લેવીય
૨૨ યહોવાએ મૂસાને આગળ કહ્યું: ૨ “હારુન અને તેના દીકરાઓને કહે, ઇઝરાયેલીઓ જે વસ્તુઓને પવિત્ર ઠરાવે છે+ અને મને અર્પિત કરે છે, એ પવિત્ર વસ્તુઓનો તેઓ દુરુપયોગ ન કરે અને મારા પવિત્ર નામનું અપમાન ન કરે.+ હું યહોવા છું. ૩ તેઓને કહે, ‘આ નિયમ તમને પેઢી દર પેઢી લાગુ પડે છે, જો અશુદ્ધ હોવા છતાં તમારો કોઈ વંશજ પવિત્ર ઠરાવેલી વસ્તુઓની નજીક આવે, તો તે મારી આગળ માર્યો જાય.+ ઇઝરાયેલીઓ એ વસ્તુઓ યહોવા માટે આપે છે. હું યહોવા છું. ૪ હારુનના વંશજમાંથી જો કોઈ માણસ આ કારણોથી અશુદ્ધ થયો હોય, તો તે ફરી શુદ્ધ ન થાય+ ત્યાં સુધી પવિત્ર વસ્તુઓમાંથી ન ખાય: રક્તપિત્તથી,*+ સ્રાવથી,+ મરેલી વ્યક્તિથી અશુદ્ધ થયેલી વ્યક્તિને અડકવાથી,+ વીર્યના સ્રાવથી,+ ૫ ઝુંડમાં રહેતા અશુદ્ધ પ્રાણીને* અડકવાથી+ અથવા કોઈ પણ કારણથી અશુદ્ધ થયેલા માણસને અડકવાથી.+ ૬ જો તે માણસ એમાંના કોઈને પણ અડકે, તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય અને પવિત્ર વસ્તુઓમાંથી ન ખાય. પણ તે સ્નાન કરે+ ૭ અને સૂર્ય આથમ્યા પછી તે શુદ્ધ ગણાય. પછી તે પવિત્ર વસ્તુઓમાંથી ખાઈ શકે, કેમ કે એ તેનો ખોરાક છે.+ ૮ તે એવા પ્રાણીનું માંસ ન ખાય, જે તેને મરેલું મળ્યું હોય અથવા જંગલી જાનવરે ફાડી ખાધું હોય. એવું માંસ ખાઈને તે પોતાને અશુદ્ધ ન કરે.+ હું યહોવા છું.
૯ “‘તેઓ મારી આજ્ઞાઓ પાળે, જેથી તેઓ પવિત્ર વસ્તુઓને ભ્રષ્ટ કરીને પાપ કરી ન બેસે. નહિતર, તેઓ માર્યા જશે. હું યહોવા છું, જે તેઓને પવિત્ર કરે છે.
૧૦ “‘યાજકના કુટુંબનો ન હોય એવો કોઈ પણ માણસ* પવિત્ર વસ્તુઓમાંથી ન ખાય.+ યાજકના ઘરે રોકાયેલો કોઈ પરદેશી કે યાજકે રાખેલો મજૂર પણ એમાંથી ન ખાય. ૧૧ પણ જો યાજકે કોઈ ચાકરને પોતાના પૈસાથી ખરીદ્યો હોય તો તે ચાકર એમાંથી ખાઈ શકે. યાજકના ઘરમાં જન્મેલા ચાકરો પણ એમાંથી ખાઈ શકે.+ ૧૨ જો યાજકની દીકરી કોઈ એવા પુરુષને પરણે, જે યાજક નથી,* તો તે દીકરી પવિત્ર દાનોમાંથી, એટલે કે પવિત્ર વસ્તુઓમાંથી ન ખાય. ૧૩ પણ જો યાજકની દીકરી વિધવા થાય અથવા તેના છૂટાછેડા થાય અને તેને બાળક ન હોય અને તે પિતાના ઘરે પાછી આવે, તો તે પિતાના ખોરાકમાંથી ખાઈ શકે. જેમ યુવાનીમાં તે પિતાના ખોરાકમાંથી ખાતી હતી, તેમ હમણાં ખાઈ શકે.+ પણ યાજકના કુટુંબનો ન હોય એવો કોઈ પણ માણસ* એમાંથી ન ખાય.
૧૪ “‘જો કોઈ માણસ ભૂલથી પવિત્ર વસ્તુઓમાંથી ખાઈ લે, તો તે માણસ યાજકને એ પવિત્ર વસ્તુની પૂરેપૂરી નુકસાની ભરી આપે. ઉપરાંત એનો પાંચમો ભાગ એમાં ઉમેરીને આપે.+ ૧૫ ઇઝરાયેલીઓ જે પવિત્ર વસ્તુઓ યહોવાને દાનમાં આપે છે, એને યાજકો ભ્રષ્ટ ન કરે+ ૧૬ અને લોકોને એ પવિત્ર વસ્તુઓમાંથી ખાવા દઈને લોકો પર એ દોષની સજા ન લાવે. કેમ કે હું યહોવા છું, જે તેઓને પવિત્ર કરે છે.’”
૧૭ યહોવાએ વધુમાં મૂસાને કહ્યું: ૧૮ “હારુન, તેના દીકરાઓ અને બધા ઇઝરાયેલીઓ સાથે વાત કર અને તેઓને કહે, ‘જો કોઈ ઇઝરાયેલી અથવા તેઓ મધ્યે રહેતો કોઈ પરદેશી સ્વેચ્છા-અર્પણ+ માટે અથવા પોતાની માનતા પૂરી કરવા માટે યહોવાને અગ્નિ-અર્પણ ચઢાવે,+ ૧૯ તો તેણે ઢોરઢાંકમાંથી ખોડખાંપણ વગરનું નર પ્રાણી ચઢાવવું.+ તે ઘેટો અથવા બકરો ચઢાવે, જેથી ઈશ્વરની મંજૂરી મેળવી શકે. ૨૦ તમે એવું કોઈ પ્રાણી ન ચઢાવો જે ખોડખાંપણવાળું હોય,+ કેમ કે એનાથી તમને ઈશ્વરની મંજૂરી નહિ મળે.
૨૧ “‘જો કોઈ માણસ સ્વેચ્છા-અર્પણ માટે અથવા પોતાની માનતા પૂરી કરવા માટે યહોવાને શાંતિ-અર્પણ ચઢાવે,+ તો તે ઢોરઢાંક કે ઘેટાં-બકરાંમાંથી ખોડખાંપણ વગરનું પ્રાણી ચઢાવે, જેથી ઈશ્વરની મંજૂરી મેળવી શકે. એ પ્રાણીમાં કોઈ ખોડખાંપણ હોવી ન જોઈએ. ૨૨ તમે એવું કોઈ પણ પ્રાણી ન ચઢાવો જે આંધળું હોય, જેનું હાડકું ભાંગેલું હોય, જેના શરીર પર કોઈ જખમ હોય, જેને મસા હોય અથવા જેને ખરજવું કે દાદર થયું હોય. એવું કોઈ પણ પ્રાણી તમે યહોવા આગળ રજૂ ન કરો અથવા યહોવા માટે વેદી પર એનું અર્પણ ન ચઢાવો. ૨૩ જો કોઈ આખલા કે ઘેટાનો એક પગ વધારે લાંબો કે ટૂંકો હોય, તો તમે એને સ્વેચ્છા-અર્પણ તરીકે ચઢાવી શકો. પણ તમે માનતા-અર્પણ તરીકે એને ન ચઢાવી શકો, કેમ કે એ સ્વીકારવામાં નહિ આવે. ૨૪ તમે યહોવાને એવું કોઈ પ્રાણી ન ચઢાવો, જેનાં જાતીય અંગો* નુકસાન પામેલાં કે કચડાયેલાં હોય અથવા એ પ્રાણીની ખસી થયેલી હોય. તમે પોતાના દેશમાં એવું કોઈ પણ પ્રાણી ન ચઢાવો. ૨૫ તમે કોઈ પરદેશી પાસેથી એવું પ્રાણી લઈને ઈશ્વરના ખોરાક તરીકે ન ચઢાવો, કેમ કે એ પ્રાણી ખોડખાંપણવાળું છે અને એનાથી તમને ઈશ્વરની મંજૂરી નહિ મળે.’”
૨૬ યહોવાએ મૂસાને આગળ કહ્યું: ૨૭ “જ્યારે કોઈ વાછરડું કે ઘેટું કે બકરું જન્મે, ત્યારે સાત દિવસ એ પોતાની મા પાસે રહે.+ પણ આઠમા દિવસ પછી એ બચ્ચાને તમે યહોવાને આગમાં ચઢાવવાના અર્પણ તરીકે આપી શકો અને ઈશ્વરની મંજૂરી મેળવી શકો. ૨૮ ગાય હોય કે ઘેટી, તમે એને અને એના બચ્ચાને એક જ દિવસે ન કાપો.+
૨૯ “જો તમે યહોવાને આભાર-અર્પણ ચઢાવો,+ તો તમને ઈશ્વરની મંજૂરી મળે એ રીતે ચઢાવો. ૩૦ જે દિવસે તમે એને ચઢાવો, એ જ દિવસે એ ખાઓ. એમાંનું કંઈ પણ સવાર સુધી બાકી ન રાખો.+ હું યહોવા છું.
૩૧ “તમે મારી આજ્ઞાઓ પાળો અને એ પ્રમાણે ચાલો.+ હું યહોવા છું. ૩૨ તમે મારા પવિત્ર નામનું અપમાન ન કરો.+ હું ઇઝરાયેલીઓ મધ્યે પવિત્ર ગણાઈશ.+ હું યહોવા છું, જે તમને પવિત્ર કરે છે.+ ૩૩ હું તમને ઇજિપ્તમાંથી બહાર લઈ જઈ રહ્યો છું, જેથી સાબિત કરું કે હું તમારો ઈશ્વર છું.+ હું યહોવા છું.”