હોશિયા
હોશિયા
૧ યહોવાનો* સંદેશો બએરીના દીકરા હોશિયાને* મળ્યો. યહૂદાના રાજાઓ+ ઉઝ્ઝિયા,+ યોથામ,+ આહાઝ+ અને હિઝકિયાના+ દિવસોમાં તથા યોઆશના+ દીકરા ઇઝરાયેલના રાજા યરોબઆમના+ દિવસોમાં તેને એ સંદેશો મળ્યો. ૨ યહોવાએ હોશિયા દ્વારા લોકોને સંદેશો આપવાનું શરૂ કર્યું. યહોવાએ તેને કહ્યું: “જા, જઈને એક સ્ત્રી સાથે લગ્ન કર. તે પછીથી વ્યભિચાર* કરશે અને વ્યભિચારથી તેને બાળકો થશે. કેમ કે આ દેશ વ્યભિચારને લીધે યહોવાથી સાવ દૂર થઈ ગયો છે.”+
૩ હોશિયાએ જઈને દિબ્લાઈમની દીકરી ગોમેર સાથે લગ્ન કર્યું. તે ગર્ભવતી થઈ અને હોશિયાથી તેને એક દીકરો થયો.
૪ યહોવાએ હોશિયાને કહ્યું: “તેનું નામ યિઝ્રએલ* પાડ, કેમ કે થોડા જ સમયમાં હું યિઝ્રએલના લોહીનો બદલો યેહૂના ઘર પાસેથી માંગીશ.+ હું ઇઝરાયેલના ઘરમાંથી રાજસત્તાનો અંત લાવીશ.+ ૫ એ દિવસે હું યિઝ્રએલની ખીણમાં* ઇઝરાયેલનું ધનુષ્ય ભાંગી નાખીશ.”
૬ ગોમેર ફરી ગર્ભવતી થઈ અને તેણે દીકરીને જન્મ આપ્યો. ઈશ્વરે હોશિયાને કહ્યું: “તેનું નામ લો-રૂહામાહ* પાડ, કેમ કે હવે પછી હું ઇઝરાયેલના ઘર પર દયા બતાવીશ નહિ,+ હું તેઓને હાંકી કાઢીશ.+ ૭ પણ હું યહૂદાના ઘર પર દયા બતાવીશ.+ હું ધનુષ્ય, તલવાર, યુદ્ધ, ઘોડાઓ કે ઘોડેસવારો દ્વારા નહિ,+ પણ હું પોતે તેઓને બચાવીશ. હું તેઓનો ઈશ્વર યહોવા તેઓને બચાવીશ.”+
૮ લો-રૂહામાહે ધાવણ છોડ્યું પછી ગોમેર ફરી ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. ૯ ઈશ્વરે કહ્યું: “તેનું નામ લો-આમ્મી* પાડ, કેમ કે તમે મારા લોકો નથી અને હું તમારો ઈશ્વર નહિ થાઉં.
૧૦ “ઇઝરાયેલના લોકોની* સંખ્યા સમુદ્રની રેતી જેટલી થશે, જે ન તો માપી શકાય, ન તો ગણી શકાય.+ જે જગ્યાએ તેઓને કહેવામાં આવ્યું હતું, ‘તમે મારા લોકો નથી,’+ ત્યાં તેઓને કહેવામાં આવશે, ‘તમે જીવતા ઈશ્વરના દીકરાઓ છો.’+ ૧૧ યહૂદાના અને ઇઝરાયેલના લોકોને ભેગા કરીને એક કરવામાં આવશે.+ તેઓ પોતાના માટે એક આગેવાન પસંદ કરશે અને તેઓ દેશમાંથી બહાર નીકળી આવશે. એ દિવસ યિઝ્રએલ માટે ખાસ હશે.+