અયૂબ
૨ બીજા એક દિવસે, સાચા ઈશ્વરના દીકરાઓ*+ યહોવા આગળ હાજર થયા.+ શેતાન પણ તેઓ સાથે આવ્યો અને યહોવા આગળ હાજર થયો.+
૨ યહોવાએ શેતાનને પૂછ્યું: “તું ક્યાં જઈને આવ્યો?” શેતાને યહોવાને કહ્યું: “હું પૃથ્વી પર આમતેમ ફરીને આવ્યો છું.”+ ૩ યહોવાએ શેતાનને કહ્યું: “શું તેં મારા સેવક અયૂબને જોયો? આખી પૃથ્વી પર તેના જેવો બીજો કોઈ નથી. તે નેક અને પ્રમાણિક* છે.+ તે ઈશ્વરનો ડર રાખે છે અને દુષ્ટતાથી દૂર રહે છે. કારણ વગર તેને નુકસાન પહોંચાડવા તેં મને ઉશ્કેરવાની કોશિશ કરી,+ તોપણ જો! તે હજી પોતાની પ્રમાણિકતાને દૃઢતાથી વળગી રહ્યો છે.”+ ૪ શેતાને યહોવાને કહ્યું: “ચામડીને બદલે ચામડી, હા, માણસ પોતાનો જીવ બચાવવા પોતાનું બધું જ આપી દેશે. ૫ પણ તમારો હાથ લંબાવીને તેના આખા શરીરને હાનિ પહોંચાડો. પછી જોજો, તે ચોક્કસ તમારા મોં પર તમને શ્રાપ આપશે.”+
૬ યહોવાએ શેતાનને કહ્યું: “જો! હું તેને તારા હાથમાં સોંપું છું. ફક્ત તેનો જીવ ન લેતો!” ૭ પછી યહોવા આગળથી શેતાન ચાલ્યો ગયો. તેણે અયૂબનું આખું શરીર, પગની પાનીથી લઈને માથા સુધી પીડાદાયક ગૂમડાંથી* ભરી દીધું.+ ૮ અયૂબે પોતાના શરીરને ખંજવાળવા એક ઠીકરું લીધું અને તે રાખમાં બેઠો.+
૯ આખરે તેની પત્નીએ તેને કહ્યું: “શું તમે હજી પણ તમારી પ્રમાણિકતાને દૃઢતાથી વળગી રહ્યા છો? ઈશ્વરને શ્રાપ દો ને મરી જાઓ!” ૧૦ અયૂબે તેને કહ્યું: “તું તો મૂર્ખ સ્ત્રીની જેમ બોલે છે. શું સાચા ઈશ્વર* પાસેથી આપણે ફક્ત સુખ જ સ્વીકારવું જોઈએ અને દુઃખ ન સ્વીકારવું જોઈએ?”+ એ બધામાં અયૂબે પોતાના મોંથી કોઈ પાપ ન કર્યું.+
૧૧ અયૂબના ત્રણ મિત્રો,* એટલે કે અલીફાઝ+ તેમાની,* બિલ્દાદ+ શૂહી*+ અને સોફાર+ નાઅમાથીએ* અયૂબ પર આવેલી મુસીબતો વિશે સાંભળ્યું. તેઓ પોતપોતાની જગ્યાએથી અયૂબને મળવા નીકળ્યા. તેઓએ સાથે મળીને નક્કી કર્યું કે, અયૂબને સહાનુભૂતિ બતાવશે અને દિલાસો આપશે. ૧૨ તેઓએ અયૂબને દૂરથી જોયો ત્યારે તેને ઓળખી જ ન શક્યા. તેઓએ મોટેથી રડીને પોતાનાં કપડાં ફાડ્યાં અને આકાશ તરફ ધૂળ ઉડાવીને પોતાનાં માથાં પર નાખી.*+ ૧૩ તેઓ સાત દિવસ અને સાત રાત તેની સાથે જમીન પર બેસી રહ્યા. તેઓએ જોયું કે અયૂબની હાલત બહુ પીડાદાયક છે, એટલે કોઈએ તેને એક શબ્દ પણ કહ્યો નહિ.+