હઝકિયેલ
૮ છઠ્ઠા વર્ષનો* છઠ્ઠો મહિનો હતો. એ મહિનાના પાંચમા દિવસે હું મારા ઘરમાં બેઠો હતો અને મારી સામે યહૂદાના વડીલો બેઠા હતા. ત્યાં વિશ્વના માલિક યહોવાની શક્તિ* મારા પર ઊતરી આવી. ૨ હું જોતો હતો એવામાં મને કોઈ દેખાયું, જેમનો દેખાવ ઝળહળતી આગ જેવો હતો. તેમની કમરની નીચેનો ભાગ આગ જેવો હતો.+ તેમની કમરની ઉપરનો ભાગ ચળકતી ધાતુ* જેવો હતો.+ ૩ તેમણે હાથ જેવું કંઈક લંબાવીને મારા વાળની લટ પકડી. ઈશ્વરે બતાવેલા દર્શનમાં તેમની શક્તિએ* મને હવામાં અધ્ધર* ઉઠાવી લીધો. એ મને યરૂશાલેમમાં મંદિરની ઉત્તર તરફ આવેલા અંદરના દરવાજે+ લઈ ગઈ. એ જગ્યાએ એવી મૂર્તિ હતી, જેનાથી ઈશ્વરને રોષ ચઢે અને તેમનું અપમાન થાય.+ ૪ જુઓ, ત્યાં મેં ઇઝરાયેલના ઈશ્વરનું ગૌરવ જોયું!+ મેં મેદાનમાં જેવું ગૌરવ જોયું હતું એવું એ દેખાતું હતું.+
૫ તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા, હવે ઉત્તર તરફ નજર કર.” એટલે મેં ઉત્તર તરફ જોયું. ત્યાં વેદીની ઉત્તર તરફ આવેલા દરવાજે એવી મૂર્તિ હતી, જેનાથી ઈશ્વરને રોષ ચઢે. ૬ તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા, શું તેં જોયું કે ઇઝરાયેલના લોકો અહીં કેવાં અધમ અને નીચ કામો કરે છે?+ એના લીધે હું મારા મંદિરથી દૂર ને દૂર ચાલ્યો જાઉં છું.+ પણ તું હજુ એનાથી પણ વધારે નીચ કામો જોઈશ.”
૭ પછી તે મને આંગણાના* દરવાજે લાવ્યા અને મેં જોયું તો દીવાલમાં કાણું હતું. ૮ તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા, દીવાલમાં ગાબડું પાડ.” મેં દીવાલમાં ગાબડું પાડ્યું તો અંદર જવાનો રસ્તો દેખાયો. ૯ તેમણે મને કહ્યું: “અંદર જઈને જો, તેઓ અહીં કેવાં દુષ્ટ અને અધમ કામો કરે છે.” ૧૦ મેં અંદર જઈને જોયું તો ચારે બાજુ દીવાલ પર પેટે ચાલનારા દરેક પ્રકારનાં જાનવરો અને ચીતરી ચઢે એવાં જાનવરો+ કોતરેલાં હતાં. ઇઝરાયેલી લોકોની બધી ધિક્કારપાત્ર મૂર્તિઓ*+ પણ દીવાલ પર કોતરેલી હતી. ૧૧ એની આગળ ઇઝરાયેલના ૭૦ વડીલો ઊભા હતા. તેઓમાં શાફાનનો+ દીકરો યાઅઝાન્યા પણ હતો. દરેકના હાથમાં પોતપોતાની ધૂપદાનીઓ હતી અને ધૂપનો* સુગંધીદાર ધુમાડો ઉપર ચઢતો હતો.+ ૧૨ તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા, શું તેં જોયું કે ઇઝરાયેલના વડીલો અંધકારમાં, પોતપોતાની અંદરની ઓરડીઓમાં મૂર્તિઓ આગળ* કેવાં કામો કરે છે? તેઓ કહે છે, ‘યહોવા આપણને નથી જોતા. યહોવા દેશ છોડીને ચાલ્યા ગયા છે.’”+
૧૩ પછી તેમણે મને કહ્યું: “તું તેઓને હજુ પણ વધારે નીચ કામો કરતા જોઈશ.” ૧૪ તે મને યહોવાના મંદિરના ઉત્તરના દરવાજા પાસે લઈ આવ્યા. ત્યાં મેં જોયું કે સ્ત્રીઓ બેઠી બેઠી તામ્મૂઝ દેવ માટે રડતી હતી.
૧૫ તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા, શું તેં એ જોયું? તું એનાથી પણ વધારે નીચ કામો જોઈશ.”+ ૧૬ તે મને યહોવાના મંદિરના અંદરના આંગણામાં+ લઈ આવ્યા. યહોવાના મંદિરના દરવાજા પાસે, એટલે કે પરસાળ અને વેદી વચ્ચે આશરે ૨૫ માણસો હતા. તેઓની પીઠ યહોવાના મંદિર તરફ હતી અને મોં પૂર્વ તરફ હતાં. તેઓ પૂર્વ તરફ ઘૂંટણિયે પડીને સૂર્યને નમન કરતા હતા.+
૧૭ તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા, શું તેં એ જોયું? યહૂદાના લોકો નીચ કામો કરે, આખો દેશ હિંસાથી ભરી દે+ અને મને રોષ ચઢાવતા રહે, શું એ નાનીસૂની વાત છે? એ જાણે ઓછું હોય એમ તેઓ મારા નાકને ડાળી* અડાડે છે. ૧૮ એટલે મારો ક્રોધ સળગી ઊઠશે. હું રહેમ કરીશ નહિ.* હું જરાય દયા* બતાવીશ નહિ.+ તેઓ મારા કાનમાં જોરજોરથી બૂમો પાડશે, તોપણ હું સાંભળીશ નહિ.”+