અયૂબ
૪૨ પછી અયૂબે યહોવાને જવાબમાં કહ્યું:
૨ “હવે હું જાણું છું કે તમે બધું જ કરી શકો છો;
એવું કંઈ નથી, જે તમે નક્કી કર્યું હોય અને પૂરું ન કરી શકો.+
૩ તમે કહ્યું હતું, ‘આ કોણ છે, જે અક્કલ વગર મારી સલાહને મારી-મચકોડીને જણાવે છે?’+
એ તો હું બોલ્યો હતો, હું કંઈ પણ સમજ્યા વગર બોલ્યો હતો.
એ બધી અદ્ભુત વાતો વિશે બોલ્યો હતો, જેના વિશે મને કંઈ ખબર નથી.+
૪ તમે કહ્યું હતું, ‘હવે હું બોલીશ અને તું મારું સાંભળ.
હું તને સવાલ પૂછીશ અને તું મને જવાબ આપ.’+
૫ મારા કાનોએ તમારા વિશે સાંભળ્યું હતું,
પણ હવે મારી આંખોએ તમને જોયા છે.
૭ આમ યહોવાએ અયૂબ સાથે વાત પૂરી કરી. પછી યહોવાએ અલીફાઝ તેમાનીને કહ્યું:
“મારો ગુસ્સો તારા પર અને તારા બે મિત્રો પર સળગી ઊઠ્યો છે,+ કેમ કે જેમ મારો સેવક અયૂબ મારા વિશે સાચું બોલ્યો, તેમ તમે બોલ્યા નથી.+ ૮ હવે સાત આખલા* અને સાત નર ઘેટા લઈને મારા સેવક અયૂબ પાસે જા. તું અને તારા મિત્રો તમારા માટે અગ્નિ-અર્પણ ચઢાવો. મારો સેવક અયૂબ તમારા માટે પ્રાર્થના કરશે.+ મારા સેવક અયૂબની જેમ તમે મારા વિશે સાચું બોલ્યા નથી. છતાં તેની વિનંતી સ્વીકારીને* હું તમારી મૂર્ખતાની સજા તમને નહિ આપું.”
૯ અલીફાઝ તેમાની, બિલ્દાદ શૂહી અને સોફાર નાઅમાથીએ યહોવાના કહ્યા પ્રમાણે કર્યું. અને યહોવાએ અયૂબની પ્રાર્થના સ્વીકારી.
૧૦ અયૂબે પોતાના મિત્રો માટે પ્રાર્થના કરી+ એ પછી યહોવાએ અયૂબની દુઃખ-તકલીફો દૂર કરી+ અને તેની સમૃદ્ધિ પાછી આપી.* અયૂબ પાસે પહેલાં જે હતું, એના કરતાં બમણું યહોવાએ તેને આપ્યું.+ ૧૧ તેનાં બધાં ભાઈ-બહેનો અને જૂના મિત્રો+ તેને મળવા આવ્યાં. તેઓ તેના ઘરમાં તેની સાથે જમ્યાં અને તેને સહાનુભૂતિ બતાવી. યહોવાએ જે આફતો તેના પર આવવાની પરવાનગી આપી હતી, એ માટે તેને દિલાસો આપ્યો. તેઓ દરેકે તેને ચાંદીનો એક ટુકડો અને સોનાની એક કડી આપી.
૧૨ આમ યહોવાએ અયૂબને અગાઉના દિવસો કરતાં પાછલા દિવસોમાં વધારે આશીર્વાદ આપ્યો.+ અયૂબ ૧૪,૦૦૦ ઘેટાં, ૬,૦૦૦ ઊંટો, ૧,૦૦૦ જોડ ઢોરઢાંક અને ૧,૦૦૦ ગધેડીઓનો માલિક બન્યો.+ ૧૩ તેને બીજાં સાત દીકરાઓ અને ત્રણ દીકરીઓ થયાં.+ ૧૪ તેણે પહેલી દીકરીનું નામ યમીમાહ, બીજીનું નામ કસીઆહ અને ત્રીજીનું નામ કેરેન-હાપ્પૂખ પાડ્યું. ૧૫ આખા દેશમાં અયૂબની દીકરીઓ જેવી ખૂબસૂરત સ્ત્રીઓ બીજી કોઈ ન હતી. અયૂબે પોતાના દીકરાઓની સાથે સાથે પોતાની દીકરીઓને પણ વારસામાં હિસ્સો આપ્યો.
૧૬ ત્યાર બાદ અયૂબ ૧૪૦ વર્ષ જીવ્યો. તેણે પોતાનાં બાળકો અને પૌત્રો-પૌત્રીઓ, હા, ચાર પેઢીઓ જોઈ. ૧૭ આખરે, ખૂબ લાંબું અને સંતોષકારક જીવન જીવીને અયૂબ ગુજરી ગયો.