નિર્ગમન
૧૩ યહોવાએ મૂસાને કહ્યું: ૨ “ઇઝરાયેલીઓના દરેક પ્રથમ જન્મેલા નર બાળકને મારા માટે પવિત્ર કર.* મનુષ્યનો અને પ્રાણીનો પ્રથમ જન્મેલો નર મારો છે.”+
૩ પછી મૂસાએ લોકોને કહ્યું: “આ દિવસને તમે ભૂલતા નહિ, કેમ કે યહોવાએ પોતાના શક્તિશાળી હાથથી આજે તમને ઇજિપ્તમાંથી, હા, ગુલામીના ઘરમાંથી બહાર કાઢ્યા છે.+ એટલે ખમીરવાળું કંઈ પણ ખાશો નહિ. ૪ આબીબ*+ મહિનાના આ દિવસે તમે અહીંથી બહાર નીકળી રહ્યા છો. ૫ યહોવાએ તમારા બાપદાદાઓ સામે સમ ખાધા હતા+ કે તે તમને દૂધ-મધની રેલમછેલવાળા દેશમાં+ લઈ જશે, જ્યાં હમણાં કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ+ વસે છે. ત્યાં પહોંચ્યા પછી દર વર્ષે આ મહિનામાં એ તહેવાર જરૂર ઊજવજો. ૬ સાત દિવસ સુધી તમારે બેખમીર રોટલી ખાવી+ અને સાતમા દિવસે તમારે યહોવા માટે તહેવાર ઊજવવો. ૭ તમારે બેખમીર રોટલી સાત દિવસ સુધી ખાવી.+ એ દરમિયાન તમારી પાસે ખમીરવાળું કંઈ ન હોવું જોઈએ.+ તમારા આખા પ્રદેશમાં ખમીરવાળો લોટ* પણ ન હોવો જોઈએ. ૮ એ દિવસે તમે તમારા દીકરાઓને જરૂર કહેજો: ‘હું ઇજિપ્તમાંથી બહાર આવ્યો ત્યારે, યહોવાએ મારા માટે જે કર્યું એની યાદમાં હું આ તહેવાર ઊજવું છું.’+ ૯ આ તહેવાર તમારા હાથ પર નિશાની જેવો અને કપાળ પર* યાદગીરી જેવો થશે.+ આમ યહોવાનો નિયમ તમારા હોઠે રહેશે, કેમ કે યહોવાએ પોતાના શક્તિશાળી હાથથી તમને ઇજિપ્તમાંથી બહાર કાઢ્યા છે. ૧૦ દર વર્ષે નક્કી કરેલા સમયે તમારે આ નિયમ જરૂર પાળવો.+
૧૧ “યહોવાએ તમારી આગળ અને તમારા બાપદાદાઓ આગળ સમ ખાધા હતા કે તે તમને કનાનીઓનો દેશ આપશે. તે તમને એ દેશમાં લઈ જાય ત્યારે,+ ૧૨ દરેક પ્રથમ જન્મેલા નર બાળકને અને ઢોરઢાંકના પ્રથમ જન્મેલા નરને તમારે યહોવા માટે અલગ કરવા. દરેક નર યહોવાનો છે.+ ૧૩ તમારે ગધેડાના પ્રથમ જન્મેલા નરને છોડાવવા ઘેટું આપવું. જો એમ ન કરો, તો એ ગધેડાનું ગળું કાપીને એને મારી નાખો. તમારે તમારા પ્રથમ જન્મેલા દીકરાને પણ મૂલ્ય આપીને છોડાવવો.+
૧૪ “જો ભાવિમાં તમારો દીકરો પૂછે કે, ‘તમે કેમ આવું કરો છો?’ તો તમારે કહેવું, ‘યહોવાએ પોતાના શક્તિશાળી હાથથી આપણને ઇજિપ્તમાંથી, હા, ગુલામીના ઘરમાંથી બહાર કાઢ્યા હતા.+ ૧૫ એ વખતે ઇજિપ્તનો રાજા કઠોર થયો હતો અને આપણને ત્યાંથી જવા દીધા ન હતા.+ એટલે યહોવાએ ઇજિપ્ત દેશના દરેક પ્રથમ જન્મેલાને મારી નાખ્યો, પછી ભલે એ મનુષ્ય હોય કે પ્રાણી.+ એ કારણે હું બધાં પ્રાણીઓના પ્રથમ જન્મેલા નરનું યહોવાને બલિદાન ચઢાવું છું અને મારા પ્રથમ જન્મેલા દીકરાને મૂલ્ય આપીને છોડાવું છું.’ ૧૬ એ તહેવાર તમારા હાથ અને કપાળ પર* નિશાની થશે,+ કેમ કે યહોવાએ પોતાના શક્તિશાળી હાથથી તમને ઇજિપ્તમાંથી બહાર કાઢ્યા છે.”
૧૭ ઇજિપ્તના રાજાએ ઇઝરાયેલીઓને જવા દીધા ત્યારે, ઈશ્વર તેઓને પલિસ્તીઓના દેશમાં થઈને લઈ ગયા નહિ. એ રસ્તો ટૂંકો હોવા છતાં ઈશ્વરે એમ ન કર્યું, કેમ કે તેમને થયું: “જો ત્યાંના લોકો યુદ્ધ કરવા આવશે, તો ઇઝરાયેલીઓ પોતાનું મન બદલી નાખશે અને ઇજિપ્ત પાછા જતા રહેશે.” ૧૮ તેથી ઈશ્વર તેઓને લાલ સમુદ્ર પાસેના વેરાન પ્રદેશમાંથી લઈ ગયા.+ તેઓ ઇજિપ્તમાંથી સૈનિકોની જેમ ટુકડીઓ બનાવીને નીકળ્યા. ૧૯ મૂસાએ પોતાની સાથે યૂસફનાં હાડકાં પણ લીધાં, કેમ કે યૂસફે ઇઝરાયેલના દીકરાઓ પાસે આ સમ ખવડાવ્યા હતા: “ઈશ્વર ચોક્કસ તમારા પર ધ્યાન આપશે. તમે અહીંથી જાઓ ત્યારે મારાં હાડકાં તમારી સાથે લઈ જજો.”+ ૨૦ ઇઝરાયેલીઓ સુક્કોથથી નીકળ્યા અને તેઓએ વેરાન પ્રદેશની સરહદે આવેલા એથામમાં છાવણી નાખી.
૨૧ ઇઝરાયેલીઓને દોરવા યહોવા તેઓની આગળ આગળ ચાલતા હતા. દિવસે તે વાદળના સ્તંભ દ્વારા રસ્તો બતાવતા+ અને રાતે અગ્નિના સ્તંભ દ્વારા અજવાળું આપતા. આમ તેઓ દિવસે અને રાતે મુસાફરી કરી શકતા.+ ૨૨ દિવસે વાદળનો સ્તંભ અને રાતે અગ્નિનો સ્તંભ લોકો આગળથી ખસતો નહિ.+