નિર્ગમન
૩૩ યહોવાએ મૂસાને કહ્યું: “તું જે લોકોને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો હતો, તેઓને લઈને આગળ વધ. એ દેશ તરફ મુસાફરી કર, જે વિશે મેં ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ સમ ખાધા હતા કે, ‘હું એ તારા વંશજને આપીશ.’+ ૨ જુઓ, હું તમારા લોકો આગળ મારો દૂત મોકલીશ.+ હું એ દેશમાંથી કનાનીઓ, અમોરીઓ, હિત્તીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓને હાંકી કાઢીશ.+ ૩ તમે દૂધ-મધની રેલમછેલવાળા દેશમાં જાઓ.+ પણ હું તમારી સાથે નહિ આવું, કેમ કે તમે હઠીલા લોકો છો+ અને કદાચ માર્ગમાં જ હું તમારો નાશ કરી નાખું.”+
૪ જ્યારે લોકોએ એ કડક શબ્દો સાંભળ્યા, ત્યારે તેઓ શોક કરવા લાગ્યા અને કોઈએ પણ પોતાનાં ઘરેણાં પહેર્યાં નહિ. ૫ યહોવાએ મૂસાને કહ્યું: “ઇઝરાયેલીઓને કહે, ‘તમે હઠીલા લોકો છો.+ હું આંખના પલકારામાં તમારી વચ્ચેથી પસાર થઈને તમારો સર્વનાશ કરી શકું છું.+ જ્યાં સુધી હું નક્કી ન કરું કે તમારી સાથે શું કરવું, ત્યાં સુધી પોતાનાં ઘરેણાં પહેરશો નહિ.’” ૬ તેથી ઇઝરાયેલીઓએ હોરેબ પર્વત આગળ પોતાનાં ઘરેણાં કાઢી નાખ્યાં અને ફરી એ પહેર્યાં નહિ.
૭ હવે મૂસાએ પોતાનો તંબુ ઉઠાવ્યો અને છાવણીની બહાર થોડે દૂર લગાવ્યો. તેણે એ તંબુને મુલાકાતમંડપ કહ્યો. લોકો યહોવાની સલાહ લેવા+ છાવણીની બહાર આવેલા એ મુલાકાતમંડપે જતા. ૮ મૂસા એ મંડપ તરફ જતો ત્યારે, લોકો પોતાના તંબુના બારણે ઊભા રહેતા. મૂસા મંડપની અંદર જતો ત્યાં સુધી લોકો તેને જોયા કરતા. ૯ મૂસા જ્યારે મંડપની અંદર જતો અને ઈશ્વર સાથે વાત કરતો, ત્યારે વાદળનો સ્તંભ+ નીચે ઊતરતો અને મંડપના પ્રવેશદ્વાર આગળ ઊભો રહેતો.+ ૧૦ લોકો વાદળના સ્તંભને મંડપના પ્રવેશદ્વાર આગળ જોતા ત્યારે, તેઓ પોતાના તંબુના બારણે જમીન સુધી માથું ટેકવીને નમન કરતા. ૧૧ જેમ એક માણસ બીજા માણસ સાથે વાત કરે, તેમ યહોવાએ મૂસા સાથે મોઢામોઢ વાત કરી.+ મૂસા છાવણીમાં પાછો આવતો ત્યારે, નૂનનો દીકરો યહોશુઆ+ મંડપ આગળથી ખસતો નહિ. યહોશુઆ મૂસાનો સેવક અને મદદગાર હતો.+
૧૨ મૂસાએ યહોવાને કહ્યું: “જુઓ, તમે મને કહો છો કે, ‘આ લોકોને દોર.’ પણ હજી સુધી તમે મને જણાવ્યું નથી કે, તમે મારી સાથે કોને મોકલશો. તમે મને કહ્યું હતું, ‘હું તને નામથી ઓળખું છું* અને તું મારી નજરમાં કૃપા પામ્યો છે.’ ૧૩ હવે જો હું તમારી નજરમાં કૃપા પામ્યો હોઉં, તો મને તમારા માર્ગો વિશે જણાવો,+ જેથી હું તમને ઓળખી શકું અને તમારી નજરમાં કૃપા પામતો રહું. મહેરબાની કરીને યાદ રાખજો કે, આ પ્રજા તમારા જ લોકો છે.”+ ૧૪ એટલે ઈશ્વરે કહ્યું: “હું તારી સાથે આવીશ+ અને હું તને શાંતિ આપીશ.”+ ૧૫ મૂસાએ કહ્યું: “જો તમે અમારી સાથે ન આવવાના હો, તો અમને અહીંથી આગળ મોકલશો નહિ. ૧૬ મને અને તમારા લોકોને કઈ રીતે ખબર પડશે કે અમે તમારી નજરમાં કૃપા પામ્યા છીએ? જો તમે અમારી સાથે આવશો,+ તો જ અમને ખબર પડશે. આ રીતે, અમે જાણી શકીશું કે હું અને તમારા લોકો પૃથ્વી પરની બીજી બધી પ્રજાઓ કરતાં અલગ છીએ.”+
૧૭ યહોવાએ મૂસાને કહ્યું: “તારા કહ્યા પ્રમાણે હું એ પણ કરીશ, કેમ કે તું મારી નજરમાં કૃપા પામ્યો છે અને હું તને નામથી ઓળખું છું.” ૧૮ પછી મૂસાએ કહ્યું: “કૃપા કરીને મને તમારું ગૌરવ બતાવો.” ૧૯ પણ ઈશ્વરે કહ્યું: “હું તને મારી બધી ભલાઈ બતાવીશ અને મારું નામ યહોવા હું તારી આગળ જાહેર કરીશ.+ જેને હું કૃપા બતાવવા ચાહું છું, તેને કૃપા બતાવીશ અને જેને હું દયા બતાવવા ચાહું છું, તેને દયા બતાવીશ.”+ ૨૦ ઈશ્વરે એ પણ કહ્યું: “તું મારું મોં નહિ જોઈ શકે, કેમ કે મારું મોં જોઈને કોઈ માણસ જીવતો રહી શકતો નથી.”
૨૧ યહોવાએ કહ્યું: “મારી નજીક એક ખડક છે, એના પર તું ઊભો રહેજે. ૨૨ જ્યારે મારું ગૌરવ તારી આગળથી પસાર થશે, ત્યારે હું તને ખડકની ફાટમાં રાખીશ. હું પસાર થઈ જાઉં ત્યાં સુધી મારા હાથથી તને ઢાંકી રાખીશ. ૨૩ પછી હું મારો હાથ લઈ લઈશ અને તું મારી પીઠ જોઈ શકીશ. પણ તું મારું મોં નહિ જોઈ શકે.”+