ગણના
૪ હવે યહોવાએ મૂસા અને હારુનને કહ્યું: ૨ “લેવીના દીકરાઓમાંથી કહાથના દીકરાઓની ગણતરી તેઓનાં કુટુંબો અને પિતાનાં કુટુંબો પ્રમાણે કરો.+ ૩ તમે ૩૦થી+ ૫૦ વર્ષના+ એવા પુરુષોની ગણતરી કરો, જેઓને મુલાકાતમંડપમાં સેવા કરવાની સોંપણી મળી છે.+
૪ “કહાથના દીકરાઓ મુલાકાતમંડપમાં જે સેવા કરવાના છે,+ એ ખૂબ પવિત્ર વસ્તુઓને લગતી છે. ૫ જ્યારે બીજી જગ્યાએ છાવણી લઈ જવામાં આવે, ત્યારે હારુન અને તેના દીકરાઓ મંડપની અંદર જાય. તેઓ કરારકોશ* સામેનો પડદો+ ઉતારે અને એનાથી કરારકોશને+ ઢાંકે. ૬ તેઓ એના પર સીલ માછલીનું ચામડું નાખે અને એના પર ભૂરા રંગનું કપડું પાથરે. પછી કોશને ઊંચકવાના દાંડા+ એની જગ્યાએ પરોવે.
૭ “તેઓ અર્પણની રોટલીની* મેજ+ ઉપર પણ ભૂરા રંગનું કપડું પાથરે. એના પર થાળીઓ, પ્યાલા, વાટકા અને દ્રાક્ષદારૂ-અર્પણો*+ માટેના કુંજા મૂકે. પછી નિયમિત અર્પણ કરવામાં આવતી રોટલી+ મેજ ઉપર જ રાખવામાં આવે. ૮ તેઓ એના પર લાલ કપડું પાથરે અને એને સીલ માછલીના ચામડાથી ઢાંકે. પછી મેજને ઊંચકવાના દાંડા+ એની જગ્યાએ પરોવે. ૯ ત્યાર બાદ તેઓ ભૂરા રંગનું બીજું એક કપડું લે અને એનાથી અજવાળા માટેની દીવી,+ એના દીવાઓ,+ એના ચીપિયા,* એનાં અગ્નિપાત્રો*+ અને દીવામાં તેલ પૂરવા વપરાતાં બધાં વાસણો ઢાંકે. ૧૦ પછી દીવી અને એનાં બધાં વાસણોને સીલ માછલીના ચામડાથી વીંટે અને એને ઊંચકીને લઈ જવા પાટિયા પર મૂકે. ૧૧ તેઓ સોનાની વેદી+ પર ભૂરા રંગનું કપડું પાથરે અને એને સીલ માછલીના ચામડાથી ઢાંકે. પછી એના દાંડા+ એની જગ્યાએ પરોવે. ૧૨ પવિત્ર જગ્યાએ સેવા કરવા જે વાસણો+ નિયમિત રીતે વપરાય છે, એ લઈને તેઓ ભૂરા રંગના કપડામાં મૂકે અને એને સીલ માછલીના ચામડાથી ઢાંકે. પછી એને ઊંચકીને લઈ જવા પાટિયા પર મૂકે.
૧૩ “તેઓ વેદીમાંથી+ બધી રાખ* કાઢી નાખે અને વેદી પર જાંબુડિયા રંગના ઊનનું કપડું પાથરે. ૧૪ તેઓ એના ઉપર વેદીએ સેવા કરવા વપરાતાં આ બધાં વાસણો મૂકે: અગ્નિપાત્રો, કાંટા,* પાવડા અને વાટકા.+ પછી તેઓ એને સીલ માછલીના ચામડાથી ઢાંકે અને વેદીને ઊંચકવાના દાંડા+ એની જગ્યાએ પરોવે.
૧૫ “જ્યારે છાવણીને બીજી જગ્યાએ લઈ જવામાં આવે, ત્યારે હારુન અને તેના દીકરાઓ પવિત્ર જગ્યાનો બધો સામાન પહેલા ઢાંકી દે.+ પછી કહાથના દીકરાઓ અંદર જાય અને એને ઊંચકે.+ પણ તેઓ પવિત્ર જગ્યાનો સામાન અડકે નહિ, નહિતર તેઓ માર્યા જશે.+ મુલાકાતમંડપની એ બધી વસ્તુઓની જવાબદારી* કહાથના દીકરાઓની છે.
૧૬ “હારુન યાજકના દીકરા એલઆઝારની+ જવાબદારી આ વસ્તુઓની દેખરેખ રાખવાની છે: અજવાળા માટે તેલ,+ સુગંધી ધૂપ,*+ નિયમિત ચઢાવવાનાં અનાજ-અર્પણો* અને અભિષેક* કરવાનું તેલ.+ તેણે મંડપ અને એમાંની બધી વસ્તુઓની, એટલે કે પવિત્ર જગ્યા અને એમાંનાં બધાં વાસણોની દેખરેખ રાખવાની છે.”
૧૭ યહોવાએ વધુમાં મૂસા અને હારુનને કહ્યું: ૧૮ “લેવીઓના કુળમાંથી કહાથીઓનાં કુટુંબોનો+ કદી નાશ થવા ન દો. ૧૯ તમે તમારી જવાબદારી બરાબર નિભાવજો, જેથી તેઓ જીવતા રહે અને ખૂબ પવિત્ર વસ્તુઓની+ પાસે જવાથી માર્યા ન જાય. હારુન અને તેના દીકરાઓ મુલાકાતમંડપની અંદર જાય અને કહાથના દીકરાઓને જણાવે કે તેઓએ કયું કામ કરવાનું છે અને કઈ વસ્તુ ઊંચકવાની છે. ૨૦ કહાથના દીકરાઓ અંદર આવીને એક પળ માટે પણ પવિત્ર વસ્તુઓને ન જુએ, નહિતર તેઓ માર્યા જશે.”+
૨૧ પછી યહોવાએ મૂસાને કહ્યું: ૨૨ “ગેર્શોનના દીકરાઓની+ ગણતરી તેઓનાં કુટુંબો અને પિતાનાં કુટુંબો પ્રમાણે કર. ૨૩ તું ૩૦થી ૫૦ વર્ષના એવા પુરુષોની ગણતરી કર, જેઓને મુલાકાતમંડપમાં સેવા કરવાની સોંપણી મળી છે. ૨૪ ગેર્શોનીઓનાં કુટુંબોએ આ વસ્તુઓની કાળજી લેવાની છે અને એને ઊંચકવાની છે:+ ૨૫ મંડપના પડદા,+ મુલાકાતમંડપ, એના પર નાખવાનો પડદો અને એની ઉપરનો સીલ માછલીના ચામડાનો પડદો,+ મુલાકાતમંડપના પ્રવેશદ્વારનો પડદો,+ ૨૬ આંગણાના પડદા,+ મંડપ અને વેદીની ફરતે જે આંગણું છે એના પ્રવેશદ્વારના પડદા,+ આંગણાનાં દોરડાં અને એની બધી સાધન-સામગ્રી તેમજ મંડપમાં સેવામાં વપરાતી બધી વસ્તુઓ. એ તેઓની જવાબદારી છે. ૨૭ ગેર્શોનીઓની+ બધી સેવાઓ અને તેઓએ જે વસ્તુઓ ઊંચકવાની છે, એની દેખરેખ હારુન અને તેના દીકરાઓ રાખશે. તમે એ બધું ગેર્શોનીઓને જવાબદારી તરીકે સોંપો. ૨૮ મુલાકાતમંડપની એ બધી વસ્તુઓ ઊંચકવાની જવાબદારી ગેર્શોનીઓનાં કુટુંબોની છે.+ હારુન યાજકના દીકરા ઇથામારના માર્ગદર્શન હેઠળ તેઓ એ જવાબદારી ઉપાડે.+
૨૯ “મરારીના દીકરાઓની+ ગણતરી તેઓના કુટુંબ અને પિતાના કુટુંબ પ્રમાણે કર. ૩૦ તું ૩૦થી ૫૦ વર્ષના એવા પુરુષોની ગણતરી કર, જેઓને મુલાકાતમંડપમાં સેવા કરવા સોંપણી મળી છે. ૩૧ મુલાકાતમંડપની આ બધી વસ્તુઓ ઊંચકવાની જવાબદારી તેઓની છે:+ મંડપનાં ચોકઠાં,+ એના દાંડા,+ એના થાંભલા+ અને એની કૂંભીઓ;+ ૩૨ આંગણાને ફરતે આવેલી થાંભલીઓ,+ એની કૂંભીઓ,+ એના ખીલા,+ એનાં દોરડાં, બધો સામાન અને ત્યાં સેવામાં વપરાતી બધી વસ્તુઓ. તું દરેકને જણાવ કે તેણે કયો સામાન ઊંચકવાનો છે. ૩૩ એ રીતે મરારીના દીકરાઓનાં કુટુંબો+ મુલાકાતમંડપમાં કામ કરે. તેઓ હારુન યાજકના દીકરા ઇથામારના માર્ગદર્શન હેઠળ કામ કરે.”+
૩૪ પછી મૂસા, હારુન અને ઇઝરાયેલીઓના મુખીઓએ+ કહાથના દીકરાઓની+ નોંધણી તેઓનાં કુટુંબો અને પિતાના કુટુંબ પ્રમાણે કરી. ૩૫ તેઓએ ૩૦થી ૫૦ વર્ષના એવા પુરુષોની ગણતરી કરી, જેઓને મુલાકાતમંડપમાં સેવા કરવા સોંપણી મળી હતી.+ ૩૬ કુટુંબો પ્રમાણે તેઓની કુલ સંખ્યા ૨,૭૫૦ હતી.+ ૩૭ કહાથીઓનાં કુટુંબોમાંથી એ બધાની નોંધણી થઈ, જેઓ મુલાકાતમંડપમાં સેવા આપતા હતા. યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી, એ પ્રમાણે જ મૂસા અને હારુને તેઓની નોંધણી કરી.+
૩૮ ગેર્શોનના દીકરાઓની+ નોંધણી તેઓનાં કુટુંબો અને પિતાના કુટુંબ પ્રમાણે થઈ. ૩૯ ૩૦થી ૫૦ વર્ષના એવા પુરુષોની ગણતરી થઈ, જેઓને મુલાકાતમંડપમાં સેવા કરવા સોંપણી મળી હતી. ૪૦ કુટુંબો અને પિતાના કુટુંબ પ્રમાણે તેઓની કુલ સંખ્યા ૨,૬૩૦ હતી.+ ૪૧ ગેર્શોનીઓનાં કુટુંબોમાંથી એ બધાની નોંધણી થઈ, જેઓ મુલાકાતમંડપમાં સેવા આપતા હતા. યહોવાની આજ્ઞા પ્રમાણે મૂસા અને હારુને તેઓની નોંધણી કરી.+
૪૨ મરારીના દીકરાઓની નોંધણી તેઓનાં કુટુંબો અને પિતાના કુટુંબ પ્રમાણે થઈ. ૪૩ ૩૦થી ૫૦ વર્ષના એવા પુરુષોની ગણતરી થઈ, જેઓને મુલાકાતમંડપમાં સેવા કરવા સોંપણી મળી હતી.+ ૪૪ કુટુંબો પ્રમાણે તેઓની કુલ સંખ્યા ૩,૨૦૦ હતી.+ ૪૫ મરારીનાં કુટુંબોમાંથી એ બધાની નોંધણી થઈ, જેઓ મુલાકાતમંડપમાં સેવા આપતા હતા. યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી, એ પ્રમાણે જ મૂસા અને હારુને તેઓની નોંધણી કરી.+
૪૬ મૂસા, હારુન અને ઇઝરાયેલીઓના મુખીઓએ લેવીઓની નોંધણી તેઓનાં કુટુંબો અને પિતાનાં કુટુંબો પ્રમાણે કરી. ૪૭ તેઓ ૩૦થી ૫૦ વર્ષના હતા. તેઓ બધાને મુલાકાતમંડપમાં સેવા કરવાની અને એને લગતી વસ્તુઓ ઊંચકવાની સોંપણી મળી હતી.+ ૪૮ તેઓની કુલ સંખ્યા ૮,૫૮૦ હતી.+ ૪૯ યહોવાએ મૂસાને જે આજ્ઞા આપી હતી એ પ્રમાણે જ તેઓની નોંધણી થઈ. તેઓએ જે કામ કરવાનું હતું અને જે વસ્તુઓ ઊંચકવાની હતી, એ પ્રમાણે તેઓની નોંધણી થઈ. યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા પ્રમાણે જ તેઓની નોંધણી થઈ.