એઝરા
૧ ઈરાનના* રાજા કોરેશના+ શાસનનું પહેલું વર્ષ હતું. યહોવાએ* કોરેશના દિલમાં ઇચ્છા જગાડી કે તે એક હુકમ બહાર પાડે, જેથી યહોવાએ યર્મિયા દ્વારા આપેલું વચન પૂરું થાય.+ કોરેશે એ હુકમ લખાવી લીધો+ અને પોતાના આખા રાજ્યમાં એનો ઢંઢેરો પિટાવ્યો:
૨ “ઈરાનનો રાજા કોરેશ આમ કહે છે, ‘સ્વર્ગના ઈશ્વર યહોવાએ પૃથ્વી પરનાં સર્વ રાજ્યો મને સોંપ્યાં છે.+ તેમણે મને યહૂદામાં આવેલા યરૂશાલેમમાં તેમનું મંદિર બાંધવાની જવાબદારી સોંપી છે.+ ૩ તે જ સાચા ઈશ્વર* છે. તેમના લોકોમાંનો જે કોઈ તમારામાં હોય, તેના ઈશ્વર તેની સાથે રહે અને તે યહૂદામાં આવેલા યરૂશાલેમમાં પાછો જાય. તેમના લોકો ઇઝરાયેલના ઈશ્વર યહોવાનું મંદિર ફરીથી બાંધે, જે યરૂશાલેમમાં હતું.* ૪ જે યહૂદી અહીં પરદેશી તરીકે રહે છે,+ ભલે પછી તે ગમે ત્યાં હોય, પડોશીઓ* તેને આ મદદ કરે: તેઓ સોનું, ચાંદી, સાધન-સામગ્રી અને ઢોરઢાંક આપે. યરૂશાલેમમાં સાચા ઈશ્વરના મંદિર માટે તેઓ સ્વેચ્છા-અર્પણ* આપે.’”+
૫ યહૂદાનાં અને બિન્યામીનનાં કુટુંબોના વડાઓ, યાજકો અને લેવીઓ યરૂશાલેમ જવા તૈયાર થયા. જેઓને ઈશ્વરે પ્રેરણા આપી તેઓ સર્વ તૈયાર થયા, જેથી યરૂશાલેમમાં યહોવાનું મંદિર ફરીથી બાંધી શકે. ૬ તેઓના પડોશીઓએ સોના-ચાંદીનાં વાસણો, સાધન-સામગ્રી, ઢોરઢાંક અને મૂલ્યવાન ચીજવસ્તુઓ આપીને તેઓને મદદ કરી. તેઓએ સ્વેચ્છા-અર્પણો પણ આપ્યાં.
૭ અગાઉ નબૂખાદનેસ્સારે યરૂશાલેમથી યહોવાના મંદિરનાં વાસણો લાવીને પોતાના દેવના મંદિરમાં મૂક્યાં હતાં. એ વાસણો પણ રાજા કોરેશે પાછાં આપ્યાં.+ ૮ ઈરાનના રાજા કોરેશે ખજાનચી મિથ્રદાથની દેખરેખ નીચે એ વાસણો મંગાવી આપ્યાં. મિથ્રદાથે એની યાદી બનાવીને યહૂદાના મુખી શેશ્બાસ્સારને* આપી.+
૯ વાસણોની યાદી આ હતી: સોનાની ૩૦ ટોપલીઓ, ચાંદીની ૧,૦૦૦ ટોપલીઓ, બીજાં ૨૯ વાસણો, ૧૦ સોનાના ૩૦ નાના વાટકા, ચાંદીના ૪૧૦ નાના વાટકા અને બીજાં ૧,૦૦૦ વાસણો. ૧૧ સોના-ચાંદીનાં કુલ ૫,૪૦૦ વાસણો હતાં. બાબેલોનની ગુલામીમાં* ગયેલા લોકો+ પાછા યરૂશાલેમ આવ્યા ત્યારે, શેશ્બાસ્સાર એ બધાં વાસણો પોતાની સાથે લઈ આવ્યો.