યહોશુઆ
૨૦ પછી યહોવાએ યહોશુઆને કહ્યું: ૨ “ઇઝરાયેલીઓને કહે, ‘મેં તમને મૂસા દ્વારા જણાવ્યું હતું એ પ્રમાણે તમે પોતાના માટે આશ્રય શહેરો* પસંદ કરો.+ ૩ જો કોઈ અજાણતાં કે અકસ્માતે કોઈને મારી નાખે, તો તે ત્યાં નાસી જઈ શકે. એ શહેરો તેને લોહીનો બદલો લેનારથી આશ્રય આપશે.+ ૪ તેણે એમાંના કોઈ એક શહેરમાં નાસી જવું+ અને શહેરના દરવાજા આગળ ઊભા રહેવું.+ તેણે એ શહેરના વડીલોને પોતાની હકીકત જણાવવી. પછી વડીલો તેને શહેરમાં આવવા દેશે. તેઓ તેને પોતાની વચ્ચે રહેવાની જગ્યા આપશે અને તે તેઓ સાથે રહેશે. ૫ જો લોહીનો બદલો લેનાર તેની પાછળ પડ્યો હોય, તો વડીલોએ ખૂનીને તેના હાથમાં સોંપવો નહિ. તેનાથી અકસ્માતે* કોઈનું ખૂન થયું છે, તે કંઈ તેને અગાઉ ધિક્કારતો ન હતો.+ ૬ જ્યાં સુધી સમાજના ન્યાયાધીશો* આગળ તેનો ન્યાય ન થાય+ અને એ સમયના પ્રમુખ યાજકનું મરણ ન થાય, ત્યાં સુધી ખૂનીએ એ શહેરમાં જ રહેવું.+ પછી ખૂની જ્યાંથી નાસી છૂટ્યો હતો, એ શહેરમાં પાછો ફરી શકે. તે પોતાના શહેર, પોતાના ઘરે પાછો જઈ શકે.’”+
૭ એટલે તેઓએ આ શહેરો અલગ* કર્યાં: નફતાલીના પહાડી વિસ્તારમાં આવેલા ગાલીલનું કેદેશ,+ એફ્રાઈમના પહાડી વિસ્તારનું શખેમ,+ યહૂદાના પહાડી વિસ્તારનું કિર્યાથ-આર્બા,+ એટલે કે હેબ્રોન. ૮ યરીખોની પૂર્વે યર્દનની પેલે પાર તેઓએ આ શહેરો પસંદ કર્યાં: રૂબેન કુળના વિસ્તારમાં સપાટ જગ્યા પર આવેલા વેરાન પ્રદેશનું બેસેર,+ ગાદ કુળના વિસ્તારમાં ગિલયાદનું રામોથ+ અને મનાશ્શા+ કુળના વિસ્તારમાં બાશાનનું ગોલાન.+
૯ ઇઝરાયેલીઓ અને તેઓ મધ્યે રહેતા પરદેશીઓ માટે એ શહેરો પસંદ કરવામાં આવ્યાં. જો કોઈ અજાણતાં કોઈને મારી નાખે, તો તે એમાં નાસી જઈ શકે.+ ન્યાયાધીશો આગળ તેનો ન્યાય થતા પહેલાં, લોહીનો બદલો લેનારના હાથે તે માર્યો ન જાય.+