ગીતોનું ગીત
મેં મારાં બોળ અને સુગંધી દ્રવ્ય લીધાં છે.+
મેં મારા મધપૂડામાંથી મારું મધ ખાધું છે;
મેં મારો દ્રાક્ષદારૂ અને દૂધ પીધાં છે.”+
“વહાલા મિત્રો, ખાઓ,
પીઓ અને પ્યારના નશામાં ડૂબી જાઓ!”+
૨ “હું સૂતી હતી, પણ મારું મન જાગતું હતું.+
મારા પ્રેમીએ બારણે ટકોરા માર્યા હોય એવા ભણકારા મને થયા!
‘મારી પ્રેમિકા,* મારી પ્રિયતમા, બારણું ખોલ,
મારી કબૂતરી, મારી બેદાગ સખી, બારણું ખોલ!
મારું માથું ઝાકળથી ભીંજાઈ ગયું છે
અને મારા વાળ રાતના ભેજથી પલળી ગયા છે.’+
૩ મેં મારું વસ્ત્ર ઉતારી નાખ્યું છે,
હવે ફરી કેમ પહેરું?
મેં મારા પગ ધોયા છે,
હવે ફરી કેમ ગંદા કરું?
૪ મારા વાલમે બારણાના બાકોરામાંથી હાથ પાછો ખેંચી લીધો,
મારું દિલ તેને મળવા તડપી ઊઠ્યું.
૫ હું મારા પ્રેમી માટે બારણું ખોલવા ઊઠી;
બારણાની સાંકળ પર
મારા હાથમાંથી બોળ ટપકતું હતું,
મારી આંગળીઓમાંથી બોળનું તેલ રેલાતું હતું.
૬ મેં મારા વાલમ માટે બારણું ખોલ્યું,
પણ તે ત્યાંથી ચાલ્યો ગયો હતો.
તે જતો રહ્યો હોવાથી* હું મારા હોશ ખોઈ બેઠી.
મેં તેને શોધ્યો, પણ તે મને જડ્યો નહિ.+
મેં તેને સાદ પાડ્યો, પણ તેણે જવાબ આપ્યો નહિ.
૭ શહેરની રખેવાળી કરતા ચોકીદારો મને મળ્યા.
તેઓએ મને મારી, મને ઘાયલ કરી.
કોટના એ ચોકીદારોએ મારી શાલ* છીનવી લીધી.
૮ હે યરૂશાલેમની દીકરીઓ, સમ ખાઓ,
જો તમને મારો પ્રીતમ મળે,
તો તેને કહેજો કે મને પ્રેમરોગ થયો છે.”
૯ “હે યુવતીઓમાં સૌથી સુંદર યુવતી,
બોલ, તારો પ્રેમી કઈ રીતે બીજાઓ કરતાં ઉત્તમ છે?
તેનામાં એવું તો શું છે કે,
તું અમને એવા સમ ખવડાવે છે?”
૧૦ “મારો પ્રેમી સુંદર અને લાલચોળ છે;
દસ હજારમાં તે જુદો તરી આવે છે.
૧૧ તેનું માથું સોનાનું, હા, ચોખ્ખા સોનાનું છે.
તેના વાળ કાગડાની જેમ કાળા છે,
અને ખજૂરીની ડાળીઓની* જેમ લહેરાય છે.
૧૨ તેની આંખો દૂધમાં નહાતાં કબૂતરો જેવી છે,
હા, પાણીના ઝરણા પાસે બેઠેલાં,
છલોછલ ભરેલા કુંડ* પાસે બેઠેલાં કબૂતરો જેવી છે.
૧૩ તેના ગાલ મઘમઘતાં ફૂલોની સેજ છે,+
હા, ખુશબોદાર છોડ વાવેલો ટેકરો છે.
તેના હોઠ ફૂલો જેવા છે, જેમાંથી બોળનું તેલ ટપકે છે.+
૧૪ તેની આંગળીઓ સોના જેવી છે, જેને તૃણમણિના* નખ છે.
તેનું પેટ ચળકતા હાથીદાંત જેવું છે, જેના પર નીલમ જડેલા છે.
૧૫ તેના પગ આરસપહાણના સ્તંભ છે, જેને ચોખ્ખા સોનાની કૂંભી પર બેસાડેલા છે.
તેનો દેખાવ લબાનોન જેવો સુંદર છે. તે દેવદારના ઝાડ જેવો ઊંચો છે.+
હે યરૂશાલેમની દીકરીઓ, એવો મારો વાલમ છે, હા, મારો પ્રિયતમ છે.”