બીજો રાજાઓ
૧૩ યહૂદામાં અહાઝ્યાના+ દીકરા યહોઆશ+ રાજાના શાસનનું ૨૩મું વર્ષ ચાલતું હતું. એ સમયે યેહૂનો+ દીકરો યહોઆહાઝ સમરૂનમાં ઇઝરાયેલનો રાજા બન્યો. યહોઆહાઝે ૧૭ વર્ષ રાજ કર્યું. ૨ તે યહોવાની નજરમાં જે ખરાબ હતું એ કરતો રહ્યો. નબાટના દીકરા યરોબઆમે ઇઝરાયેલીઓ પાસે જેવાં પાપ કરાવ્યાં હતાં,+ એવાં જ પાપ યહોઆહાઝ કરતો રહ્યો. તેણે એમ કરવાનું છોડ્યું નહિ. ૩ એટલે ઇઝરાયેલીઓ પર યહોવાનો ગુસ્સો+ ભડકી ઊઠ્યો.+ તેમણે તેઓને સિરિયાના રાજા હઝાએલ+ અને તેના દીકરા બેન-હદાદના+ હાથમાં સોંપી દીધા, જેઓએ લાંબા સમય સુધી ઇઝરાયેલીઓ પર સત્તા ચલાવી.
૪ સમય જતાં, યહોઆહાઝે યહોવાની કૃપા મેળવવા આજીજી કરી અને યહોવાએ તેનું સાંભળ્યું. તેમણે જોયું કે સિરિયાનો રાજા ઇઝરાયેલીઓ પર કેટલો જુલમ ગુજારતો હતો.+ ૫ યહોવાએ ઇઝરાયેલીઓ માટે એક બચાવનાર ઊભો કર્યો.+ તેણે તેઓને સિરિયાના હાથમાંથી આઝાદ કર્યા. પછી ઇઝરાયેલીઓ અગાઉની જેમ સુખ-શાંતિથી રહેવા લાગ્યા. ૬ (જોકે યરોબઆમના કુટુંબે ઇઝરાયેલીઓ પાસે જે પાપ કરાવ્યાં હતાં,+ એમાંથી તેઓ પાછા ફર્યા નહિ. તેઓ પાપ કરતા રહ્યા. સમરૂનમાં હજુ પણ ભક્તિ-થાંભલો*+ હતો.) ૭ યહોઆહાઝના સૈન્યમાં ફક્ત ૫૦ ઘોડેસવારો, ૧૦ રથો અને ૧૦,૦૦૦ પાયદળ સૈનિકો બાકી રહી ગયા હતા. સિરિયાના રાજાએ બીજા બધાનો નાશ કર્યો હતો+ અને તેઓને ખળીમાંની ધૂળ જેવા કરી નાખ્યા હતા.+
૮ યહોઆહાઝનો બાકીનો ઇતિહાસ ઇઝરાયેલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલો છે. તેણે જે કંઈ કર્યું અને તેનાં પરાક્રમી કામો વિશે એમાં જણાવ્યું છે. ૯ યહોઆહાઝ મરણ પામ્યો. તેઓએ તેને સમરૂનમાં દફનાવ્યો.+ તેનો દીકરો યહોઆશ તેની જગ્યાએ રાજા બન્યો.
૧૦ યહૂદાના રાજા યહોઆશના+ શાસનનું ૩૭મું વર્ષ ચાલતું હતું. એ સમયે યહોઆહાઝનો દીકરો યહોઆશ સમરૂનમાં ઇઝરાયેલનો રાજા બન્યો. યહોઆશે ૧૬ વર્ષ રાજ કર્યું. ૧૧ તે યહોવાની નજરમાં જે ખરાબ હતું એ કરતો રહ્યો. નબાટના દીકરા યરોબઆમે ઇઝરાયેલીઓ પાસે જે બધાં પાપ કરાવ્યાં હતાં,+ એ કરવાનું યહોઆશે છોડ્યું નહિ. તેણે એ પાપ કરવાનું ચાલુ રાખ્યું.
૧૨ યહોઆશનો બાકીનો ઇતિહાસ ઇઝરાયેલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલો છે. તેણે જે કંઈ કર્યું, તેનાં પરાક્રમી કામો અને તેણે યહૂદાના રાજા અમાઝ્યા+ સામે કરેલી લડાઈ વિશે એમાં જણાવ્યું છે. ૧૩ યહોઆશ મરણ પામ્યો. તેની રાજગાદી પર યરોબઆમ*+ બેઠો. ઇઝરાયેલના રાજાઓની જેમ યહોઆશને સમરૂનમાં દફનાવવામાં આવ્યો.+
૧૪ હવે એલિશા+ બીમાર પડ્યો અને તે મરણ પથારીએ હતો. ઇઝરાયેલનો રાજા યહોઆશ તેની પાસે આવ્યો અને રડીને કહેવા લાગ્યો: “ઓ મારા પિતા, ઓ મારા પિતા! ઇઝરાયેલનો રથ ને એના ઘોડેસવારો!”+ ૧૫ એલિશાએ કહ્યું: “ધનુષ્ય અને તીર લે!” યહોઆશે ધનુષ્ય અને તીર લીધાં. ૧૬ એલિશાએ ઇઝરાયેલના રાજાને કહ્યું: “ધનુષ્ય ચલાવવા તૈયાર થઈ જા!” તે ધનુષ્ય ચલાવવા તૈયાર થયો. પછી એલિશાએ પોતાના હાથ રાજાના હાથ પર મૂક્યા. ૧૭ એલિશાએ કહ્યું: “પૂર્વ તરફની બારી ખોલ.” રાજાએ બારી ખોલી. એલિશાએ કહ્યું: “તીર માર!” તેણે તીર માર્યું. એલિશા બોલી ઊઠ્યો: “યહોવાના વિજયનું* તીર! સિરિયા પર વિજયનું* તીર! તું સિરિયાના લોકોને અફેકમાં+ ત્યાં સુધી હરાવીશ જ્યાં સુધી તેઓનો પૂરેપૂરો વિનાશ ન થાય.”
૧૮ એલિશાએ કહ્યું: “બીજાં તીર લે.” તેણે તીર લીધાં. તેણે ઇઝરાયેલના રાજાને કહ્યું: “જમીન પર પછાડ!” તેણે જમીન પર ત્રણ વાર પછાડ્યાં અને અટકી ગયો. ૧૯ એ જોઈને ઈશ્વરભક્ત તેના પર ગુસ્સે ભરાયો અને બોલ્યો: “તારે જમીન પર પાંચ છ વાર પછાડવાં જોઈતાં હતાં. તેં એમ કર્યું હોત તો, સિરિયાના લોકોનો પૂરેપૂરો નાશ કર્યો હોત. પણ હવે તું સિરિયાના લોકોને ત્રણ વાર જ હરાવીશ.”+
૨૦ પછી એલિશાનું મરણ થયું અને તેને દફનાવવામાં આવ્યો. મોઆબના લુટારાઓની ટોળકી+ વર્ષની શરૂઆતમાં* ઇઝરાયેલ પર હુમલો કરવા આવતી હતી. ૨૧ હવે અમુક માણસો એક માણસને દફનાવવા આવ્યા હતા. તેઓએ લુટારાઓની ટોળકી જોઈ. એટલે એ માણસને એલિશાની કબરમાં ફેંકીને નાસી ગયા. એ માણસનું શબ એલિશાનાં હાડકાંને અડ્યું કે તરત એ માણસ જીવતો થયો+ અને ઊભો થઈ ગયો.
૨૨ યહોઆહાઝના આખા શાસન દરમિયાન સિરિયાના રાજા હઝાએલે+ ઇઝરાયેલીઓ પર જુલમ ગુજાર્યો.+ ૨૩ જોકે યહોવાએ તેઓ પર કૃપા અને દયા બતાવી.+ ઇબ્રાહિમ,+ ઇસહાક+ અને યાકૂબ+ સાથે કરેલા કરારને લીધે તેમણે ઇઝરાયેલીઓની સંભાળ રાખી. તે તેઓનો નાશ કરવા ચાહતા ન હતા. તેમણે આજ સુધી તેઓને પોતાની નજર આગળથી દૂર કર્યા નથી. ૨૪ સિરિયાના રાજા હઝાએલનું મરણ થયું. તેનો દીકરો બેન-હદાદ તેની જગ્યાએ રાજા બન્યો. ૨૫ યહોઆહાઝના દીકરા યહોઆશે બેન-હદાદ પાસેથી ઇઝરાયેલનાં શહેરો પાછાં જીતી લીધાં. બેન-હદાદના પિતા હઝાએલે એ શહેરો યહોઆહાઝ પાસેથી લઈ લીધાં હતાં. યહોઆશે ત્રણ વખત બેન-હદાદને હરાવ્યો+ અને ઇઝરાયેલનાં શહેરો પાછાં લઈ લીધાં.