હઝકિયેલ
૧૮ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “તમે ઇઝરાયેલ દેશમાં આ કહેવત કેમ વાપરો છો કે ‘પિતાઓ ખાટી દ્રાક્ષો ખાય અને દીકરાઓના દાંત ખટાય’?+
૩ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું સમ* ખાઈને કહું છું કે હવેથી તમે ઇઝરાયેલમાં એ કહેવત નહિ વાપરો. ૪ જુઓ! એકેએક જીવ* મારો છે. પિતાનો જીવ હોય કે દીકરાનો જીવ, એ બધા મારા છે. જે કોઈ* પાપ કરે છે તે જ માર્યો જશે.
૫ “‘ધારો કે કોઈ માણસ નેક છે, તે સચ્ચાઈથી ચાલે છે અને ખરું હોય એ જ કરે છે. ૬ તે પહાડો પર મૂર્તિઓને ચઢાવેલાં બલિદાનો ખાતો નથી.+ તે ઇઝરાયેલી લોકોની ધિક્કારપાત્ર મૂર્તિઓ* પર આશા રાખતો નથી. તે પડોશીની પત્ની સાથે વ્યભિચાર* કરતો નથી+ કે સ્ત્રીના માસિકના દિવસોમાં તેની સાથે જાતીય સંબંધ બાંધતો નથી.+ ૭ તે કોઈની સાથે ખરાબ વહેવાર કરતો નથી,+ પણ દેવાદારે ગીરવે મૂકેલી વસ્તુ પાછી આપી દે છે.+ તે કોઈને લૂંટતો નથી,+ પણ પોતાનો ખોરાક ભૂખ્યાને આપી દે છે.+ જેની પાસે કપડાં ન હોય તેને શરીર ઢાંકવા તે કપડાં આપે છે.+ ૮ તે પોતાના પૈસા વ્યાજે આપતો નથી કે એમાંથી ફાયદો ઉઠાવતો નથી.+ તે અન્યાય કરતો નથી.+ બે માણસો વચ્ચે તે અદ્દલ ઇન્સાફ કરે છે.+ ૯ મને વફાદાર રહેવા તે મારા નિયમો પ્રમાણે ચાલે છે અને મારા કાયદા-કાનૂન પાળે છે. એવો માણસ નેક છે અને તે ચોક્કસ જીવતો રહેશે,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.
૧૦ “‘પણ ધારો કે એ માણસને એવો દીકરો હોય, જે લૂંટફાટ કરતો હોય,+ ખૂન કરતો હોય+ કે આવું કોઈ કામ કરતો હોય ૧૧ (ભલે પિતાએ એવું એક પણ કામ કર્યું ન હોય): એ દીકરો પહાડો પર મૂર્તિઓને ચઢાવેલાં બલિદાનો ખાતો હોય, પડોશીની પત્ની સાથે વ્યભિચાર કરતો હોય, ૧૨ ગરીબ અને લાચાર સાથે ખરાબ વહેવાર કરતો હોય,+ જુલમથી લૂંટી લેતો હોય, ગીરવે મૂકેલી વસ્તુ પાછી આપતો ન હોય, ધિક્કારપાત્ર મૂર્તિઓ પર આશા રાખતો હોય,+ નીચ કામો કરતો હોય,+ ૧૩ પોતાના પૈસા વ્યાજે આપતો હોય અને એનો ફાયદો ઉઠાવતો હોય.+ જો એમ હોય તો એ દીકરો જીવતો નહિ રહે. એવાં અધમ કામો કર્યાં હોવાથી, તે ચોક્કસ માર્યો જશે. તેનું લોહી તેના માથે.
૧૪ “‘પણ ધારો કે કોઈ માણસના દીકરાએ પોતાના પિતાને બધાં પાપ કરતા જોયો છે. એ બધું જોયું હોવા છતાં દીકરો એવું કરતો નથી. ૧૫ તે પહાડો પર મૂર્તિઓને ચઢાવેલાં બલિદાનો ખાતો નથી. તે ઇઝરાયેલી લોકોની ધિક્કારપાત્ર મૂર્તિઓ પર આશા રાખતો નથી. તે પડોશીની પત્ની સાથે વ્યભિચાર કરતો નથી. ૧૬ તે કોઈની સાથે ખરાબ વહેવાર કરતો નથી. તે ગીરવે મૂકેલી વસ્તુ પડાવી લેતો નથી. તે જુલમથી લૂંટી લેતો નથી. તે પોતાનું ખાવાનું ભૂખ્યાને આપી દે છે. જેની પાસે કપડાં ન હોય તેને શરીર ઢાંકવા તે કપડાં આપે છે. ૧૭ તે ગરીબ પર જુલમ કરતો નથી. તે પોતાના પૈસા વ્યાજે આપતો નથી કે એનો ફાયદો ઉઠાવતો નથી. તે મારા કાયદા-કાનૂન પાળે છે અને મારા નિયમો પ્રમાણે ચાલે છે. એવો માણસ પોતાના પિતાના ગુનાઓને લીધે માર્યો નહિ જાય. તે ચોક્કસ જીવતો રહેશે. ૧૮ પણ તેનો પિતા પોતાના ગુનાને લીધે માર્યો જશે, કેમ કે તેણે લોકોને છેતર્યા છે, પોતાના ભાઈને લૂંટી લીધો છે અને લોકોની નજરમાં જે ખરાબ હતું એ કર્યું છે.
૧૯ “‘પણ તમે પૂછશો, “પિતાના ગુનાને લીધે દીકરો કેમ જવાબદાર ગણાતો નથી?” એ માટે કે દીકરાએ જે ખરું છે એ જ કર્યું અને સચ્ચાઈથી વર્ત્યો. તેણે મારા બધા નિયમો પાળ્યા અને એ પ્રમાણે ચાલ્યો. એટલે તે ચોક્કસ જીવતો રહેશે.+ ૨૦ જે કોઈ પાપ કરશે તે જ માર્યો જશે.+ પિતાના ગુનાને લીધે દીકરો જવાબદાર ગણાતો નથી, દીકરાના ગુનાને લીધે પિતા જવાબદાર ગણાતો નથી. નેક માણસનાં નેક કામોનો બદલો તેને જ મળશે, દુષ્ટ માણસનાં દુષ્ટ કામોનો બદલો તેને જ મળશે.+
૨૧ “‘ધારો કે કોઈ દુષ્ટ માણસ પોતે કરેલાં બધાં પાપથી પાછો ફરે, મારા નિયમો પાળવા લાગે, જે ખરું છે એ જ તે કરે અને સચ્ચાઈથી વર્તે, તો તે ચોક્કસ જીવતો રહેશે. તે માર્યો નહિ જાય.+ ૨૨ તેનો કોઈ પણ ગુનો યાદ કરવામાં નહિ આવે.+ તે સાચા માર્ગે ચાલતો હોવાથી જીવતો રહેશે.’+
૨૩ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘શું કોઈ દુષ્ટ માણસના મોતથી મને ખુશી થાય છે?+ જરાય નહિ! હું તો એવું ચાહું છું કે તે પોતાના માર્ગોથી પાછો ફરે અને જીવતો રહે.’+
૨૪ “‘પણ જો કોઈ નેક માણસ સારાં કામો છોડીને ખરાબ કામો* કરવા લાગે, તે એવાં નીચ કામો કરવા લાગે જે દુષ્ટ માણસ કરતો હોય, તો શું એ નેક માણસ જીવશે ખરો? તેણે કરેલું એકેય સારું કામ યાદ રાખવામાં નહિ આવે.+ તે બેવફા બન્યો છે અને તેણે પાપ કર્યું છે, એટલે તે માર્યો જશે.+
૨૫ “‘પણ તમે કહેશો, “યહોવા તો અન્યાય કરે છે!”+ હે ઇઝરાયેલના લોકો, સાંભળો! શું હું અન્યાય કરું છું?+ કે પછી તમે અન્યાય કરો છો?+
૨૬ “‘જો કોઈ નેક* માણસ સારાં કામો છોડીને ખરાબ કામો કરવા લાગે અને એના લીધે માર્યો જાય, તો તે પોતાનાં પાપને લીધે માર્યો જશે.
૨૭ “‘જો કોઈ દુષ્ટ માણસ પોતે કરેલાં દુષ્ટ કામોથી પાછો ફરે, જે ખરું છે એ જ કરવા લાગે અને સચ્ચાઈથી* વર્તે, તો તે પોતાનું જીવન બચાવશે.+ ૨૮ જો તેને ભાન થાય કે પોતે જે કરે છે એ બહુ ખરાબ છે અને તે એમ કરવાનું બંધ કરે, તો તે ચોક્કસ જીવતો રહેશે. તે માર્યો નહિ જાય.
૨૯ “‘પણ ઇઝરાયેલના લોકો કહેશે, “યહોવા તો અન્યાય કરે છે!” હે ઇઝરાયેલના લોકો, શું ખરેખર હું અન્યાય કરું છું?+ કે પછી તમે અન્યાય કરો છો?’
૩૦ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હે ઇઝરાયેલના લોકો, હું તમારાં દરેકનાં કામો પ્રમાણે ન્યાય કરીશ.+ તમે અપરાધો કરવાનું છોડી દો અને પાછા ફરો, નહિ તો એ તમારા માટે નડતર બનશે અને તમારા પર સજા લાવશે. ૩૧ તમે પાપ કરવાનું છોડી દો.+ નવું દિલ અને નવું મન કેળવો.+ હે ઇઝરાયેલના લોકો, તમે શું કામ મરવા માંગો છો?’+
૩૨ “‘મને કોઈના મોતથી જરાય ખુશી થતી નથી.+ એટલે પાપ કરવાનું છોડી દો અને જીવતા રહો,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”