હોશિયા
૧૧ “ઇઝરાયેલ યુવાન છોકરો હતો ત્યારે હું તેને પ્રેમ કરતો હતો,+
મેં મારા દીકરાને ઇજિપ્તથી બોલાવ્યો.+
૨ જેટલું વધારે તેઓ* ઇઝરાયેલના લોકોને બોલાવતા,
એટલું વધારે લોકો તેઓથી દૂર જતા.+
ઇઝરાયેલના લોકો બઆલની મૂર્તિને બલિદાનો+
અને કોતરેલી મૂર્તિઓને અર્પણો ચઢાવતા રહ્યા.+
૩ મેં જ એફ્રાઈમને ચાલતા શીખવ્યું હતું,+ મેં જ તેને મારી ગોદમાં ઊંચકી લીધો હતો,+
મેં જ તેઓને સાજા કર્યા હતા, પણ એ તેઓએ માન્યું નહિ.
૪ મમતા* અને પ્રેમની દોરીથી મેં તેઓને મારી તરફ ખેંચ્યા હતા,+
મેં તેઓની ગરદન પરથી ઝૂંસરી દૂર કરી હતી
અને મેં દરેકને પ્રેમથી ખવડાવ્યું હતું.
૫ તેઓ ઇજિપ્ત પાછા જશે નહિ, પણ આશ્શૂર તેઓનો રાજા થશે,+
કેમ કે તેઓએ મારી પાસે પાછા ફરવાની ના પાડી હતી.+
૬ તલવાર તેઓનાં શહેરો પર ફરી વળશે+
અને શહેરના દરવાજાની ભૂંગળોને કાપી નાખશે,
એ તેઓનાં શહેરોનો નાશ કરશે, કેમ કે તેઓએ કાવતરાં રચ્યાં છે.+
૭ મારા લોકોએ મને બેવફા બનવાનું નક્કી કર્યું છે.+
ભલે પ્રબોધકો તેઓને સર્વોચ્ચ ઈશ્વર પાસે* બોલાવે, પણ કોઈ ઊભું થતું નથી.
૮ હે એફ્રાઈમ, હું કઈ રીતે તને તરછોડી શકું?+
હે ઇઝરાયેલ, હું કઈ રીતે તને દુશ્મનોને હવાલે કરી શકું?
હું કઈ રીતે તારા હાલ આદમાહ જેવા કરી શકું?
હું કઈ રીતે તને સબોઇમ જેવો કરી શકું?+
મેં મારું મન બદલ્યું છે
અને એ જ ઘડીએ મારું દિલ કરુણાથી છલકાઈ ગયું છે.+
૯ હું મારો કોપ તારા પર રેડીશ નહિ,
હું ફરી કદી એફ્રાઈમનો નાશ કરીશ નહિ,+
કેમ કે હું ઈશ્વર છું, માણસ નહિ,
હું તારી મધ્યે રહેનાર પવિત્ર ઈશ્વર છું,
હું ગુસ્સે ભરાઈને તારી પાસે આવીશ નહિ.
૧૦ તેઓ યહોવાની પાછળ પાછળ ચાલશે અને તે સિંહની જેમ ગર્જના કરશે,+
તે ગર્જના કરશે ત્યારે તેમના દીકરાઓ પશ્ચિમથી ધ્રૂજતાં ધ્રૂજતાં આવશે.+
૧૧ તેઓ ઇજિપ્તમાંથી પક્ષીની જેમ
અને આશ્શૂરમાંથી કબૂતરની જેમ ડરતાં ડરતાં આવશે.+
હું તેઓને તેઓનાં ઘરોમાં વસાવીશ,” એવું યહોવા કહે છે.+
૧૨ “એફ્રાઈમ મારી સાથે જૂઠું જ બોલે છે
અને ઇઝરાયેલનું ઘર કપટ કરે છે.+
પણ યહૂદા હજી પોતાના ઈશ્વરની સાથે ચાલે છે,
તે પરમ પવિત્ર ઈશ્વરને વફાદાર છે.”+