દાનિયેલ
૬ દાર્યાવેશ રાજાએ આખા રાજ્યમાં ૧૨૦ સૂબાઓ નીમવાનું નક્કી કર્યું.+ ૨ એ સૂબાઓનું+ કામકાજ જોવા રાજાએ ત્રણ ઉચ્ચ અધિકારીઓ નીમ્યા, જેથી તેને કોઈ ખોટ ન જાય. એમાંનો એક ઉચ્ચ અધિકારી દાનિયેલ હતો.+ ૩ તે ખૂબ જ બુદ્ધિશાળી હતો.+ તે બીજા ઉચ્ચ અધિકારીઓ અને સૂબાઓ કરતાં વધારે કુશળ હતો. રાજાએ તેને આખા રાજ્ય પર ઊંચી પદવી આપવાનું નક્કી કર્યું હતું.
૪ એ સમયગાળામાં ઉચ્ચ અધિકારીઓ અને સૂબાઓ રાજ્યને લગતા કામકાજમાં દાનિયેલની ભૂલો શોધવા લાગ્યા, જેથી તેના પર આરોપ મૂકી શકે. પણ દાનિયેલ પર આરોપ મૂકવા તેઓને કોઈ બહાનું કે દોષ મળ્યો નહિ, કેમ કે તે ભરોસાપાત્ર હતો, ચીવટથી કામ કરતો હતો અને વફાદારીથી પોતાની ફરજ નિભાવતો હતો. ૫ એ માણસો કહેવા લાગ્યા: “આ દાનિયેલના કામકાજમાં તો આપણને એકેય ભૂલ મળવાની નથી. તેના પર આરોપ મૂકવા આપણે તેની ભક્તિ* સંબંધી જ કંઈક શોધી કાઢવું પડશે.”+
૬ એ ઉચ્ચ અધિકારીઓ અને સૂબાઓ ભેગા મળીને રાજા પાસે ગયા. તેઓએ રાજાને કહ્યું: “મહારાજા દાર્યાવેશ, તમે અમર રહો! ૭ બધા રાજ્ય અધિકારીઓ, સરસૂબાઓ, સૂબાઓ, મંત્રીઓ અને રાજ્યપાલોએ ચર્ચા-વિચારણા કરી છે. અમે ચાહીએ છીએ કે તમે એક મનાઈ હુકમ બહાર પાડો. આવનાર ૩૦ દિવસ સુધી જો કોઈ માણસ તમારા સિવાય બીજા કોઈ માણસ કે દેવને અરજ કરે, તો તેને સિંહોના બીલમાં* નાખી દેવામાં આવે.+ ૮ હે મહારાજા, તમે ફરમાન બહાર પાડો અને એના પર સહી કરો,+ જેથી એને બદલી ન શકાય. કેમ કે માદીઓ અને ઈરાનીઓનો નિયમ કદી બદલાતો નથી.”+
૯ રાજા દાર્યાવેશે મનાઈ હુકમ પર સહી કરી.
૧૦ રાજાએ મનાઈ હુકમ પર સહી કરી છે એ વિશે જાણ્યું કે તરત દાનિયેલ પોતાના ઘરે ગયો. (તેના ઘરની ઉપરની ઓરડીની બારીઓ યરૂશાલેમ તરફ ખુલતી હતી.)+ તે અગાઉ કરતો હતો તેમ તેણે દિવસમાં ત્રણ વાર ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરી અને પોતાના ઈશ્વરની સ્તુતિ કરી. ૧૧ એવામાં પેલા માણસો દાનિયેલના ઘરમાં ઘૂસી ગયા. તેઓએ જોયું કે દાનિયેલ પોતાના ઈશ્વરને પ્રાર્થના અને અરજ કરતો હતો.
૧૨ એ માણસો રાજા પાસે ગયા અને મનાઈ હુકમ વિશે યાદ અપાવતા કહ્યું: “હે મહારાજા, શું તમે એવા મનાઈ હુકમ પર સહી કરી ન હતી કે આવનાર ૩૦ દિવસ સુધી જો કોઈ માણસ તમારા સિવાય બીજા કોઈ માણસ કે દેવને અરજ કરે, તો તેને સિંહોના બીલમાં નાખી દેવામાં આવે?” રાજાએ કહ્યું: “હા, માદીઓ અને ઈરાનીઓના નિયમ મુજબ એ મનાઈ હુકમ બહાર પાડવામાં આવ્યો છે, જેને કોઈ બદલી શકતું નથી.”+ ૧૩ તેઓએ તરત જ રાજાને કહ્યું: “યહૂદાના એક ગુલામે, પેલા દાનિયેલે+ તમારું અપમાન કર્યું છે. તેણે તમારા મનાઈ હુકમનો અનાદર કર્યો છે, જેના પર તમે પોતે સહી કરી હતી. તે દિવસમાં ત્રણ વાર પોતાના ઈશ્વરને પ્રાર્થના કરે છે.”+ ૧૪ એ શબ્દો સાંભળતાં જ રાજા દુઃખી દુઃખી થઈ ગયો. તે વિચારવા લાગ્યો કે દાનિયેલને કઈ રીતે બચાવી શકાય. સૂર્ય આથમતાં સુધી તેણે દાનિયેલને બચાવવાના ઘણા પ્રયત્નો કર્યા. ૧૫ પેલા માણસો ભેગા થઈને રાજા પાસે પાછા ગયા. તેઓએ રાજાને કહ્યું: “હે અમારા માલિક, તમે સારી રીતે જાણો છો કે માદીઓ અને ઈરાનીઓના નિયમ પ્રમાણે જો રાજા કોઈ મનાઈ હુકમ કે ફરમાન બહાર પાડે તો એને બદલી શકાતું નથી.”+
૧૬ રાજાએ હુકમ કર્યો અને તેઓ દાનિયેલને લઈ આવ્યા. તેઓએ દાનિયેલને સિંહોના બીલમાં નાખી દીધો.+ રાજાએ દાનિયેલને કહ્યું: “તારો ઈશ્વર, જેની તું હંમેશાં ભક્તિ કરે છે, તે તને બચાવશે.” ૧૭ પછી એક પથ્થર લાવીને બીલનું મોં બંધ કરવામાં આવ્યું. રાજાએ પોતાની વીંટીથી* અને પ્રધાનોની વીંટીથી એના પર મહોર* કરી, જેથી દાનિયેલ વિશે લીધેલો નિર્ણય બદલી ન શકાય.
૧૮ રાજા પોતાના મહેલમાં પાછો ગયો. તેણે આખી રાત કંઈ ખાધું-પીધું નહિ. તેણે નાચ-ગાન જોવાની પણ ના પાડી દીધી.* તે રાતભર ઊંઘી શક્યો નહિ.* ૧૯ વહેલી સવારે ઊઠીને રાજા ઉતાવળે સિંહોના બીલ પાસે ગયો. ૨૦ બીલ નજીક પહોંચતાં જ તેણે દુઃખી અવાજે દાનિયેલને બૂમ પાડી. તેણે કહ્યું: “હે દાનિયેલ, જીવતા ઈશ્વરના સેવક, જે ઈશ્વરની તું હંમેશાં ભક્તિ કરે છે, તે શું તને સિંહોના મોંમાંથી બચાવી શક્યો છે?” ૨૧ દાનિયેલે તરત જવાબ આપ્યો: “રાજાજી, તમે જુગ જુગ જીવો! ૨૨ મારા ઈશ્વરે દૂત મોકલીને સિંહોનાં મોં બંધ કરી દીધાં+ અને સિંહોએ મને કંઈ ઈજા કરી નથી.+ કેમ કે મારા ઈશ્વરની નજરમાં હું નિર્દોષ છું અને મારા માલિક, મેં તમારું પણ કંઈ ખોટું કર્યું નથી.”
૨૩ રાજા બહુ ખુશ થઈ ગયો. તેણે આજ્ઞા આપી કે દાનિયેલને સિંહોના બીલમાંથી બહાર કાઢવામાં આવે. દાનિયેલને બહાર કાઢવામાં આવ્યો. તેને જરાય ઈજા થઈ ન હતી, કેમ કે તેણે પોતાના ઈશ્વર પર ભરોસો રાખ્યો હતો.+
૨૪ રાજાએ હુકમ કર્યો કે દાનિયેલ પર આરોપ મૂકનારાઓને લાવવામાં આવે. પછી તેઓને, તેઓની પત્નીઓને અને તેઓનાં બાળકોને સિંહોના બીલમાં ફેંકી દેવામાં આવ્યાં. તેઓ હજી તળિયે પહોંચે ત્યાં સુધીમાં તો સિંહોએ તેઓ પર તરાપ મારી અને તેઓનાં હાડકાં ભાંગી નાખ્યાં.+
૨૫ રાજા દાર્યાવેશે પૃથ્વીના બધા લોકો, પ્રજાઓ અને જુદી જુદી ભાષાના લોકોને એક સંદેશો લખીને મોકલ્યો:+ “તમને બધાને પુષ્કળ શાંતિ મળે! ૨૬ હું એક હુકમ બહાર પાડું છું, મારા આખા સામ્રાજ્યમાં રહેતા બધા લોકો દાનિયેલના ઈશ્વરનો આદર કરે અને તેનો ડર રાખે.+ તેનો ઈશ્વર જીવંત અને સનાતન છે. તેનું રાજ* સર્વકાળ ટકી રહે છે, તેના રાજ્યનો ક્યારેય નાશ થશે નહિ.+ ૨૭ તે પોતાના ભક્તોને છોડાવે છે અને બચાવે છે.+ તે આકાશમાં અને પૃથ્વી પર ચિહ્નો અને અદ્ભુત કામો કરે છે.+ એ ઈશ્વરે દાનિયેલને સિંહોના પંજામાંથી છોડાવ્યો છે.”
૨૮ આમ, દાર્યાવેશના+ રાજ્યમાં અને ઈરાની રાજા કોરેશના+ રાજ્યમાં દાનિયેલ સફળ થયો.