દાનિયેલ
૧ યહૂદાના રાજા યહોયાકીમના+ શાસનના ત્રીજા વર્ષની આ વાત છે. બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર યરૂશાલેમ આવ્યો અને એને ઘેરી લીધું.+ ૨ પછી યહોવાએ* યહૂદાના રાજા યહોયાકીમને અને સાચા ઈશ્વરના* મંદિરનાં* અમુક વાસણોને નબૂખાદનેસ્સારના હાથમાં સોંપ્યાં.+ તે એ વાસણો શિનઆર દેશમાં*+ પોતાના દેવના મંદિરમાં લઈ ગયો અને એના ભંડારમાં મૂક્યાં.+
૩ રાજાએ મુખ્ય દરબારી આસ્પનાઝને હુકમ કર્યો કે તે ઇઝરાયેલના* અમુક યુવાનોને લઈ આવે, જેઓમાં રાજાઓના અને પ્રધાનોના વંશજો પણ હોય.+ ૪ મુખ્ય દરબારીએ જોવાનું હતું કે એ યુવાનો* ખોડખાંપણ વગરના અને દેખાવડા હોય. તેઓ બુદ્ધિ, જ્ઞાન અને સમજશક્તિથી ભરપૂર હોય+ અને રાજાના મહેલમાં સેવા કરવા સક્ષમ હોય. તેણે તેઓને ખાલદીઓનાં* સાહિત્યનું* અને ભાષાનું શિક્ષણ આપવાનું હતું. ૫ રાજાએ હુકમ આપ્યો કે તેઓને રાજાના ભોજનમાંથી દરરોજ ખોરાક અને દ્રાક્ષદારૂ આપવામાં આવે. તેઓને ત્રણ વર્ષ સુધી તાલીમ* આપવાની હતી. તાલીમ પૂરી થયા પછી તેઓએ રાજાની સેવામાં હાજર થવાનું હતું.
૬ તેઓમાંથી અમુક યુવાનો યહૂદા કુળના* હતા, જેમ કે દાનિયેલ,*+ હનાન્યા,* મીશાએલ* અને અઝાર્યા.*+ ૭ મુખ્ય દરબારીએ તેઓને નવાં નામ* આપ્યાં. તેણે દાનિયેલનું નામ બેલ્ટશાસ્સાર,+ હનાન્યાનું નામ શાદ્રાખ, મીશાએલનું નામ મેશાખ અને અઝાર્યાનું નામ અબેદ-નગો+ પાડ્યું.
૮ દાનિયેલે પાકો નિર્ણય કર્યો હતો કે તે રાજાના ખોરાકથી કે દ્રાક્ષદારૂથી પોતાને અશુદ્ધ નહિ કરે. તેણે મુખ્ય દરબારીને વિનંતી કરી* કે તેને એવું ભોજન ન આપે જેનાથી તે અશુદ્ધ થાય. ૯ સાચા ઈશ્વરે મુખ્ય દરબારીને પ્રેરણા આપી કે તે દાનિયેલ પર કૃપા* અને દયા બતાવે.+ ૧૦ મુખ્ય દરબારીએ દાનિયેલને કહ્યું: “હું મારા માલિક, મારા રાજાથી ડરું છું. તેમણે તમારા બધાનું ખાવા-પીવાનું નક્કી કર્યું છે. જો રાજા જુએ કે તમારી ઉંમરના બીજા યુવાનોની સરખામણીમાં તમે નબળા દેખાઓ છો, તો ખબર છે શું થશે? તે મારું માથું ધડથી અલગ કરી દેશે.”* ૧૧ હવે મુખ્ય દરબારીએ દાનિયેલ, હનાન્યા, મીશાએલ અને અઝાર્યા પર એક કારભારી ઠરાવ્યો હતો. દાનિયેલે એ કારભારીને કહ્યું: ૧૨ “કૃપા કરીને દસ દિવસ સુધી તમારા આ સેવકોની પરખ કરી જુઓ. અમને ખાવા માટે શાકભાજી* અને પીવા માટે પાણી આપો. ૧૩ પછી રાજાના ભોજનમાંથી ખાતા યુવાનોની સાથે અમારી સરખામણી કરી જોજો. આખરે તમને જેમ ઠીક લાગે એમ કરજો.”
૧૪ કારભારીએ તેઓની વાત માની અને દસ દિવસ સુધી તેઓની પરખ કરી. ૧૫ દસ દિવસના અંતે જોવા મળ્યું કે રાજાના ભોજનમાંથી ખાતા બીજા યુવાનો કરતાં આ યુવાનો વધારે દેખાવડા અને તંદુરસ્ત* હતા. ૧૬ એટલે કારભારી તેઓને રાજાના ભોજન અને દ્રાક્ષદારૂને બદલે શાકભાજી* આપતો રહ્યો. ૧૭ સાચા ઈશ્વરે આ ચાર યુવાનોને જ્ઞાન, બુદ્ધિ અને દરેક પ્રકારનું સાહિત્ય સમજવા ઊંડી સમજણ આપી. તેમણે દાનિયેલને બધાં પ્રકારનાં દર્શનો અને સપનાં સમજવાની આવડત આપી.+
૧૮ રાજાએ ઠરાવેલો સમય પૂરો થયો પછી, મુખ્ય દરબારીએ બધા યુવાનોને નબૂખાદનેસ્સાર રાજા આગળ હાજર કર્યા.+ ૧૯ રાજાએ તેઓ સાથે વાત કરી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે બધા યુવાનોમાં દાનિયેલ, હનાન્યા, મીશાએલ અને અઝાર્યા+ જેવું બીજું કોઈ નથી. પછી તેઓએ રાજાની હજૂરમાં સેવા કરવાનું શરૂ કર્યું. ૨૦ રાજા જ્યારે બુદ્ધિ અને સમજણ વિશે વાત કરતો, ત્યારે આ ચાર યુવાનો અલગ તરી આવતા. રાજાને ખ્યાલ આવ્યો કે તેના આખા સામ્રાજ્યના જાદુગરો* અને તાંત્રિકો+ કરતાં એ યુવાનો દસ ગણા વધારે ચઢિયાતા છે. ૨૧ કોરેશ રાજાના શાસનના પહેલા વર્ષ સુધી દાનિયેલ બાબેલોનમાં જ રહ્યો.+