લેવીય
૫ “‘જો કોઈ માણસ ગુનો થતાં જુએ અથવા એ વિશે કંઈ જાણતો હોય, તો તે એનો સાક્ષી છે.+ ગુનેગાર વિરુદ્ધ સાક્ષી આપવાની જાહેરાત* સાંભળ્યા છતાં તે ચૂપ રહે તો એ પાપ છે. તેણે પોતાના અપરાધની સજા ભોગવવી પડશે.
૨ “‘અથવા જો કોઈ માણસ અશુદ્ધ વસ્તુને અડકે, પછી ભલે એ અશુદ્ધ જંગલી પ્રાણીનું મડદું હોય, અશુદ્ધ પાલતુ પ્રાણીનું મડદું હોય કે ઝુંડમાં રહેતા અશુદ્ધ પ્રાણીનું* મડદું હોય,+ તો તે માણસ અશુદ્ધ થઈ જાય છે. તેને એનો ખ્યાલ ન હોય, તોપણ તે દોષિત ઠરે. ૩ અથવા જો કોઈ માણસ અજાણતાં એવી અશુદ્ધ વસ્તુને અડકે,+ જેનાથી તે અશુદ્ધ થઈ શકતો હોય અને તેને એની જાણ થાય, તો તે દોષિત ઠરે.
૪ “‘જો કોઈ માણસ વગર વિચાર્યે સમ ખાય, પછી ભલે એ સારું કરવા કે ખરાબ કરવા હોય અને પછીથી તેને અહેસાસ થાય કે પોતે વગર વિચાર્યે સમ ખાઈને ભૂલ કરી છે, તો તે દોષિત ઠરે.*+
૫ “‘જો તે એવું કોઈ પાપ કરીને દોષિત ઠરે, તો તે પોતાનું પાપ કબૂલ કરે+ ૬ અને પોતે કરેલા પાપ માટે તે યહોવાને દોષ-અર્પણ* ચઢાવે.+ તે પાપ-અર્પણ માટે ઘેટાનું માદા બચ્ચું અથવા બકરી ચઢાવે. પછી યાજક તે માણસના પાપ માટે પ્રાયશ્ચિત્ત કરશે.
૭ “‘પણ જો ઘેટાં-બકરાંમાંથી અર્પણ ચઢાવવું તેના ગજા બહાર હોય, તો તે પોતાના પાપ માટે યહોવાને દોષ-અર્પણ તરીકે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં ચઢાવે.+ એક પાપ-અર્પણ માટે અને બીજું અગ્નિ-અર્પણ માટે.+ ૮ એ પક્ષીઓને તે યાજક પાસે લાવે. પછી યાજક એક પક્ષીને પાપ-અર્પણ તરીકે ચઢાવવા એની ગરદન એવી રીતે કાપે, જેથી એનું માથું છૂટું પડી ન જાય. ૯ તે પાપ-અર્પણનું થોડું લોહી લઈને વેદીની એક બાજુએ છાંટે, પણ બાકી રહેલું લોહી વેદીના તળિયે રેડી દે.+ એ પાપ-અર્પણ છે. ૧૦ અગ્નિ-અર્પણ ચઢાવવાની વિધિ પ્રમાણે જ યાજક બીજા પક્ષીનું અગ્નિ-અર્પણ ચઢાવે.+ આ રીતે, યાજક તે માણસે કરેલા પાપ માટે પ્રાયશ્ચિત્ત કરશે અને તેનું પાપ માફ કરવામાં આવશે.+
૧૧ “‘હવે જો બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં ચઢાવવાં તેના ગજા બહાર હોય, તો તે પોતાના પાપ માટે એફાહનો દસમો ભાગ*+ મેંદો પાપ-અર્પણ તરીકે ચઢાવે. પણ તે એમાં તેલ ઉમેરે નહિ અથવા એના પર લોબાન* મૂકે નહિ, કેમ કે એ પાપ-અર્પણ છે. ૧૨ તે એ મેંદો યાજક પાસે લાવે. યાજક એમાંથી એક મુઠ્ઠી મેંદો યાદગીરી તરીકે લે. પછી તે એને યહોવા માટે આગમાં ચઢાવવાના અર્પણ ઉપર વેદી પર ચઢાવે. એ પાપ-અર્પણ છે. ૧૩ જો તે માણસે આગળ જણાવેલું કોઈ પણ પાપ કર્યું હોય, તો યાજક તેના માટે પ્રાયશ્ચિત્ત કરશે અને તેનું પાપ માફ કરવામાં આવશે.+ અનાજ-અર્પણની+ જેમ આ અર્પણમાંથી પણ બાકી રહેલો બધો ભાગ યાજકનો થશે.’”+
૧૪ યહોવાએ મૂસાને આગળ જણાવ્યું: ૧૫ “જો કોઈ માણસ અજાણતાં આજ્ઞા તોડીને યહોવાની પવિત્ર વસ્તુઓ વિરુદ્ધ પાપ કરે,+ તો તે યહોવાને દોષ-અર્પણમાં ખોડખાંપણ વગરનો નર ઘેટો ચઢાવે.+ યાજક જણાવશે કે એ ઘેટો કેટલા શેકેલ* ચાંદીનો હોવો જોઈએ. એ શેકેલ પવિત્ર જગ્યાના શેકેલના તોલમાપ* પ્રમાણે હોય.+ ૧૬ પવિત્ર વસ્તુઓ વિરુદ્ધ કરેલા પાપ માટે તે પૂરેપૂરી નુકસાની ભરી આપે. ઉપરાંત, તે નુકસાની સાથે, કુલ કિંમતનો પાંચમો ભાગ વધારે ચૂકવે.+ તે માણસ દોષ-અર્પણ માટે ચઢાવેલા નર ઘેટા સાથે એ બધી કિંમત યાજકને આપે, જેથી યાજક તેના માટે પ્રાયશ્ચિત્ત કરે+ અને તેનું પાપ માફ કરવામાં આવે.+
૧૭ “જો કોઈ માણસ યહોવાની કોઈ પણ આજ્ઞા તોડીને પાપ કરે, તો તે દોષિત ઠરે. ભલે તેને પોતે કરેલા પાપનો ખ્યાલ ન હોય, પણ તેણે પોતાના અપરાધ માટે જવાબ આપવો પડશે.+ ૧૮ દોષ-અર્પણ માટે નક્કી કરેલી કિંમત પ્રમાણે તે માણસ યાજક પાસે ખોડખાંપણ વગરનો ઘેટો લાવે.+ પછી તે માણસે અજાણતાં કરેલા પાપ માટે યાજક પ્રાયશ્ચિત્ત કરશે અને તેનું પાપ માફ કરવામાં આવશે. ૧૯ એ દોષ-અર્પણ છે. તે માણસ યહોવા વિરુદ્ધ પાપ કરીને સાચે જ દોષિત ઠર્યો છે.”