એફેસીઓને પત્ર
૧ હું પાઉલ, એફેસસના+ પવિત્ર જનો અને ખ્રિસ્ત* ઈસુના વિશ્વાસુ શિષ્યોને આ પત્ર લખું છું. ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુના પ્રેરિત* તરીકે હું પસંદ થયો છું.
૨ ઈશ્વર આપણા પિતા પાસેથી અને આપણા માલિક ઈસુ ખ્રિસ્ત પાસેથી તમને અપાર કૃપા* અને શાંતિ મળે.
૩ આપણા માલિક ઈસુ ખ્રિસ્તના ઈશ્વર અને પિતાનો મહિમા થાઓ. આપણે ખ્રિસ્તના શિષ્યો છીએ, એટલે તેમણે આપણને સ્વર્ગમાં દરેક પ્રકારના આશીર્વાદ આપ્યા છે.+ ૪ દુનિયાનો પાયો નંખાયો* એ પહેલાં, ઈશ્વરે આપણને ખ્રિસ્ત સાથે એકતામાં રહેવા પસંદ કર્યા, જેથી આપણે ઈશ્વરને પ્રેમ કરીએ અને તેમની સામે પવિત્ર અને કલંક વગરના થઈએ.+ ૫ તેમણે પોતાની ખુશી અને ઇચ્છા પ્રમાણે,+ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને દીકરાઓ તરીકે દત્તક લેવાનું+ અગાઉથી નક્કી કર્યું હતું.+ ૬ ઈશ્વરે એવું કર્યું, જેથી લોકો ઈશ્વરની અપાર કૃપાને લીધે તેમની સ્તુતિ કરે.+ એ અપાર કૃપા તેમણે પોતાના વહાલા દીકરા દ્વારા આપણને બતાવી છે.+ ૭ તેમના દીકરા દ્વારા આપણને છોડાવવામાં આવ્યા.* હા, તેમના લોહી દ્વારા+ આપણાં પાપ માફ કરવામાં આવ્યાં.+ ઈશ્વરની અપાર કૃપા ખરેખર મહાન છે!
૮ ઈશ્વરે આપણને ઉદારતાથી અપાર કૃપા અને સર્વ બુદ્ધિ અને સમજણ આપી છે. ૯ તેમણે પોતાની ઇચ્છાનું પવિત્ર રહસ્ય આપણને જણાવ્યું છે.+ એ રહસ્ય તેમની મરજી અને હેતુ પ્રમાણે છે, ૧૦ જેથી નક્કી કરેલો સમય પૂરો થાય ત્યારે, એક ગોઠવણની* શરૂઆત થાય અને એ ગોઠવણ દ્વારા સ્વર્ગનું અને પૃથ્વી પરનું બધું જ ફરીથી ખ્રિસ્તમાં ભેગું કરવામાં આવે.+ ૧૧ અમે તેમની સાથે એકતામાં છીએ અને અમને વારસ બનાવવામાં આવ્યા છે.+ ઈશ્વરના હેતુ પ્રમાણે એ અગાઉથી પસંદ કરવામાં આવ્યું હતું, તે પોતાની મરજી પ્રમાણે નક્કી કરીને બધું પાર પાડે છે. ૧૨ અમને પસંદ કરવામાં આવ્યા, જેથી ખ્રિસ્તમાં પ્રથમ આશા રાખનારા અમે ઈશ્વરના ગૌરવની સ્તુતિ કરીએ. ૧૩ જ્યારે તમારા તારણની ખુશખબર, એટલે કે સત્ય વિશે તમે સાંભળ્યું, ત્યારે તમે પણ ખ્રિસ્તમાં આશા રાખી. તમે શ્રદ્ધા મૂકી એ પછી, ઈશ્વરે પોતાના વચન પ્રમાણે પવિત્ર શક્તિથી* તમારા પર મહોર* કરી.+ એ તેમણે ખ્રિસ્ત દ્વારા કર્યું. ૧૪ એ પવિત્ર શક્તિ આપણા વારસા માટે અગાઉથી મળેલું બાનું* છે.+ ઈશ્વરે એવું કર્યું, જેથી છુટકારાની કિંમત આપીને+ તેમના લોકોને છોડાવે+ અને તેમનો મહિમા અને જયજયકાર થાય.
૧૫ માલિક ઈસુમાં તમારી શ્રદ્ધા વિશે અને બધા પવિત્ર જનો માટે તમે બતાવેલા પ્રેમ વિશે મેં સાંભળ્યું છે. ૧૬ એટલે તમારા માટે આભાર માનવાનું હું ચૂકતો નથી. મારી પ્રાર્થનાઓમાં હું તમને હંમેશાં યાદ કરું છું. ૧૭ હું વિનંતી કરું છું કે આપણા માલિક ઈસુ ખ્રિસ્તના ઈશ્વર, મહિમાવંત પિતા તમને બુદ્ધિ અને સમજણ આપે, જેથી તેમના વિશેનું સાચું જ્ઞાન તમે સમજી શકો.+ ૧૮ તેમણે તમારું મન ખોલ્યું, જેથી તમે જોઈ શકો અને જાણી શકો કે તેમણે કઈ આશા માટે તમને બોલાવ્યા છે અને પવિત્ર જનોને વારસામાં કેવી ભવ્ય સંપત્તિનું વચન આપ્યું છે.+ ૧૯ તમે એ પણ જાણી શકો કે આપણે જેઓ શ્રદ્ધા બતાવીએ છીએ, તેઓ માટે તેમનું પરાક્રમ કેટલું મહાન, કેટલું અજોડ છે!+ તેમના પરાક્રમની તાકાત ત્યારે દેખાઈ આવી, ૨૦ જ્યારે તેમણે ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડ્યા અને સ્વર્ગમાં પોતાના જમણા હાથે બેસાડ્યા.+ ૨૧ તેમણે ખ્રિસ્તને દરેક સરકાર, સત્તા, તાકાત, અધિકાર અને દરેક નામ કરતાં ઊંચા કર્યા,+ ફક્ત આ દુનિયામાં નહિ, આવનાર દુનિયામાં પણ એમ થશે. ૨૨ ઈશ્વરે બધું જ તેમના પગ નીચે લાવીને આધીન કર્યું+ અને મંડળની સર્વ બાબતો પર તેમને આગેવાન* બનાવ્યા.+ ૨૩ મંડળ તેમનું શરીર છે+ અને એ તેમનાથી ભરપૂર છે. ખ્રિસ્ત દરેક રીતે સર્વ વસ્તુઓને પૂર્ણ કરે છે.