નિર્ગમન
૧ યાકૂબ,* એટલે કે ઇઝરાયેલ* પોતાના દીકરાઓ અને તેઓનાં કુટુંબો સાથે ઇજિપ્ત* આવ્યો હતો. એ દીકરાઓનાં નામ આ છે:+ ૨ રૂબેન, શિમયોન, લેવી, યહૂદા,*+ ૩ ઇસ્સાખાર, ઝબુલોન, બિન્યામીન, ૪ દાન, નફતાલી, ગાદ અને આશેર.+ ૫ યાકૂબના ૭૦ વંશજો ઇજિપ્ત આવ્યા.+ પણ યૂસફ તો પહેલેથી જ ઇજિપ્તમાં હતો. ૬ સમય જતાં, યૂસફનું મરણ થયું.+ તેના ભાઈઓ અને એ પેઢીના સર્વ લોકો પણ મરી ગયા. ૭ ઇઝરાયેલીઓને* ઘણાં બાળકો થયાં અને તેઓની સંખ્યા ખૂબ જ વધી. તેઓની આબાદી એટલી ઝડપે વધી કે આખો દેશ તેઓથી ભરાઈ ગયો. તેઓ ઘણા બળવાન થતા ગયા.+
૮ સમય જતાં, ઇજિપ્તમાં નવો રાજા ઊભો થયો. તે યૂસફને ઓળખતો ન હતો. ૯ રાજાએ પોતાના લોકોને કહ્યું: “જુઓ! ઇઝરાયેલીઓની સંખ્યા ઘણી વધી ગઈ છે. તેઓ આપણા કરતાં વધારે બળવાન થયા છે.+ ૧૦ ચાલો, તેઓ સાથે ચાલાકીથી વર્તીએ, નહિતર તેઓની સંખ્યા વધતી જશે. જો ભાવિમાં યુદ્ધ ફાટી નીકળશે, તો તેઓ આપણા દુશ્મનો સાથે હાથ મિલાવશે અને આપણી સામે લડશે અને દેશ છોડીને જતા રહેશે.”
૧૧ એટલે રાજાએ* ઇઝરાયેલીઓ પાસે કાળી મજૂરી કરાવવા+ તેઓ પર ઉપરીઓ નીમ્યા. એ ઉપરીઓએ રાજાના કોઠારો માટે ઇઝરાયેલીઓ પાસે પીથોમ અને રામસેસ શહેરો બંધાવ્યાં.+ ૧૨ તેઓ ઇઝરાયેલીઓ પર જુલમ પર જુલમ કરતા ગયા, પણ ઇઝરાયેલીઓ તો વધતા ને વધતા જ ગયા અને આખા દેશમાં ફેલાતા ગયા. ઇઝરાયેલીઓને લીધે ઇજિપ્તના લોકો પર ડર છવાઈ ગયો.+ ઇઝરાયેલીઓ તેઓને આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યા. ૧૩ આખરે ઇજિપ્તના લોકોએ ઇઝરાયેલીઓને ગુલામ બનાવી દીધા અને તેઓ પાસે આકરી મજૂરી કરાવવા લાગ્યા.+ ૧૪ સખત મજૂરી કરાવીને તેઓએ ઇઝરાયેલીઓનું જીવન આકરું બનાવી દીધું. તેઓ ઇઝરાયેલીઓને માટીનો ગારો અને ઈંટો બનાવવાની ફરજ પાડતા. તેઓ પાસે મેદાનમાં તનતોડ મહેનત કરાવતા, દરેક પ્રકારની મજૂરી કરાવતા અને તેઓ પર જુલમ ગુજારતા.+
૧૫ અમુક સમય પછી, ઇજિપ્તના રાજાએ હિબ્રૂ* દાઈઓ શિફ્રાહ અને પૂઆહ સાથે વાત કરી. ૧૬ રાજાએ તેઓને કહ્યું: “જ્યારે તમે હિબ્રૂ સ્ત્રીઓની પ્રસૂતિ કરાવવા જાઓ,+ ત્યારે જો છોકરો જન્મે તો તેને મારી નાખવો, પણ છોકરી જન્મે તો તેને જીવતી રાખવી.” ૧૭ પણ દાઈઓ સાચા ઈશ્વરનો* ડર રાખીને ચાલતી હતી. એટલે તેઓએ રાજાનો હુકમ ન માન્યો અને છોકરાઓને જીવતા રાખ્યા.+ ૧૮ થોડા સમય પછી, રાજાએ દાઈઓને બોલાવીને પૂછ્યું: “તમે કેમ છોકરાઓને મારી નાખતા નથી?” ૧૯ તેઓએ કહ્યું: “હિબ્રૂ સ્ત્રીઓ ઇજિપ્તની સ્ત્રીઓ જેવી નથી. તેઓ નાજુક-નમણી નથી, પણ ખૂબ મજબૂત છે અને દાઈઓના પહોંચતા પહેલાં જ બાળકને જન્મ આપી દે છે.”
૨૦ એ દાઈઓએ જે કર્યું એના લીધે ઈશ્વરે તેઓનું ભલું કર્યું. ઇઝરાયેલીઓ પણ વધતા ગયા અને ખૂબ બળવાન થતા ગયા. ૨૧ દાઈઓ સાચા ઈશ્વરનો ડર રાખતી હોવાથી ઈશ્વરે પછી તેઓને બાળકોનું સુખ આપ્યું. ૨૨ આખરે રાજાએ પોતાના લોકોને હુકમ કર્યો: “જો હિબ્રૂઓના ઘરમાં છોકરો જન્મે, તો તમારે તેને નાઈલ નદીમાં ફેંકી દેવો, પણ છોકરી જન્મે તો તેને જીવતી રાખવી.”+