંને ભાઈઓએ આપણા માલિક ઈસુ ખ્રિસ્તના નામ માટે પોતાનો જીવ પણ જોખમમાં નાખ્યો છે.+ ૨૭ અમે યહૂદા અને સિલાસને મોકલીએ છીએ, જેથી તેઓ પણ તમને આ બધી વાતો જણાવે.+ ૨૮ અમે પવિત્ર શક્તિની+ મદદથી આ નિર્ણય પર આવ્યા છીએ કે, તમારા પર આ જરૂરી વાતો સિવાય વધારે બોજો ન નાખીએ: ૨૯ મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી,+ લોહીથી,+ ગૂંગળાવીને મારી નાખેલાં પ્રાણીઓથી*+ અને વ્યભિચારથી*+ દૂર રહો. જો તમે સાવચેત થઈને આ વાતોથી દૂર રહેશો, તો તમારું ભલું થશે. તમારી સંભાળ રાખજો!”
૩૦ એટલે આ ભાઈઓ અંત્યોખ જવા નીકળ્યા. ત્યાં પહોંચીને તેઓએ બધાને ભેગા કર્યા અને તેઓને એ પત્ર આપ્યો. ૩૧ પત્ર વાંચીને તેઓને ઘણું ઉત્તેજન મળ્યું અને તેઓ ઘણા ખુશ થયા. ૩૨ યહૂદા અને સિલાસ પ્રબોધકો પણ હતા, એટલે તેઓએ ઘણાં પ્રવચનો આપીને ભાઈઓને ઉત્તેજન આપ્યું અને તેઓની હિંમત વધારી.+ ૩૩ તેઓએ થોડો સમય ત્યાં પસાર કર્યો. પછી ભાઈઓએ તેઓને શાંતિથી વિદાય કર્યા અને તેઓ યરૂશાલેમ પાછા આવ્યા. ૩૪ *— ૩૫ પાઉલ અને બાર્નાબાસ અંત્યોખમાં રહીને શીખવતા રહ્યા અને બીજા ઘણા ભાઈઓ સાથે મળીને યહોવાના* સંદેશાની ખુશખબર ફેલાવતા રહ્યા.
૩૬ અમુક દિવસો પછી પાઉલે બાર્નાબાસને કહ્યું: “ચાલ, હવે આપણે પાછા જઈએ અને યહોવાનો* સંદેશો જાહેર કર્યો હતો, એ દરેક શહેરમાં ભાઈઓને મળીને તેઓના ખબરઅંતર પૂછીએ.”+ ૩૭ બાર્નાબાસનો નિર્ણય દૃઢ હતો કે યોહાનને પણ સાથે લઈ જવો, જે માર્ક તરીકે ઓળખાતો હતો.+ ૩૮ પણ પાઉલ તેને સાથે લઈ જવા માંગતો ન હતો, કેમ કે તે પમ્ફૂલિયામાં તેઓને છોડીને જતો રહ્યો હતો અને તેઓ સાથે પ્રચારકામમાં જોડાયો ન હતો.+ ૩૯ એ વાતને લઈને બંને વચ્ચે એટલી મોટી તકરાર થઈ કે તેઓ એકબીજાથી જુદા પડી ગયા. બાર્નાબાસે+ પોતાની સાથે માર્કને લીધો અને સૈપ્રસ જવા દરિયાઈ મુસાફરી કરી. ૪૦ પાઉલે સિલાસને પસંદ કર્યો અને ભાઈઓએ પ્રાર્થના કરી કે યહોવા* પાઉલને અપાર કૃપા બતાવે.+ પછી તેણે વિદાય લીધી. ૪૧ તે સિરિયા અને કિલીકિયામાં થઈને ગયો અને ત્યાંનાં મંડળોને ઉત્તેજન આપ્યું.