યર્મિયા
૨૦ યર્મિયાએ ભવિષ્યવાણી કરી ત્યારે, ઇમ્મેરનો દીકરો પાશહૂર યાજક એ બધું સાંભળતો હતો. તે યહોવાના મંદિરનો મુખ્ય અધિકારી હતો. ૨ પાશહૂરે યર્મિયા પ્રબોધકને માર માર્યો. તે યર્મિયાને યહોવાના મંદિર પાસે બિન્યામીનના ઉપરના દરવાજે લઈ ગયો અને તેને હેડમાં* નાખ્યો.+ ૩ બીજા દિવસે પાશહૂરે યર્મિયાને હેડમાંથી* બહાર કાઢ્યો. યર્મિયાએ તેને કહ્યું:
“યહોવાએ તારું નામ પાશહૂર* નહિ, પણ ચારે તરફ આતંક* એવું પાડ્યું છે.+ ૪ યહોવા કહે છે, ‘તારી સાથે જે થશે, એ જોઈને તારા પર અને તારા દોસ્તો પર આતંક છવાઈ જશે. તારી નજર સામે તેઓ દુશ્મનોની તલવારે માર્યા જશે.+ હું આખા યહૂદાને બાબેલોનના રાજાના હાથમાં સોંપી દઈશ. તે તેઓને ગુલામ બનાવીને બાબેલોન લઈ જશે અને તલવારથી કાપી નાખશે.+ ૫ હું આ શહેરની બધી ધનદોલત, માલ-મિલકત, કીમતી વસ્તુઓ અને યહૂદાના રાજાઓનો ખજાનો દુશ્મનોને સોંપી દઈશ.+ તેઓ એને લૂંટી લેશે અને કબજે કરીને બાબેલોન લઈ જશે.+ ૬ હે પાશહૂર, તને અને તારા ઘરમાં રહેતા લોકોને ગુલામીમાં લઈ જવામાં આવશે. તને બાબેલોન લઈ જવામાં આવશે અને ત્યાં તું મરી જશે. ત્યાં તને તારા દોસ્તો સાથે દાટવામાં આવશે, કેમ કે તેં તેઓને જૂઠી ભવિષ્યવાણી કહી હતી.’”+
૭ હે યહોવા, તમે મને છેતર્યો છે અને હું છેતરાઈ ગયો છું.
તમે મારા કરતાં બળવાન છો, તમે મને જીતી લીધો છે.+
આખો દિવસ લોકો મારા પર હસે છે.
હું લોકો આગળ મજાક બની ગયો છું.+
૮ હું તમારો સંદેશો જોરશોરથી જાહેર કરું છું,
“મારામારી અને વિનાશ થશે!”
યહોવાના એ સંદેશાને લીધે આખો દિવસ લોકો મારું અપમાન કરે છે અને મારી મજાક ઉડાવે છે.+
પણ તેમનો સંદેશો મારા દિલમાં આગની જેમ બળવા લાગ્યો,
એ મારાં હાડકાંમાં આગની જેમ સળગી ઊઠ્યો.
હું એને મારી અંદર સમાવી શક્યો નહિ.
હું કોશિશ કરી કરીને થાકી ગયો, પણ ચૂપ રહી શક્યો નહિ.+
૧૦ મેં ખોટી અફવાઓ સાંભળી.
મારા પર ડર છવાઈ ગયો.+
તેઓ કહેતા: “ચાલો, તેનું નામ બદનામ કરીએ! તેના પર આરોપ મૂકીએ!”
મારું ભલું ચાહનારા પણ ટાંપીને બેઠા હતા કે હું ક્યારે પડી જાઉં.+
તેઓ કહેતા: “તે કોઈ ભૂલ કરે બસ એટલી વાર,
આપણે તેના પર હાવી થઈ જઈશું અને બદલો લઈશું.”
૧૧ પણ યહોવા એક શક્તિશાળી યોદ્ધાની જેમ મારી પડખે ઊભા છે.+
એટલે મને સતાવનાર માણસો ઠોકર ખાશે અને હારી જશે.+
તેઓ ભારે શરમમાં મુકાશે, તેઓ સફળ થશે નહિ.
તેઓની એવી ફજેતી થશે કે એ ક્યારેય ભુલાશે નહિ.+
૧૨ હે સૈન્યોના ઈશ્વર યહોવા, તમે નેક માણસની પરખ કરો છો.
તમે અંતરના વિચારો* અને દિલને જુઓ છો.+
૧૩ યહોવા માટે ગીત ગાઓ! યહોવાની સ્તુતિ કરો!
કેમ કે તેમણે દુષ્ટના હાથમાંથી લાચારને છોડાવ્યો છે.
૧૪ ધિક્કાર છે એ દિવસને જ્યારે મારો જન્મ થયો!
અફસોસ છે એ દિવસને જ્યારે મારી માએ મને જન્મ આપ્યો!+
૧૫ ધિક્કાર છે એ માણસને જેણે મારા પિતાને આ ખુશખબર આપી હતી:
“તને દીકરો થયો છે, દીકરો!”
એ સાંભળીને તે ઝૂમી ઊઠ્યા હતા.
૧૬ તે માણસ એવા શહેર જેવો થાય, જેને યહોવાએ કોઈ અફસોસ વગર ઊથલાવી પાડ્યું હતું.
તેને સવારે બૂમબરાડા સંભળાય અને ભરબપોરે યુદ્ધનો પોકાર સંભળાય.
૧૭ તેણે મને કૂખમાં જ કેમ મારી ન નાખ્યો?
કાશ, મારી માની કૂખ મારી કબર બની ગઈ હોત!
તેણે મને જન્મ આપ્યો ન હોત* તો સારું થાત!+
૧૮ હું માની કૂખમાંથી કેમ બહાર આવ્યો?
શું મુશ્કેલીઓ અને દુઃખ જોવાં?
શું અપમાન સહીને મરી જવા?+